Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાન હોર્મુઝની ખાડીનો જળમાર્ગ બંધ કરાવે તો
નવી દિલ્હી તા. ૨૩: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યા પછી ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું ૨૦ લાખ બેરલ ક્રુડ અટકી જતા ૪૦ ટકા સપ્લાય ખોરવાશે, જેથી પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે, તેવી સંભાવના જણાવાઈ રહી છે.
ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેમાંય અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઊર્જા કેન્દ્રો ઉપર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેના કારણે ઈરાન ગિન્નાયું છે. ઈરાનની સંસદ દ્વારા હોર્મુઝની ખાડી બંધ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સૂત્રોના મતે આકરાપાણીએ થયેલું ઈરાન ગમે ત્યારે હોર્મુઝ સમુદ્રમાર્ગ બંધ કરી શકે છે.
જો આ ખાડીનો જળમાર્ગ બંધ કરવામાં આવ્યો તો જગતમાં ક્રૂડની ખૂબ જ મોટી તાણ ઊભી થશે. તેના કારણે ક્રૂડના ભાવ અધધ વધી જશે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ભડકો થઈ શકે છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી બંધ કરવામાં આવે તો વિશ્વનું તો માત્ર ૨૦ ટકા ક્રૂડ અટકે તેમ છે પણ ભારતનું તો ૪૦ ટકા ક્રૂડ અટકી જાય તેવું છે. ભારત દ્વારા પોતાની જરૂરિયાતનું ૯૦ ટકા ક્રૂડ આયાત કરવામાં આવે છે. તેમાંથી ૪૦ ટકા ક્રૂડ આ રસ્તે આવે છે. હોર્મુઝની ખાડીના રસ્તે ભારત દરરોજ ૨૦ લાખ બેરલ ક્રૂડની આયાત કરે છે. ઈરાન, ઈરાક, સાઉદી, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી આ ક્રૂડ આવે છે. દરરોજ ભારતનું ૫૫ લાખ બેરલ ક્રૂડ આયાત થાય છે તેમાંથી ૨૦ લાખ બેરલ આ રસ્તે આવે છે. આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો ભારતમાં ક્રૂડની અછત સર્જાઈ શકે તેમ છે. આ અછત સર્જાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થાય તેમ છે. આ સિવાય જો બીજા રસ્તેથી ક્રૂડની આયાત કરવામાં આવે તો ભારતના ખર્ચમાં તોતિંગ વધારો થઈ જાય છે. હોરમુખની ખાડીએથી દરેક દેશો ક્રૂડની આયાત કરતા રહે છે. જો ઈરાન દ્વારા આ રસ્તો બંધ કરી દેવાય તો તમામ જહાજોને આફ્રિકા થઈને આવવું પડે. તેમાં જહાજનો ખર્ચ ૩૦૦થી ૪૦૦ ટકા વધી જાય તેવું અનુમાન છે.
હોર્મુઝનો જળમાર્ગે માત્ર એવો સામુદ્રિક માર્ગ છે જેની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે. આ રસ્તો ફારસની ખાડી દ્વારા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં અરબ સાગરને જોડે છે. ઈરાને હાલ આ રસ્તો બંધ કર્યો નથી પણ કરે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે, ૩૩ કિ.મી પહોળા આ જળમાર્ગને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે પણ જો તેને બંધ કરવામાં આવે તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી જાય તેમ છે. આ જળમાર્ગ બંધ થવાથી વિશ્વને મોટું નુકસાન થવાનું જ છે સાથે સાથે ભારતની હાલત પણ કફોડી થાય તેવા અણસાર દેખાઈ રહૃાા છે. ભારતની ક્રૂડની આયાતને પણ મોટો ફટકો પડી શકે તેમ છે.
આ જળમાર્ગ અરબ સાગર અને ઓમાનની ખાડે જોડે છે. દુનિયાનું ૨૦ ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે જ જાય છે. અહીંયાથી દરરોજ ૨૧ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી ૮૩ ટકા ક્રૂડ સૌથી વધારે ભારત, ચીન, જા૫ાન જેવા એશિયાના દેશો સાથે વેપાર દ્વારા મોકલવામાં આવે છે. આ સિવાય દુનિયાનો એક તૃતિયાંશ નેચરલ ગેસ પણ આ જ રસ્તે જાય છે અને તેમાં કતારની ભૂમિકા સૌથી મોટી છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૫ ટકા ક્રૂડ આ રસ્તેથી જ આયાત કરે છે. તેમાં ઈરાન સહિતના મધ્ય પૂર્વના ખાડી દેશઓના સપ્લાયનો પણ સમાવેશ થાય છે. આ જળમાર્ગ એવો છે કે, તેઓ કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી. તેના કારણે ઈરાન દ્વારા તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શક્તિ પ્રદર્શનનો રસ્તો પણ ગણાવાયેલો છે. અહીંયા મોટા દેશોની નૌસનાઓના જહાજો હાજર રહે છે. આ રસ્તેથી અંદાજે દરરોજ ૩૦ થી ૫૦ જેટલા મોટા જહાજો નીકળે છે જે ક્રૂડ સપ્લાય કરે છે. હાલમાં વૈશ્વિક સ્તરે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવ સરેરાશ ૭૫ ડોલર પ્રતિ બેરલ ચાલી રહૃાા છે. યુદ્ધ લાંબુ ચાલ્યું અને તેની અસર ક્રૂડ ઉત્પાદન અને સપ્લાય ઉપર પડી તો ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦૦ થી ૧૨૦ ડોલર પહોંચી શકે છે. તેના કારણે પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને અન્ય ઈંધણો ઉપર પણ અસર પડી શકે છે. તેના ભાવમાં મોટો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેનાથી વૈશ્વિક ફુગાવો પણ વધશે. જાણકારો માને છે કે, ઓપેક અને વૈશ્વિક ક્રૂડ બજાર માટે આ જળમાર્ગ બંધ ન થાય તે ખૂબ જ મહત્ત્વનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial