Advertisement

તા. ર૦-૧૧-૨૦૧૮ ના એસ.ડી.એમ. ના હુકમની પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઘોર અવગણના

જામનગરમાં ત્રાસદાયક ઢોરની સમસ્યાઃ

જામનગર તા. ર૯ઃ જામનગર શહેરમાં આઠ લાખની માનવ વસતિને રખડતા-ભટકતા ઢોરની સમસ્યા અત્યંત ત્રાસદાયક બની રહી છે. વરસોથી પ્રવર્તી રહેલી આ સમસ્યા હવે વકરીને ચરમસીમાએ પહોંચી ગઈ છે. અખબારો-મીડિયાના માધ્યમોમાં વારંવાર, અવારનવાર આ સમસ્યાના અહેવાલો-તસ્વીરો સાથે પ્રસિદ્ધ થયા છે અને નિંભર અને નિદ્રામાં સૂતેલા મનપાના તંત્રનું ધ્યાન દોરવાના પ્રજાલક્ષી પ્રયાસો થયા છે, તેમ છતાં મનપાના સત્તાધિકારીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આ સમસ્યાના ઉકેલ માટે કાયમ માટે શંકાસ્પદ રીતે લાચારીભરી નિષ્ક્રિયતા જોવા મળી છે.

જામનગર શહેરના જાગૃત નાગરિકોએ પણ આ મુદ્દે મનપા તંત્રમાં રજૂઆતો કરી છે. તેમાં ૩૦ થ વધુ નગરજનોએ જામનગરના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ સમસ્યા અંગે કલમ ૧૩૩ હેઠળ મનપા તંત્ર વિરૃદ્ધ વર્ષ ર૦૧૮ માં ફરિયાદ નોંધાવી હતી. જેની ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ હેઠળ કેસ રજિસ્ટર કરીને ર૦-૮-૧૮, ર૩-૮-૧૮, ર૪-૮-૧૮, ર૭-૮-૧૮, ર૯-૮-૧૮, પ-૯-૧૮, ૧૧-૯-૧૮, ૧૮-૯-૧૮, રપ-૯-૧૮ તથા ર૩-૯-૧૮ ના દિવસોએ સુનાવણીની પ્રક્રિયા થઈ હતી. જેમાં વાદીઓ, પ્રતિવાદીઓને સાંભળવામાં આવ્યા પછી તત્કાલિન એસડીએમ એચ.એમ. સોલંકીએ તા. ર૦-૧૧-૧૮ ના દિને મનપા તંત્રને આ સમસ્યાના ઉકેલ માટે કડક દિશા નિર્દેશ સાથેનો હુકમ ફરમાવ્યો હતો.

૧. સબબ ફોજદારી કાર્યરીતિ અધિનિય ૧૯૭૩ ની કલમ ૧૩૩ અન્વયે જે લોકો પોતાના ઢોર ખુલ્લામાં છૂટા મૂકી ગેરકાયદેસરની અડચણ ઊભી કરે છે તેવા તમામ ઢોરમાલિકોને હુકમ કરવામાં આવે છે કે, તેઓ પોતાના દ્વારા રાખવામાં આવેલ પશુઓનું રજિસ્ટ્રેશન કરાવે, રજિસ્ટ્રેશન કરાવ્યા વગર વાડામાં કે ગૌશાળામાં રાખે નહીં તેમજ તેમના પશુઓને જાહેર રોડ, રસ્તા, શેરીઓમાં છૂટા ન મૂકે. પશુઓના બગાડ વિગેરેનો સુરક્ષિત નિકાલ કરે. સદરહુ હુકમનું પાલન થવામાં ચૂક થયે લોકોને જાહેર આરોગ્ય અને સુખાકારીમાં તકલીફ પહોંચાડવા બદલ તેમજ નાગરિકો અને પશુના જીવને જોખમમાં મૂકવા બદલ તેમના વિરૃદ્ધ ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ર. આગામી ત્રણ માસમાં જાહેરમાં રોડ ઉપર ઘાસ વેંચી ઢોરોનું ટોળું કરી ત્રાસદાયક પરિસ્થિતિ ફેલાવનારા ૧૦૩ ઈસમો વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જામનગર શહેરને હુકમ કરવામાં આવે છે.

૩. કમિશનરશ્રી જામનગર મહાનગરપાલિકાને જામનગર શહેરના નાગરિકોને જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોને લીધે ઊભી થતી જાહેર ત્રાસદાયક પરિસ્થિતિના નિવારણ કરવા માટે હુકમમાં કરેલ અવલોકનની વિગતે કાયમી ઉકેલ લાવવા જણાવવામાં આવે છે. જે માટે પાંજરાપોળની વ્યવસ્થા કરવી, ખાસ કરીને ચોમાસામાં ઢોર પકડવા માટે મોટી સંખ્યામાં માણસો તથા મશીનરી લગાડવા જણાવવામાં આવે છે અને ગેરકાયદેસર ઢોરોના વાડા બનાવી જાહેર માર્ગો ઉપર અને શેરીઓમાં ઢોરો રાખતા તેમજ જાહેર માર્ગો ઉપર ઘાસનું વેંચાણ કરતા ઈસમો વિરૃદ્ધમાં પોલીસની સાથે રહીને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે અને કરેલ કાર્યવાહીનો અહેવાલ ૯૦ દિવસમાં અત્રે રજૂ કરવા જણાવવામાં આવે છે.

૪. ઉપરોક્ત હુકમનું પાલન કરવામાં ચૂક થયે ચૂક કરનારની વિરૃદ્ધમાં ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.

આમ સમગ્ર રીતે મનપા તંત્રની આ સમસ્યા પ્રત્યેની ઉદાસીનતા ઉજાગર થઈ છે. એટલું જ નહીં, પણ એસડીએમના હુકમનો અને તેમણે કરેલા દિશાનિર્દેશનો અમલ કરવામાં પણ મનપા તંત્રએ લાપરવાહી દર્શાવી છે. બીજા અર્થમાં મનપા તંત્રએ એસડીએમના હુકમની પણ ઘોર અવગણના જ કરી છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit