Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરક્ષિત પોષણયુક્ત ખોરાક માટે શાકભાજીના આ વિકલ્પનું મૂળ વિદેશમાં છે, પરંતુ તેની દેશી ઢબે ખેતી થાય છે...
આજના સમયમાં લોકો તંદુરસ્ત જીવનશૈલી અને પૌષ્ટિક ખોરાક તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. જો કે, ઝડપી જીવનશૈલીમાં તંદુરસ્ત અને પૌષ્ટિક ખોરાક મેળવવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. એવામાં માઇક્રોગ્રીન્સ એ એક અનોખો અને અસરકારક વિકલ્પ છે જે પોષણમાં સમૃદ્ધ અને એકદમ સરળતાથી ઘરમાં ઉગાડી શકાય તેવો ખોરાક છે. માઇક્રોગ્રીન્સ અંગ્રેજી શબ્દ છે, જેને સામાન્ય ભાષા એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરીયે તો માઇક્રો એટલે સુક્ષ્મ અને ગ્રીન્સ એટલે લીલુ અથવા લીલોતરી. આ મુજબ સુક્ષ્મ લીલોતરી ઉગાડવાની પદ્ધતિ એટલે માઇક્રોગ્રીન્સની ખેતી.માઇક્રોગ્રીન્સ પોષણ અને એન્ટિઓક્સીડન્ટથી ભર૫ૂર હોય છે અને જો તેને આહારમાં સામેલ કરવામાં આવે તો તે આહારનો સ્વાદ પણ વધારી દે છે. નિષ્ણાતો કહે છે કે માઇક્રોગ્રીન્સમાં તૈયાર છોડ કરતાં ૪૦ ગણા વધુ પોષક તત્વો હોય છે. તે જ સમયે, તેઓ વિવિધ રંગોમાં છે, જેના કારણે કોરોના પછીના સમયમાં તેની માંગ વધી છે.
માઇક્રોગ્રીન્સનો ઇતિહાસ
માઇક્રોગ્રીન્સનું મૂળ કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં છે.ત્યાં, રસોઇયાઓ તેમની વાનગીઓમાં નવીનતા લાવવા માંગતા હતા, જેમાં સ્વાદ, રંગ અને ટેક્સચરનો સમાવેશ થતો હતો. તેઓએ તે આ નાના શાકભાજીને સૌપ્રથમ ૧૯૮૦ ના દાયકામાં ઉપયોગ શરૂ કર્યો. આ તેજસ્વી વિચારની સફળતા એવી હતી કે માઇક્રોગ્રીન્સ પ્રભાવશાળી ઝડપે સમગ્ર વિશ્વમાં ફેલાય છે. ૧૯૯૦ ના દાયકા સુધીમાં, ઉત્પાદનના ફાયદાઓના સંશોધન અને વૈજ્ઞાનિકોના સમર્થનને કારણે માઇક્રોપ્લાન્ટ્સની લોકપ્રિયતા વધી અને ૨૦૦૦ ના દાયકા સુધીમાં, માઇક્રોપ્લાન્ટ્સની લોકપ્રિયતાનું મોજું યુરોપ સુધી ફેલાયું.હાલમાં તેનો ઉપયોગ સલાડ માટે ગાર્નિશ, ટોપિંગ અને ફ્લેવરિંગ તરીકે થાય છે. તેઓ ઘણી બધ ી અત્યાધુનિક વાનગીઓમાં શ્રેષ્ઠતા સમાન ઘટક છે અને સ્ટોર્સ અને સુપરમાર્કેટ બંનેમાં તેમની કિંમત ખૂબ ઊંચી છે.
માઇક્રોગ્રીન્સની ઓળખ
કોઇપણ પ્લાન્ટની શરૂઆતી પતીઓને માઇક્રોગ્રીન્સ કહે છે આને યુવા શાકભાજી તરીકે ઓળખી શકાય.જેમ કે, મુળો, સરસો, તુલસી, તાંદળજો, ગાજર, બીટ, વગેરે શાકભાજી, મસાલા, ઔષધિય, કઠોળ અને ધાન્ય પાકોના બીજ ઉગાડીને જે શરૂઆતની પાંદડીઓ આવે તેને માઇક્રોગ્રીન્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. જે લગભગ ૧૦-૧૫ દિવસમા તૈયાર થઇ જાય છે અને ૫-૧૦ સે.મી. લાંબા હોય છે.જેને જમીન અથવા સપાટીની થોડી ઉપરથી કાપી લેવામાં આવે છે.
માઇક્રોગ્રીન્સ અને સ્પ્રાઉટ્સનો તફાવત
માઇક્રોગ્રીન્સઃ બીજના અંકુરણ બાદ પાંદડાના કોટિલેડોન વિકસિત થાય પછી જ આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. કાપણી સામાન્ય રીતે રોપણીના ૧૦ થી ૧૫ દિવસ પછી કરવામા આવે છે. માઇક્રોગ્રીન્સને જમીનમાં એટલે કે માટી, વર્મીકંપોસ્ટ, વર્મીક્યુલાઇટ, કોકોપીટ વગેરેમાં ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે તેનો વપરાશ કરવામાં આવે ત્યારે તેની લણણી કરવામાં આવે છે.
સ્પ્રાઉટ્સઃ બીજના અંકુરને આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. કાપણી સામાન્ય રીતે રોપણીના ૧ થી ૭ દિવસ પછી કરવામા આવે છે. સ્પ્રાઉટ્સને પાણીમાં ઉગાડવામાં આવે છે. થોડા દિવસો માટે જાર અથવા બેગનો ઉપયોગ કરી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.
માઇક્રોગ્રીન્સની ખેતીમાં ધ્યાન રાખવા જેવા મુદા
બીજઃ માઇક્રોગ્રીન્સના વાવેતર માટે તંદુરસ્ત, રોગ-જીવાત અને રસાયણો રહિત બીજ પસંદ કરવા.
કન્ટેઇનરઃ છીછરી પ્લાસ્ટિક/માટીની ટ્રે અથવા કુંડા જેમાથી પાણીનો સારો નિતાર થઇ શકે
ઉગાડવાનું માધ્યમઃ કોઇપણ જાતના રસાયણ રહિત માટી અને વર્મીકંપોસ્ટ મોટાભાગે માધ્ય્મ તરીકે વપરાય છે. આધુનિક ટેકનોલોજી પ્રમાણે કોકોપીટ અને વર્મીક્યુલાઇટ નુ ૩:૧ ના પ્રમાણમા મિશ્રણનો માધ્યમ તરીકે ઉપયોગ કરી શકાય છે. આમા સાથે થોડુ જો વર્મીકંપોસ્ટ ઉમેરવામાં આવે તો બીજનો ઉગાવો સારો મળે છે. આ ઉગાડવાના માધ્યમ માં લીંબોળી અથવા દિવેલાનો ખોળ પણ ઉમેરવો જોઇએ જેથી કરીને જમીન જન્ય રોગ અને જીવાતથી આપણા છોડને રક્ષણ મળે.
માઇક્રોગ્રીન્સની વાવેતર પદ્ધતિ
(૧) સૌપ્રથમ વાવેતર માટે પસંદ કરેલ કન્ટેઇનરમા લીધેલ માધ્યમ પાથરી દેવુ. (ર) ત્યારબાદ એની ઉપર જેના પણ માઇક્રોગ્રીન્સ તૈયાર કરવા હોય તેના બીજ સરખા ઉપરા-ઉપરના પડે એ રીતે આછા-આછા વેરીને માધ્યમ સાથે વધારે ઉંડા ના જાય એ રીતે ભેળવી દેવા. જો બીજ નાની સાઇઝના હોય તો તેને ભેળવવાને બદલે બ્લોટિંગ પેપર અથવા ટીસ્યુ પેપરથી તેને આવરી દેવાના છે. (૩) ત્યાર બાદ પાણીના જારા/ફુવારા વડે બીજને પુરતો ભેજ મળી રહે એ રીતે આખુ કન્ટેઇનર ભીંજવી દેવાનું છે. સામાન્ય રીતે બીજનું સ્ફુરણ થાય ત્યા સુધી હવે બીજને પાણી જરૂરિયાત રહેતી નથી પરંતુ જો માધ્યમ સુકુ જણાય તો થોડું પાણી છાટવાનુ છે. બીજનું સ્ફુરણ થયા બાદ શિયાળા/ઉનાળાની ઋતુ પ્રમાણે જરૂરિયાત મુજબ પાણી આપવાનું છે. (૪) આ માઇક્રોગ્રીન્સની ટ્રે સીધા સુર્યના તડકામાં ન આવે એ રીતે દિવસ દરમિયાન માત્ર ૨ થી ૩ ત્રણ કલાક સૂર્યપ્રાકાશ મળી રહે એ રીતે ઘર/બાલ્કની/અગાસી/બગીચામાં રાખવાની છે.
માઇક્રોગ્રીન્સના ઉપયોગી ગુણધર્મો
માઇક્રોગ્રીન્સમાં વિટામિન એ, સી, ઈ, કેરોટિનોઇડ્સ, મિનરલ્સ (જેમ કે કેલ્શિયમ, લોહ, મેગ્નેશિયમ) અને એન્ટીઓક્સિડન્ટસની માત્રા સામાન્ય શાકભાજી કરતા ઘણું વધારે હોય છે. માઇક્રોગ્રીન્સનાં આરોગ્ય લાભો નીચે મુજબનાં છેઃ
- એન્ટી-એજિંગઃ એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાના ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે.
- હૃદયરોગ પ્રતિકારઃ રક્તમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદરૂપ.
- પાચનતંત્ર માટે ફાયદાકારકઃ ફાઈબર સમૃદ્ધતા પાચન સુધારે છે.
- ઇમ્યૂનિટી વધારવીઃ વિટામિન્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા ઉપયોગી છે. આધુનિક સંશોધન બતાવે છે કે રોપામાં મોટી સંખ્યામાં પોષક તત્ત્વો હોય છે. ગ્રુપ કે, ઇ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડિન અને અન્ય ખનિજોના વિટામિન્સ પ્રજનન કાર્યો જાળવવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. કેરોટીનોઇડ્સ રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. સલ્ફોરાફેન જેવા જટિલ સંયોજન સ્તન, ફેફસા અને આંતરડાના કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. આ બધા તત્ત્વો માઇક્રોગ્રીનમાં હાજર છે.
- ઝટપટ ઉગાડવીઃ ઓછી જગ્યા અને ઓછી સંસાધનોથી વધુ પૌષ્ટિક ખોરાક પ્રાપ્ત થાય છે.
- માઇક્રોગ્રીન્સથી વ્યવહારીક રીતે કોઈ નુકસાન થતુ નથી. પરંતુ ચોક્કસ એલર્જીક પ્રતિક્રિયાઓ ધરાવતા લોકોમાં જ ઉત્પાદન બિનસલાહભર્યું હોઈ શકે છે.
- વજનનું સામાન્યકરણઃ માઇક્રોપ્લાન્ટ્સના આહારમાં દાખલ કરવામાં આવે ત્યારે વજનનું સામાન્યકરણ ખોરાકમાં ઉત્સેચકોની માત્રામાં વધારો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે.
કેટલાક મહત્ત્વપૂર્ણ શાકભાજી પાકોના માઇક્રોગ્રીન્સ અને અગત્યતાઃ
લાલ તાંદળજોઃ મીઠો અને રસાદાર સ્વાદ ધરાવે છે. કચુંબરમાં તે સરસ રંગ ધરાવે છે. જેનો ઉપયોગ, વાનગી પર સુશોભન કરવા માટે થાય છે.
બીટઃ આકર્ષ લાલ, જાંબલી રંગના પાન ધરાવે છે. એન્ટિઓક્સિડન્ટનું ગુણધર્મો અને વિટામિનથી ભરપૂર છે .
બ્રોકોલીઃ વિટામિન્સ, મિનરલ્સ, ખનીજ, પાચક રસો, પ્રોટીન અને હરિતદ્રવ્યથી સમૃદ્ધ છે. રોગપ્રતિકારક શક્તિને વધારે છે .
સુવાઃ નાનો સુક્ષ્મ , પીંછાકાર પાન સમૂહ ધરાવે છે. લિજજતદાર સ્વાદ આપે છે. તે કાકડી અને કોબી સાથે સારી રીતે સંયોજીત થાય છે.
મેથીઃ પ્રોટીન, વિટામિન એ, ડી, ઈ, બી અને ખનીજ તત્વોથી સમૃદ્ધ છે. ભૂખ વધારે છે , એમોનિયા અને થકાવટ સામે અસરકારક છે.
અળસીઃ તેના છોડ મસાલેદાર , કુમળા (નાજૂક) , પૌષ્ટિક છે. ઓમેગા-૩, ફેટી એસિડથી સમૃદ્ધ અને વિટામિન્સ, ખનિજો, એન્ટિઓક્સિડન્ટો અને એમિનો એસિડનો સારો સ્ત્રોત છે.
મૂળાઃ કેલ્શિયમ , આર્યન , પોટેશિયમ , ઝિંક જેવા ખનીજ તત્ત્વો , કેરોટીન , એન્ટિઅક્સિડન્ટસ , વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે.
વરિયાળીઃ ઉચ્ચ પ્રમાણમાં કે, સી , બી અને ફાયટોન્યુટ્રિન્ટ ધરાવે છે. તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે.
લાલ કોબીઃ વિટામિન્સ એ , બી , સી , એફ , કે તથા ખનીજો અને હરિત દ્રવ્યથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવે છે.
ડુંગળીઃ વિટામિન , મિનરલ જેમ કે કેલ્શિયમ, પોટાશિયમ, સલ્ફ૨ તથા પ્રોટીન, પાચક રસ અને હરિતદ્રવ્યથી ભરપૂર છે.
વટાણાઃ પૌષ્ટિક અને વિટામિન એ , સી , કે તથા મિનરલ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટાશિયમ, ફોસ્ફરસ, એમિનો એસિડ અને પ્રોટીનનો સ્ત્રોત છે.
મીઠી મકાઇઃ મીઠી સુગંધ ધરાવે છે. તેનો ઉપગ વાનગી સુશોભન માટે થાય છે. તે વિટામિન બી , એન્ટિઓક્સિડન્ટ અને કેરોટીનોઇડસનો સારો સ્રોત છે.
ગાજરઃ એ બીટા કેરોટીન, ફાયટોન્યુટ્રીયન્ટ જેવા કે લ્યુટીન અને ઝીયાઝેનન્થીનથી સમૃદ્ધ છે. સુંદર ત્વચા માટે ઉત્તમ છે. કેન્સર નિવારણ તથા વૃદ્ધત્વ વિરોધી છે
સરસવઃ ગરમ અને મસાલેદાર. એન્ટીઑકિસડન્ટોના ઉચ્ચ સ્તર, પ્રોટીન, વિટામિન્સ, ખનિજો. રક્ત પરિભ્રમણને ઉત્તેજીત કરે છે અને તાવ અને શરદી સામે અસરકારક છે.
ધાણાઃ આ માઇક્રોગ્રીનના પાંદડા ફ્રિલી અને બીટા-કેરોટીનથી સમૃદ્ધ હોય છે. ઉનાળા માટે પ્રેરણાદાયક કૂલર તરીકે વર્તે છે.
માઇક્રોગ્રીન્સ એક સરળ, ઝડપી અને તંદુરસ્ત વિકલ્પ છે જે દરેક ઘરમાં સરળતાથી ઉગાડી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી અને પોષણ માટે માઇક્રોગ્રીન્સને આવકારવું આજના સમયમાં એક સારા પગલાનું સંકેત છે. હવે તમે પણ તમારા રસોડામાં માઇક્રોગ્રીન્સ ઉગાડવાનું શરૂ કરી શકો છો અને આ પૌષ્ટિક ખોરાકથી તમારૃં આરોગ્ય સુધારી શકો છો.
પ્રસ્તૂતિ
જીજ્ઞાસા વાય. ડેર અને યોગેશ એ. ડેર
બાયાયત અધિકારી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial