Advertisement

હાલારમાં હાલાકીઃ ભારે વરસાદથી તારાજીઃ કાલાવડમાં ૧૬ ઈંચઃ અન્યત્ર પાંચ ઈંચ સુધી વરસાદ

એક રેલવે ટ્રેક ધોવાતા જામનગર-રાજકોટ વચ્ચે ખોરવાયો ટ્રેન વ્યવહારઃ ડેમો, ચેકડેમો, તળાવો ભરપૂરઃ

જામનગર તા. ૧૪ઃ હાલાર પંથક ઉપર છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળાશયો જળબંબાકાર થઈ ગયા છે. એક જ ઝાટકે મહત્તમ જળાશયો છલકાઈ ગયા છે, તો અનેક જળાશયોમાં વિપુલ જળરાશિની આવક થવા પામી છે, જો કે વરસાદ અને ડેમ છલકાતા વહેતા થયેલા પાણીએ અનેક વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. લોકોની ઘરવખરીને ભારે નુક્સાન થયું છે.

જામનગરમાં રવિવારે મોડી રાત્રિએ અને ગઈકાલે સોમવારે હાલાર ઉપર ભારે મેઘમહેર થતાં હાલારની ધરતી જળબંબાકાર થઈ જવા પામી હતી.

જામનગર જિલ્લામાં ગઈકાલે બપોરે ૧ર વાગ્યાથી આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં કાલાવડમાં વધુ ૧૪૮ મી.મી. એટલે કે છ ઈંચ વરસાદ થયો હતો, તો છેલ્લા ૩૬ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે જામજોધપુરમાં ચાર ઈંચ (૧૦૩ મી.મી.) વરસાદ થયો છે.

જામનગરમાં ગઈકાલે બપોરે ફક્ત બે કલાકમાં જ ચાર ઈંચ સહિત ર૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો. જોડિયામાં ગઈકાલે ૪૦ મી.મી., ધ્રોળમાં ચાર ઈંચ (૧૧૧ મી.મી.) અને લાલપુરમાં ચાર ઈંચ (૯૪ મી.મી.) વરસાદ થયો છે. ડેમના ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે જળાશયો (ડેમ) માં પણ વિપુલ જળરાશિની આવક થવા પામી છે. જિલ્લાના રપ માંથી ૧૮ જળાશયો છલકાઈ ગયા છે, તો બે જળાશયો સસોઈ અને વનાણા ડેમ ૯પ ટકા ભરાઈ ગયા છે. જે પણ ગમે ત્યારે છલકાઈ જશે. આથી એક જ વરસાદે સિંચાઈના મહત્તમ ડેમ છલકાઈ જતા સરકારની ચિંતા દૂર થઈ છે, તો ખેડૂતોનો પણ પાણી પ્રશ્ન હલ થયો છે.

કાચો પૂલ તૂટતા મકવાણા ગામ સંપર્ક વિહોણું

જામનગર તાલુકાનું મકવાણા ગામ ડંડા નદીના કિનારે આવેલ છે. જ્યાં કાચો બ્રિજ તૂટી પડતાં ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું. તે વિસ્તારના કાર્યકર્તા કાસમભાઈ ખફીની ટીમ સૌ પ્રથમ ત્યાં પહોંચી હતી.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એકથી ચાર ઈંચ વરસાદ થયો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે સર્વત્ર પાણી-પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે. અનેક ચેકડેમ-તળાવ છલકાઈ ગયા છે.

છેલ્લા ર૪ કલાકમાં થયેલા વરસાદમાં ખંભાળિયામાં રર મી.મી. (એક ઈંચ), દ્વારકામાં પ૭ મી.મી. (બે ઈંચ), કલ્યાણપુરમાં ૯૮ મી.મી. (ચાર ઈંચ) તથા ભાણવડમાં ૧૦ર મી.મી. (ચાર ઈંચ) વરસાદ નોંધાયો છે. દ્વારકામાં મોસમનો ૧૦ર ટકા અને અન્ય ત્રણેય તાલુકામાં ૯૪ થી ૯૮ ટકા મોસમનો કુલ વરસાદ થઈ ચૂક્યો છે.

ગઈકાલના સારા વરસાદ પછી અનેક તળાવો, ચેકડેમો છલકાઈ ગયા છે, જ્યારે અનેક ગ્રામ્ય પંથકના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક જળાશયો (ડેમ) માં પાણીની આવક થવા પામી છે. સિંહણ ડેમમાં સાડાચાર ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. આમ ર૩ ફૂટનો આ ડેમ ૧૩ ફૂટ ભરાઈ ગયો છે, જ્યારે ઘી ડેમમાં પણ ત્રણ ફૂટ નવા પાણીની આવક થતાં સપાટી સાડાસાત ફૂટની થવા પામી છે. આમ ખંભાળિયા શહેરના લોકોને એક વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહ થઈ ગયો છે.

ભાણવડ પાસેના વર્તુ-ર ડેમના ઉપરવાસમાં થયેલા વરસાદથી ડેમની સપાટી વધવા પામી છે, તો ઈન્દ્રેશ્વર પાસેના ખાલી ડેમમાં ભરપુર પાણીની આવક થઈ છે. ભાણવડ શહેરને પાણી પૂરૃ પાડતા સત સાગર ડેમમાં નવા પાણીની આવક પછી ર૬ ફૂટ નવા પાણીની આવક થઈ છે, જ્યારે જિલ્લાના પાંચ ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં કંડોરણા, મહાદેવિયા, વર્તુ-૧, કબરકા અને સોનમતીનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં નોંધાયેલ વરસાદ મુજબ વસઈમાં ૧૪૭ મી.મી., લાખાબાવળમાં ૮૧ મી.મી., મોટી બાણુંગાર-રપ૦, ફલ્લા-૮૦, જામવણંથલી-રરપ, ધુતારપુર-ર૦૦, અલિયાબાડા-૩૦૦, દરેડ-૬પ, હડિયાણા-૩૭, બાલંભા-૪૦, પીઠડ-પપ, લતીપુર-૧૦૪, જાલિયાદેવાણી-૮પ, લૈયારા-૧૧૮, નિકાવા-૩૦૦, ખરેડી-૬૧૦, મોટા વડાળા-ર૯૦, ભલસાણ બેરાજા-૩રપ, નવાગામ-પપ૦, મોટા પાંચદેવડા-૬૧૦, સમાણા-૩ર૮, શેઠવડાળા-૧૭૦, જામવાડી-૧૧૬, વાંસજાળિયા-૧૬૮, ધુનડા-૧૬પ, ધ્રાફા-૪૩૦, પરડવા-૧૮પ, પીપરટોડા-૮પ, ભણગોર-૯૧, મોટા ખડબા-૧૦૪, મોડપર-૧ર૦ અને ડબાસંગમાં ૯પ મી.મી. વરસાદ થયો હતો.

ફલ્લા ગામના અમારા પ્રતિનિધિનો સંદેશો ફલ્લામાં બે દિવસમાં ૧૭ ઈંચ વરસાદ થયો છે. પરિણામે ગામ નજીકનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરાંત મોટી બાણુંગારમાં ૧પ ઈંચ અને જામવણંથલીમાં ૧ર ઈંચ વરસાદ થયો છે.

આમ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મોટી બાણુંગારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતા બજારમાં-દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં.

સોયલ ટોલનાકે વાહનોની લાંબી કતારો જામી હતી અને આ રસ્તે વાહનવ્યવહાર માટે થોડીવાર માટે બંધ થઈ જવા પામ્યો હતો. આમ ભારે વરસાદથી ફલ્લા પંથકના ગામડાઓની સ્થિતિ ખરાબ થઈ જવા પામી હતી.

જામનગર શહેરની મધ્યમાં આવેલ તળાવમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે, તો મહત્ત્વનો ગણાતો સસોઈ ડેમ પણ ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

જ્યારે વરસાદના પગલે જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે, તો અલિયાબાડા-જામવણંથલી વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં જામનગર-રાજકોટ વચ્ચે રેલ વ્યવહાર બંધ છે. અનેક ટ્રેનો શોર્ટ ટર્મીનેટ અને ડાઈવર્ટ કરવામાં આવ્યો છે.

જામનગરના દોઢ ડઝન જળાશયો ઓવરફ્લો

જામનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી જળાશયોમાં ભરપૂર નવા પાણીની આવક થતા લગભગ દોઢ ડઝન જળાશયો છલકાઈ ગયા છે. પન્ના, ફૂલઝર-૧, સપડા, ફૂલઝર-ર, વિજરખી, રણજીતસાગર, ફોફન-ર, ઊંડ-૩, રંગમતી, ઊંડ-૧, કંકાવટી, ઊંડ-ર, વડીસાંગ, ફૂલઝર (કાં-બા), રૃપારેલ, ઉમિયા સાગર, ઊંડ-૪ ડેમ છલકાઈ ગયા છે, જ્યારે વાગડિયા ૮પ ટકા, સસોઈ ૯પ ટકા, આજી-૪ ૮ર ટકા, બાલંભડી ૯૬ ટકા ભરાયેલ છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit