Advertisement

કલ્યાણપુરના ભોપલકાના શખ્સને દુષ્કર્મના ગુન્હામાં દસ વર્ષની કેદ

પાંચ વર્ષ પહેલાં સગીરા પર ગુજાર્યું હતુ દુષ્કૃત્યઃ

જામનગર તા. ૧૦ઃ કલ્યાણપુરના નંદાણા ગામની એક સગીરાનું પાંચ વર્ષ પહેલાં ભોપલકા ગામના શખ્સે અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી આરોપીની ધરપકડ કરી પોલીસે ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને જુદી જુદી ત્રણ કલમો હેઠળ દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં વસવાટ કરતાં એક પરિવારની સાડા સોળ વર્ષની જે તે વખતે વય ધરાવતી તરુણીનું વર્ષ ૨૦૧૬માં કલ્યાણપુર તાલુકાના જ ભોપલકા ગામનો રમેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ નામનો શખ્સ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી હતી.

તપાસ દરમિયાન રમેશ જેઠાભાઈ ઝડપાઈ ગયો હતો. પોલીસે તે તરુણીની તબીબી ચકાસણી કરાવતાં તેણી પર દુષ્કર્મ ગુજારાયાનું ખુલતાં પોલીસે આઈપીસી ૩૭૬ તથા પોકસો એકટની કલમમાં ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરોકત કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતાં ફરિયાદ પક્ષે ફરિયાદી તેમજ તે તરૃણીની જુબાની ઉપરાંત તબીબી પુરાવા અને અન્ય કેટલાંક સાક્ષીઓની જુબાની  રજૂ કરી હતી. બન્ને પક્ષની રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી રમેશ જેઠાભાઈ રાઠોડ સામેનો કેસ સાબિત માની તેને આઈપીસી ૩૬૩ના ગુન્હામાં બે વર્ષની સખત કેદની સજા, રૃપિયા બે હજારનો દંડ, આઈપીસી ૩૬૬ હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા, રૃપિયા ત્રણ હજારનો દંડ તેમજ પોકસો એકટ હેઠળના ગુન્હામાં દસ વર્ષની સખત કેદની સજા અને રૃપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો, વધુ એક વર્ષની કેદની સજા ભોગવવા અદાલતે હુકમ કર્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit