Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના સોનાના વેપારીનું રૂપિયા ૨૫ કરોડની કિંમતનું ૧૭ કિલો સોનું બિહારમાં લૂંટાયું: તપાસ શરૂ

કસ્ટમ અધિકારીઓનો વેશ ધારણ કરીને ફિલ્મી ઢબે લૂંટઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૬: રાજકોટના સોનાનો વેપાર કરતા એક વેપારીનું બિહારમાં નકલી કસ્ટમ અધિકારી બની બદમાશોએ રૂ।. રપ કરોડની કિંમતના ૧૭ કિલો સોનાની લૂંટ ચલાવી છે. આ ફરિયાદના પગલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું જાણવા મળે છે.

રાજકોટ તા. ૬: રાજકોટના વેપારીનું રપ કરોડનું સોનું બિહારમાં લૂંટાયું છે. કસ્ટમ અધિકારી બનીને બદમાશોએ ૧૭ કિલો સોનું લૂંટી લીધું છે, જેથી જ્લેવર્સોમાં સોપો પડી ગયો છે. તે પછી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અમદાવાદ ટ્રેન મારફતે દાનાપુર પહોંચેલા બે કર્મીઓને કાર અને બાઈક પર આવેલા ગઠિયાઓએ ઓવરબ્રિજ પાસે આંતર્યા હતાં અને નકલી અધિકારીઓએે અપહરણ કરી, આંખે પાટા બાંધી ૩ બેગમાં રહેલું સોનું પડાવી લીધું હતું. તે પછી વેપારીના કર્મચારીઓની આંખે પાટા બાંધીને નિર્જન વિસ્તારમાં છોડી મૂક્યા હતાં.

બિહારના દાનાપુર (પટના) નજીક આવેલ ઓવરબ્રિજ પાસે રાજકોટના એક સોનાના વેપારીના કર્મચારીઓ પાસેથી રૂપિયા રપ કરોડની કિંમતનું ૧૭ કિલો સોનું લૂંટાઈ ગયું છે. ગુનેગારોએ પોલીસનું સ્ટીકર લાગેલી કારમાં આવી, કસ્ટમ અધિકારી હોવાની ઓળખ આપીને ફિલ્મી ઢબે આ લૂંટ ચલાવી હતી.

લૂંટારૂઓએ કર્મચારીઓનું અપહરણ કરી, આંખે પાટા બાંધી તેમને નિર્જન રસ્તા પર છોડી દીધા હતાં. પોલીસ નકલી નંબર પ્લેટવાળી કાર જપ્ત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ફિલ્મી ઢબે અત્યંત ચોંકાવનારી લૂંટની ઘટનાના ભોગ બનનાર રાજકોટના જ્વેલર હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લૂંટારૂઓએ અસલી કસ્ટમ અધિકારીઓ જેવો જ વેશ ધારણ કરી, અત્યંત સિફ્તપૂર્વક આખી ઘટનાને અંજામ આપ્યો હતો. રાજકોટના સોનાના વેપારી સુનિલભાઈના બે કર્મચારીઓ- મહેશ મામતોરા અને પ્રિન્સ રામપરિયા અમદાવાદથી 'સહરસા એક્સપ્રેસ' ટ્રેનમાં દાનાપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતાં. તેઓ પોતાની સાથે સોનાના દાગીના ભરેલી ૩ બેગ લઈને જઈ રહ્યા હતાં. રેલવે સ્ટેશનથી તેઓ ઓટો રિક્ષામાં બેસીને બાકરગંજ તરફ જઈ રહ્યા હતાં, જ્યારે તેમની ઓટો રિક્ષા ખગૌલ ઓવરબ્રિજ પાસે પહોંચી, ત્યારે પ થી ૭ અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતાં.

આ બદમાશો એક કાર અને બે મોટરસાયકલ પર આવ્યા હતાં. તેમની કાર પર 'પોલીસ' લખેલું સ્ટીકર લગાડેલું હતું. ગુનેગારોએ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યા હતાં, જેથી તેઓ બિલકુલ કસ્ટમ વિભાગના અધિકારીઓ જેવા લાગી રહ્યા હતાં. આ શખ્સોએ રિક્ષા રોકાવીને પોતને કસ્ટમ અધિકારી તરીકે ઓળખાવ્યા હતાં અને તપાસના બહાને સોનાથી ભરેલી ત્રણેય બેગ કબજે કરી લીધી હતી. ત્યારપછી તેઓએ મહેશ મામતોરાને પોતાની કારમાં બળજબરીથી બસાડી દીધો હતો.

પ્રિન્સના જણાવ્યા મુજબ બદમાશોનો વર્તાવ એટલો વ્યાવસાયિક હતોક શરૂઆતમાં તેમને ખરેખર એવું જ લાગ્યું કે આ અસલી અધિકારીઓ જ છે. કારમાં બેસાડ્યા પછી લૂંટારૂઓએ મહેશની આંખે પાટા બાંધી દીધા હતાં, અને બાંધી દીધો હતો. લૂંટ ચલાવ્યા પછી ગુનેગારોએ બન્ને પીડિતોને નૌબતપુર રોડ પર એક નિર્જન સ્થળે છોડી દીધા હતાં અને ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ ખગૌલ પોલીસ અને સ્પેશિયલ ટ્રાસ્ક ફોર્સ (એસટીએફ) કામે લાગી ગઈ હતી. પોલીસે ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી લીધી છે, જેના પર નકલી રજિસ્ટ્રેશન નંબર હતો. હવે પોલીસ ચેસીસ નંબરના આધારે કારના માલિકની શોધખોળ કરી રહી છે. પોલીસ તપાસ દરમિયાન મેળવાયેલા દાનાપુર સ્ટેશનના સીસી ટીવી કૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારથી કર્મચારીઓ સ્ટેશન પર ઉતર્યા ત્યારથી જ શંકાસ્પદ લોકો તેમનો પીછો કરી રહ્યા હતાં.

દાનાપુરના ઉચ્ચ પોલીસ અધિકારી શિવમ્ ધાકડના જણાવ્યા અનુસાર અજાણ્યા ગુનેગારો સામે છેતરપિંડી અને લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટના વેપારી સુનિલભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તેમણે વિધિવત્ ફરિયાદ નોંધાવી છે. પોલીસ અત્યારે અલગ અલગ ટીમ બનાવીને ગુનેગારોને પકડી પાડવા માટે સઘન તપાસ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh