Advertisement
Author: નોબત સમાચાર

''સિંધ જી રસોઈ''ના દાલ પકવાન, માલપુવા, કોકી અને તૈરી સ્વાદમાં લાજવાબ હોય છે!

માસ્ટર શેફ ઇન્ડિયાના સ્પર્ધક દીપા ચૌહાણ સિંધી પાક કલાના માહિર છે

                                                                                                                                                                                                      

સિંધી સમાજ વિષે બહુ લખાતું નથી. ગુજરાતમાં અને રાજ્ય બહાર આ સમાજ સુસંસ્કૃત રીતે જીવન નિર્વાહ કરી રહૃાો છે. 'જય ઝૂલેલાલ' નો નાદ સંભળાય એટલે સમજવું કે સિંધી પરિવાર ભક્તિભાવ કરી રહૃાો છે. આજે અહી તેમની સામાજીક એન્જિઑગ્રાફી કરવી નથી. આ સમાજનો એક પ્રગટ ન થયેલો એંગલ લખવાનો વિચાર આવ્યો છે. ગુજરાતીઓની વેપારની ખાસિયત જગ પ્રસિદ્ધ છે. સિંધી લોકો પણ વેપાર વણીજ્યને પચાવીને બેઠા છે. કચ્છીઓની જેમ તેમની બોલી અલગ. કોઈ ખાસ ઉન્માદ વગર આગળ વધે. શાંતિ પ્રિય. તેમની અટકમાં છેલ્લે 'ણ' જરૂર આવે. નાનો સમાજ હોવાથી નાગરોની જેમ રાજકીય વર્ચસ્વ નામ માત્રનું છે. સિંધ પ્રાંતમાંથી આવ્યા હોવાનું ઇતિહાસ કહે છે. લાલકૃષ્ણ અડવાણી અને રામ જેઠમલાણી બહુ મોટા અને સન્માનીય નામો છે.  એક જમાનામાં મુંબઈ નજીકનું ઉલ્લાસ નગર બહુ પ્રખ્યાત હતું. અહી સિંધીઓની વસ્તી મોટી. એવું પણ કહેવાતું હતું કે, ઉલ્લાસ નગરના કારીગરો દુનિયાની મોટાભાગની ચીજોની ડુપ્લિકેટ બનાવી આપે, પાછા તેના ઉપર લખે.. મેડ ઇન યુ.એસ.એ!

આજે વાત માંડવી છે સિંધીઓની ચટાકેદાર રસોઈની અને દીપા ચૌહાણ નામની સેલિબ્રિટી શેફ મહિલાની.

રાજકારણ પછી રસોઈ મારો પ્રિય વિષય છે. એન્જિઑગ્રાફીના અનેક વાચકો ફૂડ ઉપર લખવા માટે આગ્રહ કરતા હોય છે. રાંધણ કળા ઉપર પણ તક મળે ત્યારે કલમ 'વઘારી' નાખું છું.

તારીખ ૪ અને ૫ સપ્ટેમ્બરના હરિદ્વારમાં સિંધી સમાજનું રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન યોજાયું છે. આ અધિવેશનમાં આગામી મુદ્દત માટેના નવા રાષ્ટ્રીય પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોની વરણી કરવામાં આવશે.

દીપા ચૌહાણ

શેફ દીપા ચૌહાણ ફૂડએક્સપી ચેનલ પર 'સિંધ જી રસોઈ' નામનો પોતાનો ટીવી શો હોસ્ટ કરે છે. તે માસ્ટરશેફ ઇન્ડિયાના સ્પર્ધક રહી ચૂક્યા છે અને સિંધી ભોજનના પ્રચારક તરીકે પણ જાણીતા  છે, આ પરંપરાને તે તેના પોપ-અપ્સ, ફૂડ ફેસ્ટિવલ્સ અને શો દ્વારા વૈશ્વિક પ્રેક્ષકો સાથે શેર કરવાનો પ્રયાસ કરે છે.

વિશ્વ કક્ષાએ નામના ધરાવતા કૂકરી શો 'માસ્ટરશેફ ઇન્ડિયા'ની વર્ષ ૨૦૨૩ની સાતમી સીઝનમાં શેફ દીપા ચૌહાણ દેખાયાં હતા. અંતિમ ૧૬ સ્પર્ધકમાં તે નવમાં સ્થાને રહૃાા હતા. ત્યારબાદ તેણે બહુ ખ્યાતિ મળી. સિંધી ભોજનના પ્રચારક બનવાની તેમની સફર તેના ઘણાં સમય પહેલા શરૂ થઈ ગઈ હતી. આજે, તે પોતાના સિંધી મૂળની વાનગીઓને પ્રોત્સાહન આપવા અને દેશ અને દુનિયામાં લુપ્ત થતી વાનગીઓનું પ્રદર્શન કરવા માટે જાણીતા છે.

ઘરનું ભોજન દરેક ભારતીય માટે મુખ્ય આકર્ષણ હોય છે પરંતુ દરેક માટે તે સંપૂર્ણપણે અલગ હોય છે. પરંપરાગત ભોજન ઇતિહાસ અને સંસ્કૃતિની ઓળખ આપે છે. શેફ દીપા ચૌહાણ માટે, પરંપરાગત ભોજનનો અર્થ તેના સિંધી મૂળને જાળવી રાખવાનો છે.

શેફ દીપા હંમેશાં ખોરાક પ્રત્યે ઉત્સાહી રહી છે અને ખાસ કરીને તેના સિંધી વારસાને રજૂ કરતી વાનગીઓ તેમના શોખનું હાર્દ છે. નિયમિત પોપ-અપ્સનું આયોજન કરીને અને તેના રસાયણ-મુક્ત, તૈયાર-કુક પેસ્ટ અને મસાલા બ્રાન્ડ મોર્ટાર્સ અને પેસ્ટલ્સ દ્વારા તેની રાંધણ પ્રતિભાનું પ્રદર્શન કરીને, તેણીએ તેની પ્રતિભાને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડી. તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઈ સાથેના સહયોગમાં મુંબઈમાં તેમનું નવીનતમ સાહસ 'સિંધી સ્વાદ' દ્વારા ખાસ ભોજનને પ્રોત્સાહન આપે  છે. કોકી બાઇટ્સ જેવા નાના નાસ્તા ઉપરાંત સ્વાદવાળી લબનેહ, ખીમા ટિક્કી અથવા ક્લાસિક દાલ પકવાન જેવા નાસ્તાને પરંપરા સાથે જોડવામાં આવે છે. તેણી સિંધી કઢી, દાલ ટિક્કી, લગ્ન માટે ખાસ શાદી કી ભાજ, પાપડ ચૂરી, બિરિસ્તા સાથે સિંધી પાપડના ભૂકો અને મસાલાવાળું મિશ્રણ અને સુગંધિત સિયાલ મટન અને ઘણી બધી ક્લાસિક વાનગીઓ પણ એકસાથે લાવી રહી છે, જે બધા કોન્સેપ્ટ મેનુ રજૂ કરે છે.

દીપા ચૌહાણ આજે પણ 'ફૂડ- એક્સપી' નામની લોકપ્રિય ભોજન ચેનલ ઉપર 'સિંધ જી રસોઈ' નિયમિત હોસ્ટ કરે છે તેમાં અવનવી સિંધી વાનગીઓ રસપ્રદ રીતે રજૂ કરે છે.  

ભોજન

સિંધી ભોજન, એ સિંધી લોકોનું પરંપરાગત ભોજન છે, જે તેના અનોખા સ્વાદ માટે જાણીતું છે, જે મસાલેદાર, મીઠા અને તીખા સ્વાદનું મિશ્રણ કરે છે. મુખ્ય વાનગીઓમાં સાંઈ ભાજી (પાલક અને મસૂરની કઢી), દાળ પકવાન (મસૂરની કઢી સાથે તળેલી ફ્લેટબ્રેડ), સિંધી કઢી (એક ગાઢ, તીખી કરી), અને કોકી (મસાલેદાર ફ્લેટબ્રેડ) શામેલ છે. સામાન્ય ઘટકોમાં ડુંગળી, કમળના દાંડી જેવા વિવિધ શાકભાજી અને ચણાનો લોટનો સમાવેશ થાય છે, જેમાં ભૂગા ચાવલ (કારામેલાઇઝ્ડ ડુંગળી ચોખા) અને સેયુન (મીઠી વર્મીસેલી) જેવી વાનગીઓ પણ લોકપ્રિય છે. સિંધી ભોજનમાં પાપડ અને ખાસ કરીને ચોખાના પાપડ લોકપ્રિય છે.

ગુજરાતમાં સિંધી ભોજન સિંધી પરંપરાગત વારસા અને સ્થાનિક અનુકૂલનનું મિશ્રણ છે, જેમાં ગુજરાતની મોટાભાગની શાકાહારી વસ્તીને અનુરૂપ ઘણી વાનગીઓ શાકાહારી બની છે. ગુજરાતી રાંધણ પરંપરાઓનો પ્રભાવ જોવા મળે છે, જેમ કે સિંધી વાનગીઓને ગુજરાતી અથાણાં અથવા દહીં સાથે આરોગવામાં આવે છે. ગુજરાતમાં પંજાબી સિંધી રસોઈનું વધુ ચલણ છે. સ્વાદિષ્ટ સિંધી રસોઈ હજુ રેસ્ટોરાંના મેનુમા જોવા નથી મળતી.

દાલ પકવાન

એન્જિઑગ્રાફીના લેખકનું આ પ્રિય ખાણું છે. જામનગરમાં અનેક સ્થળો ઉપર દાલ પકવાન મળે છે. તેમાં સેન્ટ્રલ બેન્ક પાસેના દાલ પકવાન લોકપ્રિય છે. આ એક સિગ્નેચર સિંધી નાસ્તાની વાનગી છે. તેમાં મસાલેદાર ચણાની દાળ (બંગાળી ચણા) હોય છે જે પકવાન નામના ક્રિસ્પી, ડીપ-ફ્રાઇડ ફ્લેટબ્રેડ અથવા ગુજરાતી ભાષામાં કહીએ તો કડક પૂરી સાથે પીરસવામાં આવે છે, જે મેંદા અથવા બેસનમાંથી બને છે. તેને ઘણીવાર ફુદીના-ધાણાની ચટણી, ડુંગળી અને લીંબુથી સજાવવામાં આવે છે. આ વાનગી અમદાવાદના સિંધી રેસ્ટોરાંમાં મુખ્ય વાનગી છે અને તેના ક્રન્ચી ટેક્સચર અને તીખા સ્વાદ માટે તેને પસંદ કરવામાં આવે છે.

સિંધી કઢીઃ ચણાના લોટ (બેસન), ભીંડા અને બટાકા જેવા શાકભાજી અને મસાલાથી બનેલી એક અનોખી, તીખી કઢી ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ગુજરાતી કઢીથી વિપરીત સ્વાદ મળે છે, જેમાં છાશનો ઉપયોગ થાય છે, સિંધી કઢી વધુ જાડી અને મસાલેદાર હોય છે, જે ઘણીવાર બાફેલા ભાત સાથે પીરસવામાં આવે છે. તે ગુજરાતના સિંધી ખાણીપીણીમાં લોકપ્રિય ઉત્સવની વાનગી છે.

સાંઈ ભાજીઃ ચણાની દાળ, ટામેટાં, ડુંગળી અને જીરૂ અને લસણ જેવા મસાલાઓથી બનેલી પૌષ્ટિક પાલક આધારિત કઢી છે. તે ઘણીવાર ભાત અથવા ભૂગા ચાવલ (સિંધી-શૈલીનો પુલાવ) સાથે બનાવવામાં આવતી એક પૌષ્ટિક વાનગી છે. સાંઈ ભાજી તેના સ્વસ્થ છતાં સ્વાદિષ્ટ દેખાવ માટે ગુજરાતમાં પ્રિય છે.

કોકીઃ ઘઉંના લોટ, ડુંગળી, ધાણા, દાડમના બીજ અને ઘીથી બનેલી જાડી, મસાલેદાર ફ્લેટબ્રેડ. તે પરાઠા કરતાં થોડી વધુ કડક હોય છે અને ઘણીવાર દહીં, અથાણું અથવા દાળ સાથે પીરસવામાં આવે છે. કોકી એ ગુજરાતના સિંધી ઘરો અને રેસ્ટોરાંમાં એક લોકપ્રિય નાસ્તો છે. સામાન્ય રીતે કોકી સાતમના દિવસે ટાઢું ખાવાનું હોય ત્યારે બનવવાવમાં આવે. મહેમાનોને પણ 'ચા કોકી' નો નાસ્તો આપવામાં આવે.

તરયલ પટાટા (આલુ): બારીક કાપેલા, તળેલા અથવા ઊંડા તળેલા બટાકા, સ્થાનિક મસાલાઓ સાથે પકવવામાં આવે છે. આ બહુમુખી વાનગી સિંધી ઘરોમાં મુખ્ય છે અને સામાન્ય રીતે ભાત, દાળ અથવા રોટલી સાથે બનાવવામાં આવે છે. તે એક સરળ છતાં સ્વાદિષ્ટ સાઇડ ડિશ છે જે ગુજરાતના સિંધી ભોજન સ્થળોમાં જોવા મળે છે.

તૈરીઃ ખાંડની ચાસણીથી બનેલી મીઠી ભાતની વાનગી, જે ઘણીવાર ચેટી ચાંદ જેવા તહેવારો દરમિયાન અથવા શુભ પ્રસંગો માટે પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. તે રચનામાં બિરયાની જેવું લાગે છે પરંતુ તે મીઠી હોય છે અને સામાન્ય રીતે તળેલા આલુ અને પાપડ સાથે જોડવામાં આવે છે. તૈરી ગુજરાતમાં સિંધીઓમાં સાંસ્કૃતિક રીતે પ્રિય છે.

મીઠો લોલોઃ ઘઉંના લોટ, ઘી અને ખાંડની ચાસણી, એલચીથી બનેલી મીઠી, તળેલી ફ્લેટબ્રેડ છે. તે ખાસ પ્રસંગોએ પીરસવામાં આવે છે, જેમ કે દિવાળી અથવા માંદગીમાંથી સ્વસ્થ થવું, અને ઘણીવાર દૂધ અથવા છાશ સાથે ભેળવવામાં આવે છે. આ મીઠાઈ જેવી બ્રેડ ગુજરાતના સિંધી સમુદાયોમાં લોકપ્રિય છે. આ કોકીનું સ્વરૂપ છે, જે દીકરીને સાસરીમાં પ્રસંગ હોય ત્યારે મોકલવામાં આવે છે.

માજૂનઃ નારિયેળના ભૂકા, સૂકા ફળો અને ઘીથી બનેલી એક શિયાળુ મીઠાઈ, જેને ઘણીવાર ચાંદીના વરખથી સજાવવામાં આવે છે. તે પરંપરાગત રીતે લગ્ન દરમિયાન દુલ્હનોને આપવામાં આવે છે અને તેના ગરમ ગુણધર્મો માટે મૂલ્યવાન છે. અમદાવાદમાં સિંધી મીઠાઈની દુકાનોમાં તમને માજૂન મળશે.

સેવિયાં (સેવૈયા): એક મીઠી મીઠાઈ, ક્યારેક દૂધ આધારિત, ચેટી ચાંદ (હિન્દુ સિંધીઓ દ્વારા) અથવા ઈદ (મુસ્લિમ સિંધીઓ દ્વારા) જેવા તહેવારો દરમિયાન પીરસવામાં આવે છે. તે ગુજરાતના સિંધી રેસ્ટોરાં અને ઘરોમાં જોવા મળતી હળવી, સુગંધિત મીઠી વાનગી છે.

સિંધી પાપડઃ સિંધી ભોજનમાં એક અનિવાર્ય વાનગી છે. આ શેકેલા અથવા તળેલા પાપડ છે, ક્યારેક મસાલા સાથે મસાલેદાર. તે તૈરી, દાલ પકવાન અથવા સાંઈ ભાજી જેવી વાનગીઓમાં ક્રન્ચી તત્ત્વ ઉમેરે છે અને ગુજરાતમાં તેનો વ્યાપકપણે આનંદ માણવામાં આવે છે.

ધાલ છોલાઃ ગુજરાતીઓના રગડા પેટીસનું આ એક સિંધી વર્ઝન છે.

ધારણ જી કઢીઃ પંજાબીઓની ગટ્ટા કઢીનું આ સ્વરૂપ છે. સામાન્ય રીતે રોટલી કે ભાખરી સાથે ખાવામાં આવે છે.

બીજા કેટલાક વ્યંજનોમાં સિંધી આલુ ટૂક, ભીંડી ભસાર, ભી આલુ, ડોડો, બોરી, સત્તા પણ છે.

જામનગરમાં સિંધી પરિવારો મોટાભાગે ધંધા વ્યવસાયમાં વ્યસ્ત છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભાગલા સમયે આવ્યા હતા. આ પૈકીનાં કેટલાક પરિવારો ભારતમાં પ્રથમ જુનાગઢ નજીકના બાંટવા ગામે આવ્યા અને ત્યાંથી જામનગર આવ્યા અને વસ્યા. જામનગરમાં સિંધી લાડી લોહાણા અને સિંધી ભાનુશાલી સમાજની વસ્તી સૌથી વધુ છે.

તમામ સિંધી ભાઈ-બહેનોને 'નોબત'ના ચાહકો અને વાચકો તરફથી હાર્દિક શુભકામના.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh