Advertisement

નાની-મોટી માછલીઓ જ કેમ ? મહાનગરપાલિકાને મસમોટા મગરમચ્છ દબાણકારોને ઝડપવામાં કોની લાજ કાઢવી પડે છે ?

આ ૫હેલા કેટલા ડિવાઈડર- ગ્રીલની ચોરી થઈ ગઈ ? છે હિસાબ ?

જામનગર તા. ૨૯ઃ ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ બહાદૂરીભર્યું કામ કર્યુ અને ૨૬ કેબીનો કાલાવડ નાકા બહારના માર્ગ પરથી હટાવીને કબ્જે કરી, અને કોઈને મચક ન આપી, તેવા અહેવાલો ગઈકાલે જામનગરમાં 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા હતાં, તેની સાથે સાથે આમ આદમી પણ એવું પુછતો સંભળાયો હતો કે આખી માર્કેટ ઉભી થાય તેટલી કેબિનો સરાજાહેર માર્ગ પર તદ્દન ગેરકાયદે કે પછી મંજુરીની પ્રક્રિયાના ઓઠા હેઠળ ઉભી કરી દીઘી, અને મનપાના તંત્રને ખબર પણ ન પડે તે બને જ કેવી રીતે ? તંત્રને કોણે જગાડ્યુ અને / અથવા તંત્ર સ્વયંભૂ કેવી રીતે અચાનક જાગ્યુ, તે પણ ઉંડી તપાસનો વિષય ગણાય, કારણ કે ઘણી વખત અચાનક થતી કાર્યવાહીઓ પાછળ 'કાંઈક બીજું' કારણ પણ હોઈ શકે છે, કેટલીક વખત આવું 'ભાગબટાઈ' માં વાંધો પડે ત્યારે બને છે, તો કયારેક કોઈ અંગત અદાવત, ધંધાખાર, સામાજિક કે રાજકીય કારણો પણ હોઈ શકે છે ઘણી વખત જાગૃત નાગરિકોના કારણે પણ આવા પહેલેથી રચાયેલા કૌભાંડો છાપરે ચડીને પોકારતા હોય છે.

જામનગર મહાનગરપાલિકામાં રામાયણકાળના કુંભકર્ણનો પડછાયો પડી રહ્યો, કે તેનો વાસ ત્યાં હોય, તેમ ત્યાંનું તંત્ર કદાચ ૬ મહિના સુધી નિદ્રાધિન રહે છે અને ૬ મહિને એક વખત ઉઠે ત્યારે જે આડે આવે, તેને કુંભકર્ણની જેમ ઝપટમાં લઈ લેતું હોય તેમ જણાય છે, અન્યથા નાની મોટી માછલીઓને પકડવાના બદલે નગરના મસમોટા દબાણકારોના કથિત મહાકાય (વિશાળ) દબાણો હટાવવાની હિંમત કેમ નહીં કરતું હોય ? ઘણાં લોકો એવું કહેતા પણ સંભળાયા કે મોટા દબાણ હટાવવામાં કાઃ તો તંત્રને લાજ કાઢવી પડતી હશે, અથવા 'સેટીંગ' હશે, અને એવું કહીં હોય તો કોઈ 'મોટામાથા'નું દબાણ હશે. ગેરકાયદે દબાણ પર 'મોટા માથાઓનું તંત્ર પર થતું દબાણ હંમેશાં ભારે પડતું આવ્યું છે, એટલે કે ગેરકાયદે જમીન દબાણ કરતા યે વધુ પ્રભાવ કોઈ રાજકીય, ઔદ્યોગિક, સ્થાનિક કે ખંડણીખોર મોટા માથાઓનો રહેતો હોય છે, અને આ સ્થિતિ અત્યારે જામનગરમાં જ નહીં, પણ રાજ્યવ્યાપી ઓ રાષ્ટ્રવ્યાપી પણ છે.

મનપાનું તંત્ર કદાચ કુંભકર્ણનો પડછાયો પડતો હોય, તેમ ઉંઘતું રહેતું હશે કે કોઈ મિલિભગત, કોઈ પ્રેસરની અસરો થતી હશે, પરંતુ શાસક પદાધિકારીઓને શું થયું છે ? શું તેઓને 'ઉપર'થી થતા આદેશો મુજબ જ કામ કરવાનું હશે ? તંત્રને તો એન્ક્રોચમેન્ટ ઈન્સ્પેકટરની ખાલી જગ્યાઓ કે સ્ટાફનો અભાવ (આ બધા આમ તો બહાના છે) વગેરે કારણો નડતા હશે, પણ શાસકો પણ આ કેબિનો જ નહીં, પણ નગરમાં ખડકાતા રહેતા ગેરકાયદે દબાણો સામે આંખ આડા કાન કેમ કરતા રહેતા હશે ? તેવો સવાલ પણ લોકચર્ચા દરમિયાન ગુંજતો હોય છે.

મનપાના તંત્રની જાગૃતિની વાત કરીએ, તો ગ્રીલચોરીના પ્રકરણનો ઉલ્લેખ કરવો પડે. કોઈ અજાણ્યા શખ્સો સામે મનપાના તંત્ર ગ્રીલ ચોરીની પોલીસ ફરિયાદ કરી છે, એવું કહેવાય છે કે આ ગ્રીલચોરીના સીસીટીવી ફૂટેજ તરફ ધ્યાન દોરીને કોઈ જાગૃત નાગરિકે મનપાને જાણ કરી તો તેને પહેલા તો મનપાના તંત્ર કહી દીધું કે, પોલીસમાં જાવ...!

તે પછી આ અહેવાલો અખબારો-મીડિયામાં ચમક્યા પછી તંત્રની 'રાડ' ફાટી અને ફરિયાદ નોંધાવી જો કોઈ જાગૃત નાગરિક મનપાનું ધ્યાન દોરે, તે પછી પણ જો આવું વલણ દાખવવામાં આવતું હોય, અને આ પ્રકારના અહેવાલોમાં તથ્ય હોય, તો તો એવો સવાલ પણ ઉઠે કે ગ્રીલચોરી અંગે કોઈ જાગૃત નાગરિક ધ્યાન દોરે તે પછી પણ સક્રિયતા દર્શાવવામાં આનાકાની કરવાનું વલણ રાખવામાં આવતું હોય, તો આ તંત્ર સ્વયંભૂ કેવી કામગીરી કરતું હશે ? આ પહેલા પણ નગરમાંથી અનેક સ્થળેથી ગ્રીલચોરી થઈ હશે, અને તેનો હિસાબ પણ (વિપક્ષોએ ખાસ) માંગવો જોઈએ, પરંતુ ઘણી વખત એવું સેટીંગ હોય છે કે તેરી બી ચૂંપ... મેરી બી ચૂપ...!Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit