Advertisement

પીયરેથી પરત આવવાનો પત્નીએ ઈન્કાર કરતાં માઠું લાગવાથી પતિનો ગળાફાંસો

ઝઘડા થતાં પતિ મૂકી આવ્યા હતા પીયરઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના સિકકામાં રહેતાં એક પરપ્રાંતિય યુવાનને પત્ની સાથે ઝઘડા થતા રહેતા હોય તેઓ પત્નીને મધ્યપ્રદેશ સ્થિત પીયર મૂકી આવ્યા હતા. જ્યાંથી પરત આવવા તેઓએ પત્નીને કહેતા અને પત્નીએ સિક્કામાં આવવાની ના પાડતાં માઠું લાગી આવવાથી આ યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ લઈ જિંદગીનો અંત આણ્યો છે.

જામનગર તાલુકાના સિક્કામાં આવેલી ટીપીએસ કોલોનીના બ્લોક નંબર ૪૧૧/૮માં વસવાટ કરતાં ધર્મેન્દ્રસીંગ કલાસીંગ તોમર (ઉ.વ.૨૯) નામના યુવાને ગઈકાલે સવારે દસ વાગ્યાથી બપોરના પોણા બે વાગ્યા દરમ્યાન પોતાના રહેણાંકમાં છતમાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ બપોરે પરિવારજનોને થઈ હતી.

આ યુવાનને નીચે ઉતારી ચકાસવામાં આવતાં તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને જાણ કરાતાં સિક્કાના જમાદાર હરિહર પાંડવ દોડી ગયા હતા. તેઓએ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા કલાસીંગ રાજપતસીંગ તોમરનું નિવેદન નોંધ્યું છે.

તેઓના જણાવ્યા મુજબ પુત્ર ધર્મેન્દ્રસીંગને તેની પત્ની પ્રિયા સાથે છેલ્લા ચારેક મહિનાથી નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હતા. જેના કારણે એકાદ મહિના પહેલાં ધર્મેન્દ્રસિંગ પત્નીને પીયર મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના રૃઅર ગામમાં મૂકી આવ્યા હતા. તે પછી ચારેક દિવસ પહેલાં ધર્મેન્દ્રસીંગે પત્નીને પોતે તેડવા આવતા હોવાનું કહયું હતું પરંતુ નારાજ પ્રિયાબેને સિક્કા પરત આવવાની ના પાડતાં ધર્મેન્દ્રસિંગને માઠુ લાગી આવ્યું હતું અને કદાચ તેના કારણે જ આ યુવાને ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit