ધ્રોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વધારાશે ઓક્સિજન બેડની સુવિધાઃ હકુભા જાડેજા

જામનગર તા. ૪ઃ જી.એમ. પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોળ સી.એચ.સી.ના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીધી હતી અને તેઓના અધ્યક્ષસ્થાને કોવિડ કેર સેન્ટરોમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ધ્રોળ સી.એચ.સી.માં બેડની સંખ્યા વધારાશે. તેમણે ઉમા કોવિડ કેર સેન્ટરને ઓપીડી વધારવા સૂચન પણ કર્યું હતું.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટર અને ધ્રોળ સી.એચ.સી.માં કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ જિલ્લા અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓક્સિજન, દવાઓ, બેડની ક્ષમતા અને ડોક્ટરો, નર્સ વગેરે સારવારલક્ષી પરિમાણો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સમીક્ષા બેઠકના અંતે મંત્રીએ જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લઈ દાખલ દર્દીઓને ખૂબ જલદી નીરોગી થઈ સ્વસ્થ થવા માટેની શુભેચ્છાઓ આપી હતી.

મુલાકાત પછી મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ સી.એચ.સી. ધ્રોળમાં ર૩ બેડની ક્ષમતાનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જેમાં ૧૮ દર્દીઓ દાખલ છે તેને ૩૧ ઓક્સિજન સાથે સજ્જ બેડ સુધીની ક્ષમતામાં પરિવર્તિત કરી વ્યવસ્થાઓ વિક્સાવવામાં આવશે. આ માટે ઓક્સિજન ફ્લોમીટર, ઓક્સિજનના બાટલા વગેરેની વ્યવસ્થાઓ જિલ્લા પંચાયત દ્વારા કરવા સૂચન કર્યું હતું. સાથે નજ જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી વધારી વધુ દર્દીઓને સુવિધા આપવા માટે સૂચના આપી હતી.

આ બેઠક અને મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ, તાલુકા પંચાયત સદસ્ય જયંતિલાલ કગથરા, ધ્રોળ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણિયા, ધ્રોળ તાલુકા ભાજપ મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા, યુવા ભાજપ નેતા હિતેષ ભોજાણી, તુષારભાઈ ભાલોડિયા તથા કોવિડ કેર સેન્ટરના ટ્રસ્ટી રમેશભાઈ જાકાસણી, અનિલભાઈ ભૂત, ડોક્ટર વિશાલભાઈ ઘાટલોડિયા, વિજયભાઈ કાસુન્દ્રા, ગોવિંદભાઈ દલસાણિયા, પ્રાંત અધિકારી ધ્રોળ હેતલબેન જોષી, તાલુકા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit