જામનગરના રેલવે સ્ટેશનના ઓવરબ્રીજ પરથી યુવાને લગાવી મોતની છલાંગ

જામનગર તા. ૧૦ઃ જામનગરના રેલવે સ્ટેશન પાસેના ઓવરબ્રીજ પરથી ગઈકાલે સવારે જામજોધપુરના સતાપર ગામના એક લોહાણા યુવાને અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવી હતી. આ યુવાનનું બન્ને પગ તેમજ માથા, કપાળમાં ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીકના ઓવરબ્રીજ પર ગઈકાલે સવારે ચાળીસેક વર્ષના એક યુવાન ચઢી ગયા હતાં. તેઓએ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી ટ્રેઈન નીકળે તેની રાહ જોયા પછી ટ્રેક પરથી માલગાડી પસાર થતાં જ આ યુવાને ઓવરબ્રીજ પરથી ટ્રેક તરફ છલાંગ લગાવી હતી.

આ યુવાન ટ્રેનના તોતિંગ એન્જીનની ઠોકરે ચઢયા પછી તેમના બન્ને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ ૧૦૮ ધસી આવી હતી. તેમાં આ ઈજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જી. જી. હોસ્પિટલ પોલીસચોકીના એએસઆઈ મગનભાઈ ચનિયારાએ આ યુવાનનું નિવેદન નોંધવાની તજવીજ કરી હતી. જેમાં તે યુવાનનું નામ માધવ કેતનભાઈ કક્કડ હોવાનું અને તેઓ જામજોધપુર તાલુકાના સતાપર ગામના નિવાસી હોવાનું ખુલ્યું હતું. પગ ઉપરાંત માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. તેમના પિતા કેતનભાઈ રમણિકભાઈ કક્કડનું નિવેદન નોંધી પોલીસે મૃતદેહનું પીએમ કરાવ્યું છે અને આ યુવાને મોતની છલાંગ કેમ મારી? તે બાબતની તપાસ શરૃ કરી છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit