Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદ થતા ખેતરોમાં ૫ડેલા મગફળીના પાથરા પલળી ગયાઃ કૃષિ પાકોને નુકસાનઃ આજે પણ વરસાદી માહોલ
રાજકોટ તા. ૨૭: ગુજરાતમાં ઘણાં સ્થળે માવઠું થયું છે, અને આજે પણ વાદળછાયુ વાતાવરણ છે, અને કેટલાક સ્થળે ઝરમર વરસાદ પડી રહ્યો છે. મહુવામાં ૧૧, રાજુલામાં ૯, શિહોરમાં ૬ ઈંચ જેટલો વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ ત્રણ દિવસની આગાહી છે. સર્વત્ર ગોરંભાયેલું હવામાન છે. અમરેલી- ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું હતું અને મહુવામાં તો આભ ફાટયુ હતુ. જેમાં ખેતી પાકનો સોથ વળી ગયો છે.
હાલાર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાએ વિદાય લીધા પછી હવે માવઠુ થયું છે. આજે સવાર સુધીમાં ભાવનગર જિલ્લાના મહુવામાં સાડા ૧૧ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલામાં સાડા ૯ ઈંચ, શિહોરમાં ૬ ઈંચ વરસાદ પડયો છે.
જયારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પ, સાવરકુંડલા-ઉનામાં ૪, ભાવનગર, પાલીતાણા, જેશર, વલ્લભીપુરમાં સાડા ૩ ઇંચ, ગારીયાધાર, તળાજા, ઉમરાળામાં અઢી ઇંચ, વરસાદ પડયો છે.
આ વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, સહિત શિયાળુ પાકનો સોથ વળી ગયો છે. મગફળીનાં પાથરા પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે. અને સર્વત્ર વાદળા સાથે ઝરમર વરસાદ વરસી રહૃાો છે.
રાજકોટ શહેરમાં ગઇકાલે આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહૃાુ હતું અને રાત્રિના ૯ વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. જે આખી રાત ધીમીધારે ઝાપટારૂપે વરસ્યો છે. આજે સવારે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. અને વાદળછાયું વાતાવરણ છવાયેલુ છે. સૂર્યનારાયણે સવારે દર્શન દીધા ન હતાં.
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા ૨૬ કલાક દરમિયાન પોણા ઇંચથી સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ મુશળધાર વરસાદ પડ્યો છે.
હજુ પણ જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. પાછોતરા વરસાદથી જિલ્લામાં કપાસના પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ગોહિલવાડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભર શિયાળે ચોમાસાનો માહોલ ઉભો થયો છે. સમગ્ર જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી થઈ ગઈ છે. જિલ્લામાં હાલમાં કપાસનો પાક ઉભો છે અને ઘણાં સ્થળે વધુ મગફળીના પથરાપણ પડ્યા છે તેવા સમયે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. મહુવામાં અને ભાવનગર શહેરમાં રવિવારની રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે સોમવારની સવારે છ થી આઠ દરમિયાન પણ મહુવા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તોફાની પવન સાથે જિલ્લાભરમાં વરસાદ પડ્યો છે. હજુ પણ ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
સાવરકુંડલા શહેર અને પંથકમાં ગઈકાલ સવારથી ધીમીધારે વરસાદ વરસવો ચાલુ થયો હતો જે ગઈકાલ દિવસભર ધીમી ધારે વરસતો રહૃાો જો કે સાંજના આઠ વાગ્યા બાદ વરસાદની માત્રા વધી હતી અને રાતભર અષાઢી મેઘ વરસતો હોય તેવો માહોલ રહૃાો હતો આજ સવારે પણ ભારે વરસાદ વરસવો ચાલુ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું કે, હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં લેતા તા. ૨૫-૧૦-૨૦૨૫ થી તા. ૫-૧૧-૨૦૨૫ સુધી કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો.
સાવરકુંડલા કમોસમી વરસાદ વરસવા થી ખેડૂતો ને કપાસ અને શીંગ ને ભારે નુકશાન થવા પામ્યું છે. વાતાવરણ માં એકા એક પલટો આવી જતા સાવરકુંડલામાં કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતો ને કપાસ શીંગ અને ડુંગળી પાક અને વાવેતર નુકશાન થયેલ અને ડુંગળીના પાકને બાફ આવી જાય એટલે ટૂંકમાં નુકસાન થયેલ છે.
છેલ્લા ર૪ કલાકમાં ભાવનગર જિલ્લાના મહુવામાં ર૭૭ મી. મી., વલ્લભીપુર ૯૦ મી. મી., ઉમરાળા પ૯ મી. મી., ભાવનગર ૮ર મી. મી., ઘોઘામાં ૧૮ મી. મી., શિહોરમાં ૧૩પ મી. મી, ગારીયાધાર ૬૯ મી. મી., પાલીતાણા ૮૪ મી. મી. તળાજા પ૬ મી. મી., જેશર ૮૭ મી. મી. વરસાદ નોંંધાયો છે. જયારે અમરેલી જિલ્લાના રાજુલા રર૦ મી.મી., કુંકાવાવ-વડીયા ૬ મી. મી., લાઠી ર૩ મી. મી., બાબરા ૧૮ મી. મી., લીલીયા ૪ર મી. મી., અમરેલી ૩૩ મી. મી., બગસરા રર મી. મી., ધારી ૧૬ મી. મી., સાવરકુંડલા ૯૭ મી. મી., ખાંભા ૩૭ મી. મી., જાફરાબાદ રર૦ મી. મી. વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૧૯ મી. મી., તાલાલા ૩૦ મી. મી., પાટણ-વેરાવળ ર૦ મી. મી., સુત્રાપાડા ૭૯ મી. મી., કોડીનાર ૬ર મી. મી. અને ઉનામાં ૯ર મી. મી. વરસાદ નોંંધાયો છે.
કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદઃ ડેમના દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે આખી રાત વરસાદ વરસ્યો હતો. તેથી વડલી સહિત અનેક ગામોની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ હતી. અને દરિયાઈ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામમાં પણ વરસાદ નોંધાયો હતો.
ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ ઓવરફલો થયો હતો. ડેમનું જળસ્તર વધતા તેના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાંચ દરવાજા ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial