Advertisement

ગુજરાતમાં 'ગુલાબ'ની અસરઃ ઘણાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદઃ પાંચ દિ'ની આગાહી

વાવાઝોડું નબળું પડ્યું, પરંતુ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું

અમદાવાદ તા. ર૭ઃ 'ગુલાબ' વાવાઝોડું આંધ્ર તટે ટકરાયા પછી નબળું પડ્યું છે, પરંતુ તેની અસરથી સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતમાં ઘણાં સ્થળે ભારે વરસાદ શરૃ થયો છે, જ્યારે હવામાન ખાતાએ હજુ પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં તા. ર૮-ર૯ ના દ. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા પણ જણાવાઈ છે.

રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે નહીં, પરંતુ આ વાવાઝોડું નબળું પડ્યું પછી એક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેની અસર તળે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. ત્યારપછી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, એસજી હાઈ-વે, સેટેલાઈટ, જજીસ બંગલો, મેમનગર, વેજલપુરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ સિવાય રાણીપ, ચાંદલોડિયા, ગોતા, સોલા, ઘાટલોડિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં પણ આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. પાછોતરા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોમાં પાક નુક્સાનીનો ભય સતાવી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૪૭ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ૧૪ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો કુલ ર૭ ઈંચ સાથે ૮૩ ટકા વરસાદ થયો છે.

અત્રે નોંધનિય છે કે, હવામાન ખાતાની પાંચ દિવસ દરમિયાન તા. ર૮ અને ર૯ ના ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ ૪૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના બુલેટિનમાં જણાવાયું છે કે નોર્થ-ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી ૩.૧ કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જે સાઉથ-વેસ્ટવાર્ડસ તરફ આગળ વધી રહ્યું છે.

બીજુ સાયક્લોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશના નોર્થ વેસ્ટ પર સર્જાયું છે. તેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે. તેમાં ખાસ કરીને તા. ર૮-ર૯ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

જિલ્લામાં વરસાદી માહોલઃ જામનગરમાં ઝાપટા

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, અને જામનગર શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેથી જાહેર માર્ગો પરથી પાણી વહેતા થયા છે. આજે જામનગર સહિત હાલારમાં પણ ઘણાં સ્થળે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો છે.

ચાલુ વર્ષે અંદાજે ૮૩.૮૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, ચાલુ વર્ષે અંદાજિત ૮૩.૮૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર ર૦ સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત્ વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૮પ.૮૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૮.૦૧ ટકા વાવેતર થયું છે. તાજેતરમાં રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં યોજાઈ હતી. જેમાં આ માહિતી આપવામાં આવી હતી.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit