Advertisement

દ્વારકા ગુગળી જ્ઞાતિ પ૦પ સમસ્તની ચૂંટણીમાં પૂર્વ અને વર્તમાન પ્રમુખ વચ્ચે જામશે પ્રતિષ્ઠાનો જંગ

નવયુવાન અખિલ ઠાકર પણ મેદાનમાં...

જામનગર તા. ર૪ઃ ગુગળી બ્રાહ્મણોની વસતિ દ્વારકામાં મુખ્ય વસતિઓ પૈકીમાંની એક છે. 'બ્રાહ્મણોત્પતિ માર્તન્ડ' નામના ગ્રંથના પ્રકરણ ૧ર માં ઉલ્લે મુજબ ભગવાન શ્રીકૃષ્ણે પોતે વસાવેલી દ્વારકા નગરીની ભૂમિ શુદ્ધ કરવા ગુગળી બ્રાહ્મણોને દ્વારકામાં વસાવ્યા છે. એમ કહેવાય છે કે, તે સમયે સ્થાનની શુદ્ધિ માટે બ્રાહ્મણોએ ગુગળનો હોમ કરેલો આથી તેઓ ગુગળી બ્રાહ્મણ કહેવાયા. ગુગળી બ્રાહ્મણોનો સમાજ જુદી-જુદી રીતે મંદિર સાથે સંકળાયેલ છે. ગુગળી જ્ઞાતિ પ૦પ સમસ્તનું સંચાલન કરતી સમિતિની છેલ્લા આશરે પચાસેક વર્ષથી દર પાંચ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. વર્તમાન બોડીની મુદ્ત પૂર્ણ થઈ રહેલ હોય ત્યારે આગામી ૯-૧૦-૧૧ ઓગસ્ટના આગામી ટર્મ માટે ચૂંટણી યોજાનાર હોય, જે અંગે ગુગળી સમાજમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે. આ વખતે પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિતની સામે જ્ઞાતિના પ્રતિષ્ઠિત અગ્રણી તથા પૂર્વ પ્રમુખ પ્રદિપભાઈ ઉપાધ્યાય વચ્ચે મુખ્ય જંગ હોય તેમ મનાઈ રહ્યું છે. તો આ બન્ને ધુરંધરોની સામે બાથ ભીડવા યુવા અનિલ ઠાકરે પણ આ વખતે ઝંપલાવ્યું છે. તો આ બન્ને ધુરંધરોની સામે બાથ ભીડવા યુવા અખિલ ઠાકરે પણ આ વખતે ઝંપલાવ્યું હોય, આગામી સમયમાં ગુગળી સમાજની ચૂંટણી રસપ્રદ બને તેવી પૂરી સંભાવના જોવાઈ રહી છે. દર વખતે પ્રમુખ પદની સાથે સાથે મધ્યસ્થ સભાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા કારોબારી સમિતિના ૧૪ જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે.

દ્વારકાના ગુગળી બ્રહ્મ સમાજની ચૂંટણી કદાચ વિશ્વમાં અજાયબી સમાન જ ગણાશે, કારણ કે વર્તમાનમાં માત્ર ર૮૦૦ આસપાસના જ્ઞાતિના મતદારો દ્વારા કુલ સવા લાખથી વધારે મતો આપી શકાશે. મધ્યસ્થ સભાની કુલ ૬૪ સીટ તેમજ એક પ્રમુખ મળી દરેક મતદાતાને ૬પ મતો આપવાનો અધિકાર મળવા હક્કદાર હોય જે ૬૪ પૈકી ૧૭ સીટો બિનહરીફ થતાં તેમજ એક સીટમાં બિનહરીફ થયેલ ફોર્મ અમાન્ય ઠરતા હવે બાકી રહેલ ૪૬ મધ્યસ્થ સભાની સીટ તેમજ પ્રમુખપદ મળી કુલ ૪૭ ઉમેદવારોને પસંદ કરવામાં આવનાર છે. બહુ જૂજ મતદારો ધરાવતા સમાજની પચાસેક વર્ષથી પરંપરાગત રીતે અને નીતિ નિયમોની ચૂસ્ત અમલવારી સાથે ચાલતી ચૂંટણી પ્રક્રિયામાં દરેક ઉમેદવારને આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને પસંદ કરવાનો મોકો મળે તે કદાચ અજાયબ જ ગણાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુગળી બ્રહ્મ સમાજના દરેક પચાસ મતદારો વચ્ચે એક પ્રતિનિધિ મળી વર્તમાનમાં દરેક કુટુંબોના મળી કુલ ૬૪ સભ્યો અંગે ચૂંટણી યોજાનાર હતી. જે પૈકી ૧૭ સીટો બિનહરીફ તથા એકસીટ અમાન્ય ઠરતા હવે ૪૬ સીટ તથા પ્રમુખપદ મળી કુલ ૪૭ પદ માટે ખરાખરીનો જંગ જામહે. વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિતની પેનલના કુલ ૪૬ ઉમેદવાર તથા પ્રમુખપદે અશ્વિનગુરુ મેદાને છે. તો અગાઉની ટર્મના વિજેતા અને પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા તથા બહોળો રાજકીય અનુભવ તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા પ્રદિપભાઈ ઉપાધ્યાય છે અને સાથે સાથે કુલ ૪૮ જેટલા અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા હોય પ્રમુખપદ ઉપરાંત ૪૬ સીટો માટે કુલ ૯૪ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. પ્રમુખપદે આ વખતે બન્ને મહારથીઓની સાથે બાથ ભીડવા યુવા અગ્રણી અખિલ ઠાકર પણ મેદાને હોય, હાલમાં ગુગળી સમાજમાં ચૂંટણીની ગર્માહટ જોતા આગામી સમયમાં ચૂંટણી રસપ્રદ બને તેવી પૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે.

ગત્ ચૂંટણીમાં કુલ પ૯ ઉમેદવારો મેદાનમાં હતાં અને ર૪૦૦ જેટલા જ્ઞાતિના મતદારો પૈકી રર૦૦ જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી ૯૦ ટકાથી વધુનું મતદાન કર્યું હતું અને અશ્વિનભાઈ પુરોહિતની પેનલ વિજેતા બની હતી. તો એ પહેલાની ટર્મમાં પ્રદિપભાઈ ઉપાધ્યાયની ટીમે જવલંત સફળતા મેળવી હોય, આ વખતની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન હોય, આશરે એક પખવાડિયા પછી તા. ૯/૧૦/૧૧ ઓગસ્ટના યોજાનારી ચૂંટણી અંગે ગુગળી બ્રહ્મ સમાજમાં અત્યારથી જ ચૂંટણી મિટિંગના દોર તથા કુલ ૪૬ પ્લસ પ્રમુખ મળી ૪૭ ઉમેદવારોને પસંદ કરવાની જટિલ પ્રક્રિયા જોતા એક એક વોટ માટે દરેક ઉમેદવારો તેમજ પ્રમુખપદના દાવેદારો દ્વારા તનતોડ મહેનત કરાઈ રહી હોય, આ વખતની ચૂંટણી રસપ્રદ બનશે તે વાત ચોક્કસ છે. ચૂંટણીના પરિણામો ૧૩ મી ઓગસ્ટે સાંજ સુધીમાં જાહેર થાય તે અપેક્ષિત છે.

આ ચૂંટણીમાં ભગવાન પાઢ, કપિલ પાઢ, જયેશ પાઢ, અજીતભાઈ પાઢ, હરિશભાઈ પાઢ, જયેશ પાઢિયા, બદ્રીપ્રસાદ પઢિયાર, બિપિનભાઈ ઠાકર, શ્વેતાંગ ઠાકર, વિજયભાઈ ભટ્ટ, પરેશભાઈ ભટ્ટ, સંદીપ ઉપાધ્યાય, અશ્વિનભાઈ ઉપાધ્યાય, વિરેન્દ્ર ઉપાધ્યાય, યગ્નેશ ઉપાધ્યાય, અશોક ઉપાધ્યાય અને અમર ઉપાધ્યાય એમ ૧૭ ઉમેદવારો બીનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit