Advertisement

જામજોધપુરમાં ટ્રેન હેઠળ ગર્ભવતી મહિલાએ પુત્ર સાથે ઝંપલાવી લીધુંઃ બન્નેના કમકમાટીભર્યા મૃત્યુ

આત્મહત્યાનું કારણ હજુ અકળઃ મૃતક મહિલાના પતિ અને સસરા રેલવેના કર્મચારીઃ

જામજોધપુર તા. ૧૩ઃ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસે રેલવે ટ્રેક પરથી ગઈકાલે બપોર પછીના સમયે પસાર થયેલી પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેન હેઠળ એક મહિલાએ પોતાના ફૂલ જેવા બાળક સાથે ઝંપલાવી લેતા માતાના શરીરના ટૂકડા થઈ ગયા હતા. ત્યારપછી ટ્રેન થંભાવવામાં આવી હતી. બનાવની પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ તથા રેલવે પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. મૃતક મહિલાના પતિ હાલમાં રેલવેમાં જ ફરજ બજાવે છે અને તેઓના સસરા પણ રેલવેના પૂર્વ કર્મચારી છે. મૃતક મહિલા હાલમાં ગર્ભવતી હોવાનું તેઓના પતિએ જણાવ્યું છે. હાલમાં અકળ રહેલા આત્મહત્યાના આ બનાવની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૃ કરી છે અને મૃતક માતા તથા પુત્રના મૃતદેહ પીએમમાં ખસેડી ઉપલેટામાં રહેતા મૃતકના માતા-પિતા સહિતના પરિવારજનોને બોલાવી મંગાવાયા છે.

ઉપરોકત બનાવની વધુ વિગત મુજબ જામજોધપુરમાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર રહેતા અને રેલવેમાં ટ્રોલીમેન તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ ભૂપતભાઈ ભેડાના પત્ની સોનલબેન (ઉ.વ.૩૨) ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે પોતાના પાંચેક વર્ષના પુત્ર મયંક ઉર્ફે મહેક સાથે માર્કેટીંગ યાર્ડ રોડ નજીક આવેલા રેલવે ટ્રેક પર ધસી આવ્યા હતા.

આ મહિલાએ તે ટ્રેક પરથી ધમધમાટ પસાર થયેલી પોરબંંદર-રાજકોટ પેસેન્જર ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું. ટ્રેનના તોતિંગ એન્જીનની ટક્કર વાગતા માતા-પુત્ર  ટ્રેકની વચ્ચોવચ્ચ ફેંકાયા હતા. તે પછી તેમના પરથી ટ્રેન પસાર થઈ જતાં બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. એન્જીન આડે કોઈએ પડતું મૂકયું છે તેમ જણાઈ આવતા ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન રોકી હતી. થોડે દૂર જઈ ઉભી રહેલી ટ્રેનમાંથી મુસાફરો તેમજ ડ્રાઈવર આવી પહોંચ્યા હતા. તે દરમ્યાન કોઈએ પોલીસને જાણ કરતા રેલવે પોલીસ તેમજ જામજોધપુર પોલીસ ઘટના સ્થળે ધસી આવ્યા હતા.

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે શરૃ કરેલી તજવીજમાં મૃતક મહિલા રેલવેકર્મીના જ પત્ની હોવાનું બહાર આવતા તેમના પતિ યોગેશભાઈ કે જેઓ જામનગરમાં ફરજ પર હતા તેઓને આ બનાવથી વાકેફ કરાતા તેઓ પણ બનતી ત્વરાએ આવી પહોંચ્યા હતા. તેઓએ પોતાના પત્ની સોનલબેન હાલમાં ગર્ભવતી હોવાનું જણાવતા અને તેણીનું ટ્રેનના પૈડાં હેઠળ ચગદાઈ જવાથી મૃત્યુ નિપજવાની સાથે ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થયાનું જાણી આક્રંદ કર્યું હતું. પોલીસે માતા-પુત્રના મૃતદેહને પીએમ માટે ખસેડી પતિ યોગેશભાઈ ભેડાનું નિવેદન નોંધ્યું છે પરંતુ આ પરિણીતાની પુત્ર સાથેની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. યોગેશભાઈના જણાવ્યા મુજબ તેઓના સાડા છએક વર્ષ પહેલાં ઉપલેટા ગામના સોનલબેન સાથે લગ્ન થયા હતા. તે પછી આ દંપતિને પુત્ર મયંકની પ્રાપ્તિ થઈ હતી અને હાલમાં તેણી ગર્ભવતી હતાં. તેણીના સસરા પણ અગાઉ રેલવે વિભાગમાં જ નોકરી કરતા હતા. ઉપરોકત બનાવની જામજોધપુર રેલવે પોલીસે જેતલસર રેલવે પોલીસને જાણ કરી છે. ત્યાંના ફોજદાર સહિતનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો. આ મહિલાની આત્મહત્યાનું કારણ હાલમાં તો અકળ રહેવા પામ્યું છે તે દરમ્યાન પોલીસે મૃતકના ઉપલેટામાં રહેતા માતા-પિતા સહિતના પરિવારજનોને નિવેદન માટે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેઓના નિવેદન પરથી વધુ વિગતો બહાર આવી શકે છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit