Advertisement

મેલેરિયાની દવાઓ ઉપલબ્ધ, પણ તેની વેક્સિન છેક હવે શોધાઈઃ પરીક્ષણ પછી મળી શકે માન્યતા

શિતળા અને બાળલકવા નાબૂદી જેવા અભિયાનો ભારતમાં સફળતાથી ચાલ્યા છેઃ

નવી દિલ્હી તા. ૪ઃ શિતળા અને બાળલકવા નાબૂદી જેવી ઝુંબેશો ભારતમાં સફળ થઈ છે, ત્યારે દાયકાઓ જુની મેલેરિયાની બીમારી માટે વેક્સિન ની શોધ થતાં તેને મોટી સિદ્ધિ ગણવામાં આવે છે. આ વેક્સિન આફ્રિકાના એક દેશમાં વૈજ્ઞાનિકોએ શોધી છે અને પરીક્ષણ હેઠળ હોવાનું જાણવા મળે છે.

આપણે ત્યાં ભારતમાં કેટલીક બીમારીઓમાં વેક્સિન પહેલેથી જ ઉપયોગમાં લેવાતી રહી છે, અને વેક્સિનેશનના માધ્યમથી જ શિતળા જેવી બીમારી અથવા મહામારીને દેશવટો પણ આપ્યો છે. પોલિયોના ટીપાં દ્વારા બાળલકવા નાબૂદી અભિયાન પણ એ જ દિશામાં ઉઠાવાયેલું કદમ છે. અત્યારે પણ આપણે બાળકને જન્મ પછી કિશોરવયની વચ્ચેના બાળપણમાં જ ઘણી વેક્સિન આપીને ચેપી તથા જીવલેણ અથવા ગંભીર રોગો સામે આગોતરૃ રક્ષણ આપીએ છીએ. આપણે મેલેરિયા નાબૂદી અભિયાન પણ ચલાવીએ છીએ, અને મેલેરિયા વિરોધી ઘણી દવાઓ પણ ઉપયોગમાં લેવાઈ રહી છે, પરંતુ અત્યાર સુધી મેલેરિયા સામે રક્ષણ આપતી કોઈ વેક્સિન સંપૂર્ણપણે સફળ થઈ નહોતી.

દર વર્ષે દસ લાખને ભરખી જતી બીમારી

મેલેરિયાની બીમારી દર વર્ષે વિશ્વના ૧૦ લાખથી વધુ લોકોના જીવ હણી લેનારી એક પ્રકારની મહામારી જ છે, જો કે આ બીમારી પ્રાચીનકાળથી ચાલતી રહી હોવાનું કહેવાય છે, અને તેના જુદા જુદા પ્રકાર પ્રમાણે તેના ઉપચાર થતાં રહ્યા છે, પરંતુ આ બીમારી નાબૂદ થઈ શકી નથી.

એક અંદાજ મુજબ જેટલા મૃત્યુ કોરોનાના કારણે છેલ્લા એક વર્ષમાં થયા છે, તેટલા મૃત્યુ કદાચ આફ્રિકામાં મેલેરિયાથી દર વર્ષે થતા હશે. દર વર્ષે વિશ્વમાં લગભગ પચાસ કરોડ લોકોને મેલેરિયા થતો હોવાનો પણ અંદાજ છે. મેલેરિયાથી મૃત્યુ પામનારા આફ્રિકનોમાં સૌથી વધુ બાળકો અને યુવાનો હોય છે. મેલેરિયા મુખ્યત્વે આફ્રિકા અને એશિયા ખંડોના દેશોમાં વધુ ફેલાતો રહે છે.

મેલેરિયાની સારવારની દવાઓ છે, પણ રસી હવે થશે ઉપલબ્ધ

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરિયાના ઉપચાર માટે ઘણી દવાઓને માન્યતા મળી છે, પરંતુ આજ સુધી મેલેરિયા વિરોધી અસરકારક રસી શોધી શકાઈ નહોતી, જો કે પ્રયાસો સતત ચાલતા રહેતા હતાં.

તાજેતરમાં બહાર આવેલા એક અહેવાલે વૈજ્ઞાનિકો અને તબીબોનો ઉત્સાહ વધારી દીધો છે. દક્ષિણ આફ્રિકાના દેશ બુરછીના કાસોમાં મેલેરિયાની વેક્સિનના વર્ષોથી ચાલી રહેલા પ્રયાસોને સફળતા મળી હોવાના અહેવાલો પણ આવ્યા છે.

ધ લેસેન્ટ જનરલમાં છપાયેલા એક અહેવાલનો સંદર્ભ આપીને આવેલા મીડિયા અહેવાલો મુજબ છેલ્લા એક વર્ષથી થઈ રહેલા પરીક્ષણો પછી મેલેરિયા વિરોધી વેક્સિનને ૭૭ ટકા સફળતા મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો વેક્સિનની સફળતાનો માપદંડ ૭પ ટકા છે, ત્યારે ૭૭ ટકા સફળતા મળી હોય તો મેલેરિયાની આ રસીને હવે ઝડપથી માન્યતા મળી શકે છે. આ પહેલા પણ મેલેરિયાની વેક્સિનના ઘણાં પ્રયાસો થયા, પરંતુ આ વેક્સિનનો સક્સેસ રેટ સૌથી વધુ છે.

કેટલાક પરીક્ષણો પછી મળી શકે છે માન્યતા

આ રસીના કેટલાક પરીક્ષણો પણ થયા હોવાનો દાવો કરાયો છે. પાંચ મહિનાથી ૧૭ મહિના સુધીના બાળકોમાં પરીક્ષણ સફળ થયા પછી વૈજ્ઞાનિકો અને ડોક્ટરો હવે તબક્કાવાર વધુ વયજુથના લોકો પર પ્રયોગ કરી રહ્યા છે, જેના પરિણામો ધાર્યા મુજબના જ આવશે, તેવો વૈજ્ઞાનિકો અને તબીબોને વિશ્વાસ છે, જો એવું થશે તો સદીઓ જુની આ જીવલેણ બીમારીને જડમૂળથી નાબૂદ કરવામાં સફળતા મળશે. દુનિયાભરના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો દાયકાઓથી મેલેરિયાની અસરકારક વેક્સિનની શોધ કરી રહ્યા હતાં. જેને પણ કોરોનાની મહામારી વચ્ચે જ વર્ષ ર૦ર૧ માં આ સિદ્ધિ પ્રાપ્ત થશે, તેમ જણાય છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit