Advertisement

મુખ્યમંત્રી બદલતા વિપક્ષી નેતાઓના પ્રત્યાઘાતો ચર્ચામાં

નીતિનભાઈ કેમ સી.એમ. ન બન્યા? તર્ક-વિતર્કો

અમદાવાદ તા. ૧૪ઃ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ પછી મીડિયા અને સોશ્યલ મીડિયામાં ચાલી રહેલા પ્રત્યાઘાતો ચર્ચામાં છે.

ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યપાલને મળવા વિદાય લઈ રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સહિતના નેતાઓ, રાજ્યના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભૂપેન્દ્ર ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના રૃપાણી સરકારમાં મંત્રી પદે રહેલા નેતાઓ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા સંગઠનના નેતાઓ જોડાયા હતાં, પરંતુ તેમાં નીતિનભાઈ પટેલ જોડાયા નહોતા, જેથી અનેક અટકળો થવા લાગી હતી અને કાંઈક નવાજુની થશે તેવા તર્ક-વિતર્કો થવા લાગ્યા હતાં. આનું કારણ એ હતું કે વર્ષ ર૦૧૭ માં માંડ માંડ ૯૯ બેઠકો મેળવીને સરકાર રચી શકાય તેટલી બહુમતી મળી, ત્યારે નીતિભાઈ પટેલ જ મુખ્યમંત્રી બનશે, તે નક્કી મનાતું હતું, પરંતુ ભાજપ હાઈકમાન્ડે અચાનક જ વિજયભાઈ રૃપાણીનું નામ જાહેર કરી દીધું તે પછી પણ મંત્રીમંડળની રચના પછી ખાતાઓની ફાળવણીમાં નીતિનભાઈ પટેલને માત્ર આરોગ્ય ખાતું ફાળવાયું, તેથી નારાજ નીતિનભાઈએ વિદ્રોહી તેવર દેખાડ્યા હતાં. તે સમયે પાર્ટીને ઝુંકવું પડ્યું હતું અને નીતિનભાઈને નાણાખાતુ આપીને મનાવવા પડ્યા હતાં એ ઘટનાનું આ વખતે પૂનરાવર્તન તો નહીં થાય ને? શું રૃપાણીની જેમ નીતિનભાઈને પણ સન્માનભેર અડવાણી ફેઈમ સક્રિય રાજકારણમાંથી હટાવવા કોઈ અન્ય પદ અપાશે? શું વિજયભાઈને કેન્દ્રિય મંત્રી કે રાજ્યપાલ બનાવી દેવાશે? શું નીતિનભાઈને કોઈ ચોક્કસ રાજ્યના ગવર્નર બનાવવાની ઓફર થઈ છે? વગેરે સવાલો ગઈકાલે ચર્ચામાં રહ્યા હતાં, જો કે એવી સ્પષ્ટતાઓ પણ સંભળાતી હતી કે નીતિનભાઈ તો કોઈ પૂર્વનિર્ધારીત કાર્યક્રમમાં હાજરી આપવા મહેસાણા ગયા હતાં અને નારાજગીની કોઈ વાત જ નથી.

જો કે, મુખ્યમંત્રીનું નામ જાહેર થયું તે પહેલા નીતિનભાઈએ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, નવા મુખ્યમંત્રી એવા હોવા જોઈએ, જેને આખું ગુજરાત ઓળખતું હોય, લોકપ્રિય અને અનુભવી હોય અને વર્તમાન ધારાસભ્ય હોય. મુખ્યમંત્રીના નામના એલાન પછી તેઓએ ગાંધીનગર કે અમદાવાદમાં તો પત્રકારોને કોઈ પ્રતિભાવો આપ્યા નહીં, પરંતુ મીડિયામાં મહેસાણા પહોંચ્યા પછીના તેમના પ્રતિભાવો સંભળાઈ રહ્યા છે, જેમાં તેઓ કહે છે કે 'મને મતદારોના દિલમાંથી કોઈ હટાવી શકે તેમ નથી, મારૃ સ્થાન તો તમારા (એટલે કે મહેસાણાના મતદારોના) દિલમાં છે!'

જો કે, નીતિનભાઈ કોઈ પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં મહેસાણા ગયા હોવાનું પણ કહેવાયું હતું. નીતિનભાઈનું આ વલણ ગઈકાલથી જ ચર્ચામાં રહ્યું હતું, અને આજે જે કાંઈ નવા ઘટનાક્રમો સર્જાયા છે, તે આપણી સામે જ છે. નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિનભાઈ પટેલની મુલાકાત લીધી, તે ઘણું જ સૂચક છે. ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી ભાંગજડ પણ સપાટી પર આવી ગઈ હોવાનો દાવો વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે. નીતિનભાઈએ ઘણી ચોખવટો કરવી પડી તે પણ સૂચક છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અન્ય કોંગી નેતાઓ ભાજપ પર નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ, કપડા બદલવાથી માનવી માનસિક્તા ન બદલે, તેમ મુખ્યમંત્રી બદલવાથી ભાજપની છબિ નહીં સુધરે, કોરોનાને લઈને લોકોને પડેલી મુશ્કેલી પછી વિજયભાઈને બલીનો બકરો બનાવાયા છે. વગેરે પ્રત્યાઘાતો સાથે કટાક્ષો કરીને 'વ્યંગવાણી' ઉચ્ચારી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ તો એવો દાવો કર્યો છે કે આગામી વિધાનસભાઓની ચૂંટણીમાં તેમની પાર્ટી ઝંપલાવવાની હોવાથી ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી જ બદલવા પડ્યા છે!

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તો એમ કહી દીધું હતું કે ભાજપે તો માત્ર મુખ્યમંત્રી બદલ્યા છે, પરંતુ ગુજરાતની સાડાછ કરોડની જનતાએ તો સરકાર બદલવાનો જ મૂડ બનાવી લીધો છે. તેમણે દાવો કર્યો કે ભાજપે જ કરાવેલા તેના આંતરિક સર્વેમાં આગામી ચૂંટણીમાં ભાજપને હાર મળે તેમ હોવાથી મુખ્યમંત્રી બદલવા પાર્ટી મજબૂર બની છે. તેમના ટ્વિટને ટાંકીને મીડિયામાં એવો દાવો કરાઈ રહ્યો છે કે, ઓગસ્ટમાં આરએસએસ અને ભાજપે કરેલા સર્વે મુજબ કોંગ્રેસને ૪૩ ટકા મતો અને ૯૬ થી ૧૦૦ બેઠકો, ભાજપને ૩૮ ટકા મતો અને ૮૦ થી ૮૪ સીટો, આમ આદમી પાર્ટીને ૩ ટકા મતો અને શૂન્ય સીટ તથા મીમ એટલે કે ઓવૈસીની પાર્ટીને ૧ ટકો વોટ અને શૂન્ય સીટ તથા અપક્ષોને ૧પ ટકા મત અને ૪ સીટ મળી શકે, તેવા તારણો નીકળ્યા પછી ભાજપ ઘાંઘુ થયું અને મુખ્યમંત્રી બદલી નાંખ્યા!

હાર્દિક પટેલ અને રાઘવ ચડ્ડાના નિવેદનો અને તેમના શબ્દપ્રયોગોને હંમેશાં અણીયાવાળા અને વિરોધી પક્ષો કે નેતાઓને ખૂંચે તેવા હોય જ છે, જ્યારે આ વખતે તો કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓએ પણ પેટ ભરીને ભાજપ પર વ્યંગવાણી વાપરી અને તીખા તમતમતા શબ્દબાણ પણ છોડ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં લોકોને પડેલી મુશ્કેલી અને સંખયાબંધ લોકોના થયેલા મૃત્યુને વિપક્ષો મુદ્દો બનાવી રહ્યા છે અને આવા આંકડા છૂપાવવાના આરોપ પણ લાગી રહ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો આ કારણે ભાજપને રાજકીય નુક્સાન થઈ રહ્યું હોય, તો તેના માટે વિજયભાઈ રૃપાણી જેટલા જ નીતિનભાઈ પટેલ પણ જવાબદાર ગણાય, કારણ કે તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે સાથે આરોગ્યમંત્રી પણ હતાં, અને કોરોનાની જવાબદારી વિશેષ સ્વરૃપે તેમની જ હતી!

નીતિનભાઈએ ગયા વખતે વર્ષ ર૦૧૭ માં સરકારની રચના સમયે કરેલા વિદ્રોહ અને કોરોનાની કામગીરીમાં આરોગ્યમંત્રી તરીકેની તેમની પણ નિષ્ફળતાને ધ્યાને લઈને જ ભાજપે તેમને રૃપાણીના વિકલ્પે મુખ્યમંત્રી નહીં બનાવ્યા હોય, તેવું પણ ચર્ચાય છે. તો એવું પણ કહેવાય છે કે નરેશ પટેલના નિવેદનોથી લઈને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના અંતિમ નિર્ણય સ્વરૃપે ભૂપેન્દ્ર પટેલની પસંદગી સુધીના બનાવોની સિકવન્સ જોતા એમ જણાય છે કે ભાજપે પણ યોગ્ય સમયે જ 'પાટીદાર કાર્ડ' ખેલી નાંખ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit