Advertisement

ખેડૂતો પરના પોલીસ કેસ પરત ખેંચવા, વધારાનું વળતર ચૂકવવા કંપની સહમતઃ ખેડૂતોનો વિજય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના જેકેટીએલ કંપની સામેના આંદોલનનો સુખદ અંત

ખંભાળીયા તા. ૨૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતરોમાં વીજપોલ નાંખતી વીજ કંપની જેકેટીએલ વિરૃદ્ધ કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલીયા, જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ દેવુભાઈ ગઢવી, જીવાભાઈ કનારા, ગિરધરભાઈ વાઘેલાની આગેવાની હેઠળ આંદોલન ચાલી રહ્યું હતું.

વીજ કંપનીએ ખેડૂતોને લલચાવી, ધમકાવી, પોલીસ તંત્રનો ખોટો ઉપયોગ કરી વીજપોલ ઉભા કરવાનંું કામ કર્યું હતું. જેમાં ૫૨ માંથી ૪૫ વીજપોલ ઉભા કરી દીધા હતાં. એકલ દોકલ ખેડૂતોએ રજુઆતો કરી પણ તંત્રએ કે કંપનીએ દાદ આપી ન હતી. અંતે કિસાન કોંગ્રેસે લડત ચાલુ કરી હતી. ખેડૂતો દ્વારા દરરોજ આંદોલનમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હતાં. ખેડૂત આગેવાનો સાગરભાઈ રબારી, રાજુભાઈ કપરડાની હાજરીમાં રેલી યોજાઈ હતી.

અંતે કંપનીએ ખેડૂતો સાથે વાટાઘાટો ચાલુ કરવી પડી હતી. જેમાં ખેડૂતો પર ૨૨ લાખના નુકસાનના દાવા સહિતના પોલીસ કેસો પરત ખેંચી લેવા પોલના પ્રકાર પ્રમાણે એ,બી, સી  ધોરણે વળતરમાં વધારો કરી દેવો, ઉપરાંત પાક નુકસાની અંગે વળતર આપવાના મુદ્દાઓ અંગે કંપની સહમત થતાં ખેડૂતોની લડતનો વિજય થયો છે અને આંદોલનનો સુખદ અંત આવ્યો છે. જો કે, ખેડૂતોના ખેતરો ઉપરથી વીજવાયર પસાર થાય છે તેમના વળતર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

ગુજરાતમાં દાખલો બેસે તેવી પહેલી ઘટના છે. ખેડૂતો માટે સંદેશ સમાન ઘટના છે કે જો ખેડૂત સંગઠિત થઈને પણ તો વીજ પોલ ઉભા થઈ ગયા પછી પણ કંપનીઓ ઝૂકી શકે છે. કંપનીઓએ ખેડૂત સાથે સમાધાન કરવા જ પડે એ ઉદાહરણ ગુજરાત કિસાન કોંગ્રેસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પૂરૃં પાડયું છે.

સામાધાન સમયે ખંભાળીયા, ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ઉપસ્થિત રહ્યા હતાં. 'વિક્રમભાઈએ કહ્યું હતું કે... જયારે જયારે ખેડૂતોને અન્યાય થતો હોય ત્યારે કિસાન કોંગ્રેસ હંમેશાં મજબૂતાઈથી ખેડૂતો માટે લડત કરી ખેડૂતોને ન્યાય અપાવ્યો છે. હું પણ ખેડૂત છું ને ખેડૂતોની વેદના સમજુ છું એટલે ખેડૂતોની દરેક લડતમાં જયારે જયાં જરૃર હોય ત્યાં ખેડૂતો સાથે ઉભો છું.... તેમની સાથે જિલ્લા, પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર, ગુલમામદ ખીરા, તાલુકા પંચાયતના સદસ્ય લખનભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતાં.

આ લડતમાં જોડાનાર અને સતત લડત લડનાર પાલભાઈ આંબલિયા, દેવુભાઈ ગઢવી, જીવાભાઈ કનારા, સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડા, માંડણભાઈ ગઢવી, રાજેશ દલવાડી, અજિત કંડોરિયા, ઉમેશ ચોપડા, દેવાતભાઈ ચાવડા, ધવલભાઈ મિસ્ત્રી, રાયદેભાઈ ગઢવીનો ખેડૂતોએ આભાર માન્યો હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit