Advertisement

ધ્રોલના ડાંગરા ગામમાં શ્રમિક મહિલાની આત્મહત્યાના કિસ્સામાં બહાર આવી હત્યાની વિગતોઃ પતિ જ આરોપી

જામનગર તા. ૨૯ઃ ધ્રોલના ડાંગરા ગામના એક ખેતરમાં મંગળવારની રાત્રે એક પરપ્રાંતિય શ્રમિક મહિલાને ગળાફાંસો ખાઈ લીધાની જાણ ગઈકાલે સવારે તેણીના પતિએ પોલીસને કર્યા પછી પીએમમાં મોકલાયેલા મૃતદેહની હાલત પરથી ઉભી થયેલી શંકાના આધારે પોલીસે પતિની આગવી ઢબે પૂછપરછ કરતાં પતિએ જ પત્નીને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મૃતક મહિલાના ભાઈએ પોતાના બનેવી સામે ફરિયાદ નોંધાવી છે. આ સ્ટોરીમાં એક ટ્વીસ્ટ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

આ ચકચારી કેસની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઉબ્લાદ ગામના વતની કેરુભાઈ ભંગડાભાઈ ડાવર અને તેમના પત્ની જમકુબેન (ઉ.વ. ૨૪) પોતાના વતનમાંથી મજૂરીકામ માટે ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં આવી પહોંચ્યા હતાં. જ્યાં આ દંપતી વસવાટ કરવાની સાથે ખેતમજૂરી કરી પેટીયું રળતા હતાં.

તે દરમ્યાન મંગળવારની રાત્રે જમકુબેને તે ખેતર પાસે જ એક ઝાડમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ પોલીસને કેરુભાઈ ડાવરે કરતાં ધ્રોલ પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તેને પીએમ માટે ખસેડયો હતો. મૃતક મહિલાના ભાઈ અને અલીરાજપુર જિલ્લાના પાનગુડા ગામના વતની અને હાલમાં લાલપુર તાલુકાના હરીપર ગામમાં મનસુખભાઈ અકબરી નામના ખેડૈતના ખેતરમાં શ્રમિક તરીકે રહેલા રાજુ વેસ્તાભાઈ ભીંડે વગેરે પણ આવી પહોંચ્યા હતાં. પોલીસે પતિ કેરુભાઈનું નિવેદન નોંધવાની તજવીજ કરતાં તેણે જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે જમકુબેનના ભાઈ રાજુ અને તેની બહેન ડાંગરા આવ્યા હતા. વાતચીત પછી રાત્રે જ્યારે તમામ લોકો સુવા ગયા તે પછી ગઈકાલે સવારે જમકુબેન રહેણાંકની બહાર દોરીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતાં.

ઉપરોકત નિવેદન ધ્યાનમાં રાખી પોલીસે હાથ ધરેલી તપાસ દરમ્યાન જામનગરની મેડીકલ કોલેજમાં જમકુબેનના દેહનું પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક બાબતો શંકાસ્પદ જણાતા પોલીસે મૃતકના પતિ કેરુભાઈની વિશિષ્ટ ઢબે પૂછપરછ શરૃ કરી હતી. જેમાં ભાંગી પડેલા કેરુએ ચોંકાવનારી કબૂલાત કરી પોતે જ જમકુબેનની હત્યા નિપજાવી હોવાની વિગત પોલીસને આપી છે.

આ શખ્સની કેફિયતથી ચોંકેલી પોલીસે વધુ પૂછપરછ કરતાં કેટલાંક રહસ્યસ્ફોટ થવા પામ્યા છે. આરોપી કેરુ ડાવરે જણાવ્યા મુજબ તેણે તથા જમકુબેને અગાઉ પરિવારની મરજીથી વિરૃદ્ધ જઈ ઘેરથી ભાગી ગયા પછી પ્રેમ લગ્ન કર્યા હતાં. તે પછી આ દંપતી પોતાના વતનમાંથી મજૂરીકામ મેળવવા ધ્રોલના ડાંગરા ગામમાં આવી ગયા હતાં. જમકુબેનને ભાઈ રાજુ સહિત ત્રણ ભાઈ અને બે બહેન છે. જેમાંથી બે ભાઈ ધ્રોલ તાલુકામાં મજૂરી કરે છે અને બે બહેનમાંથી એક બહેન મધ્યપ્રદેશમાં સાસરે છે અને જમકુબેન તથા કેરુભાઈ પણ ધ્રોલના ડાંગરા ગામમાં મજૂરી માટે આવી ગયા હતાં.

પતિએ જ પોતાની પત્નીની હત્યા નિપજાવી હોવાની પાકી આશંકા ઉભી થતાં અને પતિએ પણ દોરી વડે જમકુબેનને ગળાટૂંપો આપી તેણીની હત્યા કર્યાની કેફિયત આપતાં ધ્રોલ પોલીસે મૃતક મહિલાના ભાઈ રાજુ વેસ્તાભાઈ ભીંડેની ફરિયાદ પરથી કેરુ ભંગડાભાઈ ડાવર સામે આઈપીસી ૩૦૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ શખ્સને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે. ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના વડપણ હેઠળ ધ્રોલના પીએસઆઈ એમ. એન. જાડેજા તપાસ ચલાવી રહ્યાં છે.

ઉપરોકત બનાવમાં વધુ જાણવા મળ્યા મુજબ આ યુવતીની હત્યા તેણીના પતિએ જ કરી છે પરંતુ હત્યા પાછળ અન્ય કેટલીક વિગતો પણ રહેલી હોવાનું જણાઈ રહયું છેે. આરોપી અને મૃતકે પોતપોતાના ઘરેથી નાસી જઈને લગ્ન કર્યા પછી કેરુ પાસે જમકુ સાથે લગ્ન બદલ તે યુવતીના પરિવારજનો અવારનવાર પૈસાની માંગણી કરતાં હતાં. તે માંગણી કેરુ ડાવર પૂરી કરી શકતો ન હતો તેમ છતાં તેણે થોડી રકમ ચૂકવી હતી પરંતુ સાસરા પક્ષવાળા વધુ રકમની માંગણી કરી જમકુને પરત લઈ જવાની વાતો કરતા હોય કેરુ ડાવર નાસીપાસ થઈ ગયો હતો અને તેના જ આવેશમાં તેણે પત્નીને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી છે. જો કે, આ તમામ વિગતોની પૂરતી ખાતરી પોલીસને રિમાન્ડ દરમ્યાન થઈ શકશે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit