Advertisement

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ-પૂરે સર્જી ભારે તારાજીઃ જુદા જુદા સ્થળે તારાજી સાથે ૧૩૬ના મોત

કોરોનાકાળમાં કુદરતનો કારમો કહેરઃ કુદરતનો ક્રૂર પંજોઃ સેનાની ત્રણેય પાંખ, એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક ટીમો તૈનાત

મુંબઈ તા. ૨૪ઃ મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, પૂર, ભૂસ્ખલન વિગેરે કારણે ૧૩૬ મૃત્યુ થયા છે, ભારતીય સેનાની ત્રણેય પાંખો, એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક ટીમો રાહત-બચાવ કામગીરી કરી રહી છે. આ વિનાશક કુદરતી આફતમાં ઘણાં લોકો લાપત્તા પણ થયા છે.

મહારાષ્ટ્ર તરફથી અભૂતપૂર્વ કહેવામાં આવતા વરસાદનો કહેર ચાલુ જ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવાર સાંજથી અત્યારસુધી અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં કુલ ૧૩૬ લોકોનાં મોત થયા છે.

આ ઉપરાંત રાજ્યના અનેક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યમાં સેનાઓની મદદથી મોટાપાયે બચાવકાર્ય ચાલી રહ્યું છે. ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા થાણે, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના સાત હજારથી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારે પાંચ લાખ રૃપિયા અને કેન્દ્ર સરકારે બે લાખ રૃપિયાના વળતરની જાહેરાત કરી છે.

ચિપલૂનની કોવિડ હૉસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. જેના પગલે હૉસ્પિટલમાં દાખલ આઠ લોકોનાં મોત થયા હતા. કલેક્ટર બીએન પાટીલે જાણકારી આપી કે, ''ચાર લોકો વેન્ટિલેટર પર હતા. જેમના મોત વીજળીનો પુરવઠો બંધ થતા થયા હોઈ શકે છે. જ્યારે ચાર લોકો ટ્રૉમાને કારણે મોતને ભેટ્યા હતા.''

આ દરમિયાન એકલા રાયગઢ જિલ્લામાં ૪૫ લોકોનાં મોત થયા છે. અલગ અલગ બનાવમાં ૧૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લામાં આશરે ૪૦ લોકો ગુમ છે. મહાડ તાલુકાના તાલિયે ગામમાં જાનહાનીની સૌથી વધારે ૩૨ કેસ નોંધવામાં આવ્યા છે.

રાજ્યના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં ભૂસ્ખલના સમાચાર છે. પોલાડપુર તાલુકાના ગોવેલ પંચાયતમાં ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યા ભૂસ્ખલન થયું હતું. જેમાં ૧૦થી વધારે ઘર પ્રભાવિત થયા હતા. ઘટનાસ્થળેથી છ મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ૧૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

સતારાના કલેક્ટર શેખર સિંહે જણાવ્યું કે, પાટનમાં અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થયું છે. જે બાદમાં ૩૦ લોકો લાપતા બન્યા છે. ૩૦૦થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કરાડમાં ૮૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શનિવારે સવારે બચાવ કામગીરી શરૃ થશે. કોલ્હાપુર અને સાંગલીમાં ૨૦૧૯ જેવી ખરાબ સ્થિતિથી બચવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

મંત્રી સતેજ પાટીલે કહ્યુ કે, ''કોલ્હાપુરની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમે સંપૂર્ણ રીતે 'કપાઈ' ગયા છીએ. આશરે ૩૦૦ ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ૨૦૧૯માં પૂરમાં ડૂબી ગયેલા ગામોમાંથી સતર્કતાને પગલે લોકોને ખસેડી દીધા છે. કોયના ઉપરાંત કોલ્હાપુર સ્થિત અમલટ્ટી ડેમમાંથી પાણી છોડવાની ક્ષમતા વધારવામાં આવી છે. રાજ્યમાં બચાવ કામગીરી માટે ત્રણેય સેના ઉપરાંત એનડીઆરએફ અને રાજ્યનું બચાવદળ કામ કરી રહ્યાં છે. રાયગઢ જિલ્લામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

મેઘરાજાનું, દે ધનાધન બેટીંગ મહાબળેશ્વરમાં જળબંબાકારઃ ૨૪ કલાકમાં ૨૩ ઈંચ વરસાદ

વિશ્વ પ્રસિદ્ધ હિલસ્ટેશન મહાબળેશ્વરમાં ધનાધન બેટીંગ કરતા ૨૪ કલાકમાં નોંધપાત્ર ૫૯૪.૪ મિલિમીટર (આશરે ૨૩ ઈંચ) વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવાર સવારના ૮ઃ૩૦ કલાક સુધીમાં આ આંકડો છે. એક અંદાજ મુજબ મહાબળેશ્વરમાં એક દિવસમાં આ સર્વોચ્ચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ક્યારેય આટલો બધો વરસાદ એક દિવસમાં પડ્યો નથી. મહાબળેશ્વરમાં બુધવારે ૪૮૨ એમએમ અને ગુરૃવારે ૪૬૧ એમએમ વરસાદ હતો.

આઈએમડીના પ્રાદેશિક વિભાગના વડા ડો. જયંત સરકારે જણાવ્યું કે, મહાબળેશ્વરમાં વિતેલા ૨૪ કલાકમાં ૫૯૪.૪ એમએમ વરસાદ નોંધાયો છે. હિલસ્ટેશનના ઈતિહાસમાં આ એક દિવસનો સૌથી વધુ વરસાદ રહ્યો છે.

વરિષ્ઠ વિજ્ઞાની ડો. શુભાંગી ભુતેએ ૨૦૧૦ પછીના આંકડાની વિગતો આપતા કહ્યું કે અત્યાર સુધીમાં ૩૧ જુલાઈ ૨૦૧૪ના મહાબળેશ્વરમાં સર્વાધિક ૪૩૨ એમએમ વરસાદ પડ્યો હતો. અગાઉ ૧૬ જુલાઈ ૨૦૧૮ના ૨૯૮.૭ એમએમ તેમજ ૨૬ જુલાઈ ૨૦૧૦ના ૨૯૦.૮ એમએમ વરસાદ નોંધાયો હતો. મહાબળેશ્વરમાં વર્ષ દરમ્યાન સરેરાશ ૫,૫૩૦ મિમિ વરસાદ નોંધાય છે જ્યારે ગત ત્રણ દિવસમાં જ વર્ષનો ૩૦ ટકા વરસાદ પડ્યો છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit