Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમણાંથી કેટલીક ઘટનાઓ એવી બની રહી છે, જે લોકતાંત્રિક વ્યવસ્થાઓ અને સુખ-શાંતિભર્યા સહજીવન તથા સૌહાર્દ માટે ચિંતાજનક ગણાય, રાજકીય ક્ષેત્રે તો આદર્શો, મૂલ્યો અને મર્યાદાઓનો હ્રાસ થતો જોવા મળી જ રહ્યો છે, પરંતુ હવે તો સામાજિક, પારિવારિક અને ન્યાયિક ક્ષેત્રે પણ નીતિમત્તા, વિવેક અને સહનશીલતાનું સ્થાન અનૈતિકતા, સ્વાર્થ, અવિવેક, આક્રમકતા અને શોર્ટમાઈન્ડેડ એકશન-રિએક્શન લઈ રહ્યા હોય, તેવું જણાય છે, અને હવે તો અદાલતોમાં પણ કેટલીક અનિચ્છનિય અને નિંદાપાત્ર ઘટનાઓ બનવા લાગી છે, અને કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ન્યાયપ્રણાલિત ક્ષેત્રોના એક જ સિક્કાની બે બાજુ જેવા પોલીસતંત્ર અને વકીલ સમુદાયો વચ્ચે થતાં ગજગ્રાહ ઊભો થવાના બનાવો પણ જોવા મળી રહ્યા છે. આટલું અધુરૃં હોય, તેમ અદાલતોમાં ન્યાયવિંદોના અપમાનની ઘટનાઓ પણ વધવા લાગી છે, જે શાસન, પ્રશાસન, બાર અને અદાલતો માટે ચિંતાનો વિષય છે.
થોડા દિવસો પહેલા દેશની સર્વોચ્ચ અદાલતમાં સીજેઆઈ તરફ જૂતુ ફેંકવાનો પ્રયાસ થયો, તેને લઈને આજે પણ ચર્ચા થઈ રહી છે, અને દસેક વર્ષ પહેલા બનેલી એક આ જ પ્રકારની ઘટના પછી અદાલતની અવગણના કે અપમાન કરવાની હરકત સામે અદાલતની સત્તાઓનો ઉપયોગ કરવાની તે સમયે જરૂર જણાવાઈ હતી અને અભિપ્રાયો અપાયા હતા, તેનો સંદર્ભ આપીને હાલની ઘટનાના સંદર્ભે કાર્યવાહી થવી જોઈએ, તેવી ન્યાયક્ષેત્રે ચાલતી ચર્ચાના સંદર્ભે સીજેઆઈએ મોટું મન રાખીને જણાવ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, અને મારા માટે તે "ભૂલાયેલો અધ્યાય" છે.
જો કે, અદાલતોમાં જજો સામે જૂતા ફેંકવાની ઘટનાને હળવાશમાં ન લેવી જોઈએ, તેવું માનનારો પણ એક વર્ગ છે, અને હવે અમદાવાદમાં જજ સામે જૂતુ ફેંકવાની ઘટના પછી આ પ્રકારના અભિપ્રાયને બળ મળ્યું છે. જો કે, અમદાવાદની ઘટના રાજ્યના ન્યાયક્ષેત્રમાં "ટોક ઓફ ધ સ્ટેટ" બન્યો છે, અને તેના પડઘા દિલ્હી સુધી પડયા છે. બીજી તરફ અમદાવાદની જિલ્લા અદાલતમાં જજ તરફ જૂતુ ફેંકવાની ઘટના પાછળનું મુળભૂત કારણ આપણી "સિસ્ટમ" સામે પણ સવાલો ઊભા કરે છે.
આ જૂતુ ફેંકનાર ફરિયાદી ત્રણેક દાયકાથી મારામારી અને ઘાતક હથિયાર સાથે હૂમલો કરવાના કેસમાં કાનૂની જંગ લડી રહ્યો હતો અને અંતે "પૂરાવાના અભાવે" આરોપીઓ નિર્દોષ છુટી જતા આક્રોશ અને હતાશામાં ફરિયાદીએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
ફરિયાદીની આ હરકત કોઈપણ રીતે યોગ્ય ગણી શકાય નહીં, અને આક્રોશ કે હતાશાની પ્રક્રિયા કરીને, ફરિયાદી પોતે પણ ક્રિમીનલ જેવું કોઈ વર્તન કરે, તે સ્વીકૃત પણ ગણાય નહીં, પરંતુ ત્રણ-ત્રણ દાયકા સુધી કેસ ચાલતો રહે, દલીલો અને અપીલો થતી રહે અને છેવટે પૂરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છુટી જાય, ત્યારે તેમાં જજ નહીં પણ "સિસ્ટમ" દોષિત છે, તે સમજવું પડે તેમ છે.
હકીકતે આ કેસમાં જજ પર બબ્બે જૂતા ફેંકનાર ફરિયાદીએ મેટ્રોપોલિટન કોર્ટમાં લગભગ ૨૦ વર્ષે આપેલા ચુકાદામાં આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા પછી સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને ત્યાં આઠ વર્ષે આવેલા ચુકાદામાં સેસન્સ કોર્ટે અપીલ નામંજુર કરીને આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવવાના નીચલી અદાલતના ચુકાદાને બહાલ કર્યો હતો, તે પછી ફરિયાદીએ આ હરકત કરી હતી.
આ પ્રકરણ પરથી એ ચર્ચા પણ થવા લાગી છે કે આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છુટી જતા હોય, તેવા કેસોની ટકાવારી વધી રહી હોય અતે તેમાં જવાબદાર કોઈ જ ન ઠરતું હોય, તો આ મુદ્દે શાસકો-પ્રશાસકો અને ન્યાયતંત્ર દ્વારા કોઈ નક્કર મિકેનિઝમ ઊભું કરીને સાચા અર્થમાં "ન્યાય" મળતો થાય, તે દિશામાં વિચારવું જ પડે તેમ છે.
બીજી તરફ અદાલતોમાં સુરક્ષા વ્યવસ્થાઓના મુદ્દે પણ હવે વિચારવું જ પડે તેમ છે. અદાલતોમાં જો જજો સામે જ જૂતા ફેંકાવા લાગશે, તો ન્યાયક્ષેત્રનો માહોલ બગડશે તેવી જ રીતે અમદાવાદની ઉક્ત ઘટનાના ફરિયાદીની જેમ જો લોકોનો ન્યાયતંત્રમાંથી જ વિશ્વાસ ઉઠી જશે કે પછી ન્યાયવિદ્દો તરફ આક્રોશ વ્યક્ત થશે, તો ન્યાયની વિભાવના જ કમજોર પડી જશે. લોકોને એ સમજાવવાની પણ જરૂર છે કે અદાલતોમાં અપાતા ચૂકાદાઓ આધાર-પૂરાવા અને દલીલો પર આધારિત હોય છે અને જે કેસમાં પૂરતા પૂરાવા જ મળતા ન હોય તો કાં તો ફરિયાદ ખોટી હોય, અથવા તપાસ યોગ્ય રીતે થઈ ન હોય કે પછી "સિસ્ટમ" ના કારણે કેસ કાચો હોય છે, તેથી તેમાં જજો કે વકીલો સામે નારાજગી કે આક્રોશ વ્યક્ત કરવો યોગ્ય નથી, અને સમગ્ર "સિસ્ટમ"ને ધરમૂળથી સુધારવાની જરૂર છે. કારણ કે હવે તો "સિસ્ટમ" નો વિવાદ ન્યાયક્ષેત્રના સંકુલો સુધી પહોંચી ગયો છે.
ગુજરાત હાઈકોર્ટની "સિસ્ટમ" સામે સવાલો ઉઠાવીને સમગ્ર સંકુલમાં ખૂણે ખૂણે વ્યૂહાત્મક સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાનો હુકમ કર્યા પછી જસ્ટિસ સંદીપ ભટ્ટની સંભવિત બદલી સામે વકીલોએ દિવસો સુધી કામકાજ થી દૂર રહીને વિરોધ દર્શાવ્યો હતો, અને તે સમયે મામલો ઠંડો પડી ગયો હતો, પરંતુ તાજા સમાચારો મુજબ હાઈકોર્ટના જે બે જજોની બદલી અન્ય રાજ્યોમાં થઈ છે, તેમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટ પણ સામેલ છે. આને કહેવાય "સત્તા સામે શાણપણ નકામુ...સિસ્ટમ સામે સૌ લાચાર"!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial