Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસનો રેલો હવે કાશ્મીર, ફરિદાબાદ, લખનૌ સુધી...

ફરિદાબાદ, જમ્મુ-કાશ્મીરની કાર્યવાહી સાથે કડીઓ જોડવામાં આવી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: દિલ્હી કાર વિસ્ફોટની તપાસનો રેલો હવે દિલ્હીથી કાશ્મીર, ફરિદાબાદ અને લખનૌ સુધી પહોંચ્યો છે.

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિનાશક બોમ્બ વિસ્ફોટની આસપાસની કડીઓ બહાર આવવા લાગી છે. પ્રારંભિક તપાસના તારણોએ સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક કરી દીધી છે. તપાસ હવે દિલ્હીથી કાશ્મીર, ફરિદાબાદ અને લખનૌમાં ખસેડાઈ છે.

હકીકતમાં બે ડોક્ટરોની ધરપકડ પછી એજન્સીઓએ કડીઓ શોધી કાઢી ત્યારે ફરિદાબાદ અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે ફેલાયેલા નેટવર્કના લેવલો ખૂલવા લાગ્યા છે. આ કડીઓના કારણે તપાસકર્તાઓ ત્રીજા ડોક્ટર, ડો. ઉમરને શોધવા લાગ્યા છે.

સૌ પ્રથમ ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ શકીલ હતાં. જમ્મુ અને કાશ્મીર અને ફરિદાબાદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પુલવામાનો રહેવાસી મુઝમ્મિલ ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં સિનિયર ડોક્ટર હતો. તે છેલ્લા સાડાત્રણ વર્ષથી ત્યાં કામ કરતો હતો અને યુનિવર્સિટી કેમ્પસમાં રહેતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ રહસ્યો ખોલ્યા. તેની માહિતીના આધારે ફરિદાબાદ પોલીસે ધૌજ વિસ્તારમાં એક ભાડાના રૂમમાં દરોડો પાડ્યો, જેમાં ૩૦૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ, ર૦ ટાઈમર અને ર૦ બેટરી જપ્ત કરવામાં આવી.

આ વસ્તુઓ છેલ્લા પંદર દિવસમાં મુઝમ્મિલ સુધી પહોંચી હતી. તેણે એમોનિયમ નાઈટ્રેટ છૂપાવવા માટે આઠ મોટા અને ચાર નાના સટકેસ તૈયાર કર્યા હતાં. શરૂઆતના અનુમાન મુજબ આ સામગ્રીનો ઉપયોગ કોઈ મોટા વિસ્ફોટમાં થવાનો હતો. આ સૂચવે છે કે ડોક્ટરના વેશમાં એક માણસ આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો હતો.

સુરક્ષા એજન્સીઓએ મુઝમ્મિલના ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને બેંક વ્યવહારોની તપાસ કરી અને જૈશ-એ-મોહમ્મદ સાથે તેના જોડાણના પુરાવા મળ્યા. પોલીસે તેના ફોન, લેપટોપ અને ઈમેઈલ પર વિદેશી નંબરોમાંથી અસંખ્ય એન્ક્રિપ્ટેડ મેસેજ અને ચેટ ડેટા જપ્ત કર્યા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, મુઝમ્મિલ એક નેટવર્કનો ભાગ હતો જે છેલ્લા કેટલાક મહિનાઓથી ઉત્તર ભારતમાં એક્ટિવ હતો. શસ્ત્રોનો સંગ્રહ કરતો હતો અને મોટા આતંકવાદી હુમલાની તૈયારી કરતો હતો. પરિણામે જમ્મુ અને કાશ્મીર પોલીસે ખીણમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણાં વધુ સંકાસ્પદોની અટકાયત કરી છે.

તપાસના સંદર્ભમાં પોલીસે ડો. શાહીન શાહિદ નામની મહિલા ડોક્ટરની ધરપકડ ધરી છે. શાહીન મૂળ લખનૌના લાલબાગની રહેવાસી હોવાનું કહેવાય છે. તે એ જ મહિલા છે જેની કારમાંથી રાઈફલ, પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્વિફ્ટ કાર અલ ફલાહ યુનિવર્સિટીમાંથી જપ્ત કરવામાં આવી હતી, જ્યાં મુઝમ્મિલ પણ કામ કરતો હતો.

કારની તપાસમાં એક ક્રિંકોલ એસોલ્ટ રાઈફલ, ત્રણ મેગેઝિન, ૮૩ રાઉન્ડ દારૂગોળો, એક પિસ્તોલ અને બે ખાલી શેલ મળી આવ્યા હતાં. પોલીસનું કહેવું છે કે, ડો. શાહીન અને મુઝમ્મિલ ઘણીવાર સાથે જોવા મળતા હતાં. તેઓ સતત સંપર્કમાં રહેતા હતાં અને મુઝમ્મિલ ઘણીવાર શાહીનની કારનો ઉપયોગ કરતો હતો.

શાહીનની પૂછપરછ કર્યા પછી તપાસ એજન્સીઓએ વધારાના નામ અને મોબાઈલ નંબર મેળવયા છે. કોલ ડિટેલ રેકોર્ડસ પરથી જાણવા મળ્યું છે કે, મુઝમ્મિલ અને શાહીન દિલ્હી, લખનૌ અને શ્રીનગરમાં અનેક નંબરો પર સંપર્કમાં હતાં. પોલીસને શંકા છે કે શાહીન માત્ર મુઝમ્મિલની નજીક જ નહોતી, પણ લોજિસ્ટિક્લ સપોર્ટ પણ કરતી હતી. એટલે કે તેણે કાર, છૂપાવવાનું સ્થળ અને આવશ્યક પુરવઠો ગોઠવવામાં ભૂમિકા ભજવી હતી, જ્યારે શાહીનના કોઈપણ આતંકવાદી સંગઠન સાથેના સંબંધો હજુ સુધી સત્તાવર રીતે પુષ્ટિ પામ્યા નથી. એજન્સીઓ તેને સંભવિત સ્લીપર સેલ તરીકે ધ્યાનમાં લઈ રહી છે.

આ કેસમાં ધરપકડ કરાયેલો પ્રથમ વ્યક્તિ ડો. આદિલ અહેમદ રાથેર હતો. જે હાલમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. આદિલની માહિતીને પગલે પોલીસે ખીણમાંથી એક એકે-૪૭ રાઈફલ, મોટી માત્રામાં દારૂગોળો અને આરડીએક્સ જપ્ત કર્યા. ડો. આદિલના લોકરમાંથી મળેલા હથિયારો અને ફરિદાબાદમાંથી મળેલા દારૂગોળો વચ્ચે ટેકનિકલ સમાનતાઓ મળી આવી છે. આનાથી તપાસ એજન્સીઓ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે આદિલ, મુુઝમ્મિલ અને ઉમર એક જ આતંકવાદી મોડ્યુલનો ભાગ હતાં.

બે ડોકટરોની ધરપકડ પછી એજન્સીઓનું ધ્યાન હવે ડો. ઉમર પર કેન્દ્રિત થઈ ગયું હતું. તે આ નેટવર્કનો ઓપરેશનલ હેન્ડલર હોવાનું કહેવાય છે અને તેની ધરપકડના થોડા દિવસો પહેલા ફરિદાબાદમાંથી ગાયબ થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તેને અનેક સ્થળોએ શોધી શકે તે પહેલા દિલ્હીના લાલ કિલ્લા પાસે એક વિસ્ફોટ થયો. વિસ્ફોટની તીવ્રતા એટલી મોટી હતી કે નજીકની ઈમારતોની બારીઓ તૂટી ગઈ.

જમ્મુ અને કાશ્મીર પોલીસ, હરિયાણા આતંકવાદ વિરોધી ટૂકડી, ફરિદાબાદ પોલીસ, ઉત્તરપ્રદેશ પોલીસ અને કેન્દ્રિય તપાસ એજન્સીઓ હવે આ કેસમાં સાથે મળીને કામ કરી રહી છે. અલ ફલાહ યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અસંખ્ય કમ્પ્યુટર્સ, હાર્ડ ડ્રાઈવો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ મોડ્યુલ વિદેશી હેન્ડલરોના સંપર્કમાં હતું અને દિલ્હી વિસ્ફોટો રાજધાનીમાં ભય અને અસ્થિરતા ફેલાવવાની યોજનાનો એક ભાગ હતાં.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે વિસ્ફોટ પહેલા લેવાયેલા એક ફોટો જાહેર કર્યો છે, જેમાં ગોલ્ડન મસ્જિદ નજીક રસ્તા પર એક આઈર૦ કાર ચાલી રહી હતી. લાલ કિલ્લા પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ પર ટ્રાફિક સિગ્નલ પર ધીમે ધેમી આગળ વધી રહેલી કારની ડિક્કીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયવો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના અનેક વાહનોની બારીઓ તૂટી ગઈ અને આગ લાગી ગઈ. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના કાચ પણ તૂટી ગયા.

કાર હરિયાણાના ગુરુગ્રામ આટીઓમાં નોંધાયેલી હતી. તેનો નંબર એચઆર-ર૬૭૬ર, હતો, અને તે મોહમ્મદ સલમાન નામના વ્યક્તિના નામે નોધાંયેલી હતી, જેને પોલીસે અકટાયતમાં લીધી છે અને પુછપરછ કરી રહી છે. તપાસમાં પુલવામાં કનેક્શન પણ બહાર આવ્યુ છે. સલમાને ૧ર૦ કાર જમ્મુ અને કાશ્મીરના તારિક નામના વ્યક્તિને વેંચી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh