Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વોર્ડ નં. ૬ ના રીંગરોડ પર સ્પીડ બ્રેકરનું આધુનિકરણઃ હવે પૂર્ણકક્ષાનો રોડ ઝડપથી બનશે?

'નોબત' ના અહેવાલોનો પડઘોઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં વોર્ડ નં. ૬ મા લોકોની લાંબા સમયની માંગણી પ્રથમ રીંગરોડ પરના સ્પીડબ્રેકરનું આધુનિકરણ કરીને યોગ્ય લંબાઈ-પહોળાઈના કરી દેવાતા અને જરૃર હતી ત્યાં વધારાના સ્પીડબ્રેકરોનું નિર્માણ થતા આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં આનંદ અને રાહતની લાગણી ફેલાવા પામી છે. લોકો કહે છે કે દેર આયે દુરસ્ત આયે...

સમર્પણથી બેડીબંદર તરફ જતા રીંગરોડનું વિસ્તૃતિકરણ લાંબા સમયથી ચાલી રહ્યું છે, તેથી હવે આ કામ ઝડપભેર ચાલશે અને પૂર્ણ કરવાનો યોગ્ય લંબાઈ-પહોળાઈ ધરાવતો પાકો રીંગરોડ હવે પૂર્ણ કક્ષાએ પહોંચશે, તેવી આશા પણ જાગી છે.

આ રોડ પર સંખ્યાબંધ સોસાયટીઓ વિકસી રહી છે અને હજારો લોકોનો વસવાટ વધી રહ્યો છે, ત્યારે આ વિસ્તારને સાંકળતી તમામ સુવિધાઓનું નવીનિકરણ અને ઉપલબ્ધી જરૃરી હોવાના જનપ્રતિભાવો છે. આ વિસ્તારને સિટીબસની સુવિધા આપ્યા પછી હવે રીંગરોડનું કામ શરૃ થતા લોકોમાં અન્ય સમસ્યાઓ પણ ઝડપભેર ઉકેલાશે અને ખૂટતી સુવિધાઓ ઝડપભેર પ્રાપ્ત થવા લાગશે તેવી આશા જાગી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વોર્ડ નંબર ૬ ની ખૂટતી સુવિધાઓ તથા રોડ-રસ્તાની સમસ્યાઓ તથા રવિપાર્ક ટાઉનશીપ તથા નિલકંઠ ટાઉનશીપના તદ્ન સામસામે આવેલા ગેઈટના કારણે પડતી ચોકડીમાં નાના-મોટા અકસ્માતો વધવા લાગતા અહીં બન્ને તરફ પૂરી લંબાઈના સ્પીડબ્રેકર્સની માંગણી સહિતના લોકોના પ્રશ્નોને વાચા આપતા અહેવાલો અવારનવાર 'નોબત'માં પ્રસિદ્ધ થયા હતાં, તેનો પડઘો પડ્યો હોય તેવા કેટલાક કામો સંપન્ન તથા શરૃ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે.

આ વિસ્તારમાં વધી રહેલો ટ્રાફિક જોતા અને અહીં મીની જી.જી. હોસ્પિટલ જેવી સુવિધાઓ ધરાવતી સરકારી હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ વિસ્તારને તમામ જરૃરી સુવિધાઓ પ્રાપ્ત થાય અને જે સુવિધાઓ છે, તેનું નવીનિકરણ થાય તે જરૃરી હોવાના પ્રતિભાવો છે.

જામનગર મનપા, કલેક્ટર તંત્ર, જિલ્લા પંચાયત, માર્ગ-મકાન વિભાગ, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોની ઓથોરિટીઝ દ્વારા આ વિસ્તારને ભારે ભરખમ વાહનો, ડમ્પર્સ, વિરાટકાય ટ્રકો વગેરેથી મુક્ત કરાવવા માટે સરમતથી બેડીબંદરને જોડતો બાયપાસ કાઢવાની વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવાની જરૃર છે, કારણ કે આ વિસ્તારોમાં માનવ વસવાટ ઘટ્યો છે અને બાળકો, મહિલાઓ, શાળાઓમાં જતા-આવતા વિદ્યાર્થીઓ સહિત દ્વિચક્રી, ત્રિચક્રી વાહનો તથા પગપાળા લોકોની અવર-જવર વધી છે. તે ઉપરાંત અહીં હોસ્પિટલ પણ શરૃ થવાની છે અને ટેનામેન્ટ્સ, એપાર્ટમેન્ટ્સ અને ટાઉનશીપો ઉપરાંત શોપીંગ સેન્ટરો, દવાખાના-હોસ્પિટલો, માર્કેટ અને શાળાઓ વધી રહ્યા છે, તેથી અહીંથી ભારે ભરખમ વાહનોને કોઈ વૈકલ્પિક નવો બાયપાસ નિર્માણ કરીને વાળવા જરૃરી હોવાની માંગણી પણ ઊઠી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh