Advertisement
Author: નોબત સમાચાર

એસ.આઈ.આર. ઝુંબેશમાં જોડાયેલા બીએલઓ દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક માટે આ મુદ્ત ટૂંકી પડશે?!

કેટલાક બીએલઓને નવા વિસ્તારો અપાયા હોવાથી એકડો ઘૂંટવો પડે તેમ છે?

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ ગઈકાલથી ચૂંટણી પંચની એસ.આઈ.આર. ઝુંબેશ શરૂ થઈ છે, અને ડોર-ટુ-ડોર સંપર્ક કરીને બીએલઓને ફોર્મ્સ પહોંચાડવા જણાવાયું છે, પરંતુ જમીની હકીકત જોતા નિર્ધારિત મુદ્તમાં બીએલઓ વાસ્તવમાં ડોર-ટુ-ડોર સંપર્ક કરીને પહેલી વખતમાં જ પહોંચી શકે તેમ નથી,ત્યારે ત્રણ-ત્રણ વખત મુલાકાતની સંભાવના તો વહીવટ નહીંવત્ જ જણાય છે, કારણ કે લાખોની વસ્તી તથા વિરાટ વિસ્તાર જોતા આ પ્રક્રિયા ટાઈમલાઈનમાં સંતોષકારક રીતે સંપન્ન થાય કે કેમ? તેમાં આશંકા છે.

જામનગરમાં ઘણાં ગીચ અને મૂળ જામનગરના એવા વિસ્તારો છે, જ્યાં અહીંના જ દાયકાઓથી વસવાટ કરતા મતદારો રહે છે, અને ત્યાં આ કામગીરી ઝડપભેર થઈ શકે છે, પરંતુ જામનગરની ચોતરફ વિસ્તરેલા સોસાયટી વિસ્તારોમાં નજીકની જાયન્ટ કંપનીઓમાં કામ કરતા, સુરક્ષા દળોમાં ફરજ બજાવતા અથવા કામ-ધંધા અર્થે અન્ય રાજ્યો કે નેપાળ જેવા પડોશી દેશોમાંથી આવેલા ઘણાં બધા પરિવારો રહે છે, અને તેવા વિસ્તારોમાં આ કામગીરી માટે મૂળ શહેરના વિસ્તારો કરતા ઘણો વધુ સમય (મુદ્ત) આપવી પડે તેમ છે. જો આવું નહીં થાય, તો જે કચાશ રહી જશે, તેનું નિવારણ કરવું પાછળથી ચૂંટણીપંચ માટે જ મુશ્કેલ બનવાનું છે. જો મુદ્ત વધારી શકાય તેમ ન હોય, તો તાલીમબધ જવાબદાર માનવબળમાં નોંધપાત્ર વધારો કરવો પડે તેમ છે.

મતદારોના પ્રશિક્ષણ માટે પણ ચૂંટણી તંત્રે વિશેષ ઝુંબેશ ચલાવવી જોઈએ અને મતદારો ફોર્મ્સ ભરીને સમયસર પરત કરી દ્યે, તે માટે બીએલઓને સહયોગ આપવા સ્થાનિક અને જાણકાર યુવાવર્ગનો સહયોગ મળી રહે તે માટે વોર્ડવાર, શેર-મહોલ્લા અને સોસાયટીવાર વિવિધ સ્વયંસેવકોના ગ્રુપ બનાવવાની કવાયત પણ સ્થાનિક અગ્રણીઓએ કરવી જોઈએ.

કોઈપણ પ્રકારની સામાન્ય ચૂંટણીઓ (જનરલ ઈલેક્શન) આવવાની હોય, તે પહેલા પણ જ્યારે મતદારયાદી ચકાસવાની પ્રક્રિયા થતી હોય છે, ત્યારે તો રાજકીય પક્ષો સર્કલો, ચોક, મહોલ્લાઓ-સોસાયટીઓ-ટાઉનશીપો તથા એપાર્ટમેન્ટવાર સ્વયંસેવકો બેસાડીને-ટેબલ, ખુરસી ગોઠવીને મતદારોને મદદરૂપ થતા જ હોય છે, અને આ ઝુંબેશમાં તેવું સાર્વત્રિક રીતે જોવા મળતું નથી, તેની પણ નોંધ લેવી રહી...!!

એવું કહેવાય છે કે, અગાઉની ચૂંટણીઓમાં જે બીએલઓ હતા અને વર્ષોથી જે-તે વિસ્તારોના જાણકાર હતાં, તે મોટાભાગના બીએલઓને બદલી નખાયા છે અને નવા વિસ્તારો અપાયા છે, તેથી નવા વિસ્તારોમાં મર્યાદિત સમયમાં ડોર-ટુ-ડોર ત્રણ-ત્રણ વખત મુલાકાત લેવાનું વાસ્તવમાં મુશ્કેલ જણાય છે, તેથી આ પ્રક્રિયામાં સ્થાનિક અગ્રણીઓ, રાજનેતાઓ તથા કાર્યકરો, સંસ્થાઓ અને સ્વયંસેવકોનો સહયોગ જરૂરી જણાય છે, અને જ્યાં જરૂર જણાય, તેવા વિસ્તાોના ટ્રેઈન અને જવાબદાર કર્મચારીઓની સપોર્ટીંગ સેવાઓ લેવી પડે તેમ છે.

વર્ષોથી એક જ વિસ્તારમાં કાર્યરત રહેલા બીએલઓને ભૌગોલિક તથા અન્ય જાણકારી હોવાથી તેઓ ઝડપથી અને સરળતાથી સમયમર્યાદામાં કામ કરી શકતા હોય છે, પરંતુ કદાચ આ જ કારણે 'ટેલબવર્ક'ની જેમ કામ કરીને તેઓ આ મહત્ત્વપૂર્ણ ઝુંબેશમાં ક્યાંય કચાશ ન રહી જાય, તેવા હેતુથી કદાચ ચૂંટણીપંચે આ ફેરફાર કર્યો હોય, તો પણ એક પણ યોગ્ય મતદાર વંચિત રહી ન જાય અને સંભવિત ખોટા મતદારો અને મૃતકોના નામ હટી જાય, તેની સાથે સાથે સ્થળાંતર કે અન્ય સુધારા-વધારા પણ થઈ જાય, તેવી રીતે આ પ્રક્રિયા હકીકતે સંપન્ન થાય, તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે સતત જાગૃત રહેવું પડે તેમ છે.

બધા મતદારોને ફોર્મ ભરતા આવડતું નહીં હોય

એસઆઈઆરની પ્રક્રિયામાં મદદરૂપ થવાનું મિકેનિઝમ જનસહયોગથી ઊભું થઈ શકે?

બીએલઓ ઘેર-ઘેર ફોર્મ્સ પહોંચાડે, તે પછી આ તમામ ફોર્મ્સ યોગ્ય રીતે ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે બીએલઓને પરત કરી શકે તે માટે વિસ્તારવાર કે શેરી-મહોલ્લા, સોસાયટીવાર જનસહયોગથી સ્વૈચ્છિક અને સેવાભાવી સ્વયંસેવકોનું કોઈ મિકેનિઝમ ઊભું થઈ શકે તેમ હોય, તો તેવું કરવા જેવું છે. સામાન્ય રીતે ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષો આ પ્રકારનું મિકેનિઝમ ગોઠવતા જ હોય છે, તેથી ચૂંટણીપંચને મદદરૂપ થવા તટસ્થ મિકેનઝિમ કામચલાઉ ધોરણે ઊભું કરી શકાય કે કેમ? તે વિચારીને અમલ કરવા જેવો ખરો...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh