Advertisement

રાજ્યના ૧૩પ તાલુકામાં મેઘમહેરઃ તા.૨૩ જુલાઈથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેટલાક સ્થળે ભારે વરસાદઃ

અમદાવાદ તા. ર૧ઃ રાજ્યમાં ર૩ જુલાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૩પ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.

રાજ્યમાં વિરામ પછી છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૃ થયો છે, ત્યારે આગામી ર૩ મી જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ ર૦૪.૯૪ મી.મી. એટલે કે સરેરાશ ર૪.૬૪ ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ મંગળવારે ર૧ જિલ્લાના ૬૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરામાં ર કલાકમાં ર અને બોડેલીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઈંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ર૩ મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં ૧૩પ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૩૧ તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં રપ.૪પ ટકા વરસાદ થયો છે. ગત્ વર્ષે ૧૮ જુલાઈ સુધી રાજ્યમાં ૩૬ ટકા વરસાદ થયો હતો. ગત્ વર્ષની સરખામણીએ ૧૩ ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં ૩૯ ટકાની ઘટ છે. રાજ્યમાં ૩૩ માંથી ૩ર જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી ૭૩ ટકા, ગાંધીનગરમાં ૬૯ ટકા તો દાહોદમાં ૬૧ ટકા વરસાદની ઘટ છે. ૯ જિલ્લામાં વરસાદની પ૦ ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લા ૬ વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં સૌથી ઓછો વરસાદ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit