જામનગરમાં ર૪ કલાકમાં કોરોનાથી ચાર મૃત્યુ

મહામારી ફરી વકરતા ત્રણ દિવસમાં કેસો ડબલઃ

જામનગર તા. ર૧ઃ દેશ અને દુનિયાની સાથોસાથ જામનગરમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં સંક્રમિત કેસની સંખ્યા બમણી થવા પામી છે, જ્યારે આજે વધુ ચાર દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

ફરી એક વખત કોરોનાએ ફૂંફાડો માર્યો છે. પરિણામે અમુક શહેરોમાં કર્ફયુ લાગુ કરવાની ફરજ પડી છે. જામનગરમાં પણ ચિંતાજનક રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે. જામનગરમાં આજે વધુ ચાર દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. તો ગઈકાલે જિલ્લામાં ૪૦ લોકો સંક્રમિત બન્યા હતાં. જે આંકડો ત્રણ દિવસ પહેલા ર૦ નો હતો, એટલે કે નવા કેસોની સંખ્યા બમણી થવા પામી છે. ગઈકાલના નવા ૪૦ કેસમાં મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૮ અને ગ્રામ્ય વિસ્તારના રર કેસનો સમાવેશ થાય છે.

તો ગઈકાલે ૩૧ દર્દીઓની તબિયત સારી થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારના ૧૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૪ કેસનો સમાવેશ થાય છે.

ગઈકાલની સ્થિતિએ કુલ ૧૦૯ એક્ટિવ કેસ હતાં જેમાં મહાનગરપાલિકા વિસ્તારના પપ અને ગ્રામ્ય વિસ્તારના પ૪ કેસનો સમાવેશ થાય છે.

જામનગર શહેરના ૧,૦૬,૬પ૬ અને ગ્રામ્ય વિસ્તારના ૧,૧૮,૮રર લોકો મળી કુલ ર,રપ,૪૭૮ લોકોનું કોરોના લક્ષી પરીક્ષણ કરવામાં આવ્યું છે.જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ અને નોનકોવિડ મળી કુલ ૮૯૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જો કે સત્તાવાર રીતે કોવિડમાં કુલ ૩પ દર્દીના મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે.

ખંભાળિયાના ઈન્દુબેન જટણિયાનું અવસાન થતાં શોકની લાગણી ફેલાઈ

જામ-ખંભાળિયાના લોહાણા વ્યાપારી જયસુખભાઈ જટણિયાના પત્ની અને જામનગરના નવિન હિંડોચાના બહેન ઈન્દુબેનનું કોરોનાની બીમારીના કારણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતા શોકની લાગણી ફેલાવા પામી છે.

close
Ank Bandh
close
PPE Kit