જી.જી. હોસ્પિટલમાં લોકડાઉનથી અત્યાર સુધી ૧૬ હજારથી વધુ નોન-કોવિડ સર્જરી સંપન્ન

જામનગર તા. ૧૬ઃ  જામનગરમાં હાલ કોરોના સંક્રમણ ખૂબ જ વધ્યું છે. અત્ર-તત્ર-સર્વત્ર જ્યારે કોરોના મહામારીની સામે લડત આપવાની કામગીરી કરાઈ રહી છે પરંતુ સાથે જ નોન કોવિડ દર્દીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે ત્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોવિડ સિવાયના દર્દીઓ કે જેઓ પોતાની અન્ય મુશ્કેલીઓ લઈને આવ્યા છે તેઓને પણ સતત તેમના દર્દમાંથી મુક્ત કરવા માટે ડોક્ટરો દ્વારા પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે. કોવિડ દરમિયાનમાં પણ જી.જી.હોસ્પિટલ દ્વારા અન્ય દરેક વિભાગની નોંન કોવિડ કામગીરી પણ સતત કાર્યરત રાખવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો જ્યારે દર્દીઓને ના પાડી રહી છે ત્યારે જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની દરકાર લેવાઇ રહી છે.

આવા જ એક દર્દી જામનગરના અમીનાબેન હનીફભાઈ સમાનું હાથનું હાડકું ભાગી ગયું હતું તેઓ ખાનગી હોસ્પિટલમાં ગયા તો ત્યાં તેમને તપાસ માટેની ના પાડવામાં આવી પરંતુ જી.જી.હોસ્પિટલમાં આવતા જ તેમને ઓર્થોપેડિક ઓપીડીમાં ચેક કરવામાં આવ્યા. જ્યાં તેમના હાથમાં પ્લેટ નાખવાની આવશ્યકતા છે તેવું ડોક્ટરે પરિવારજનોને જણાવ્યું હતું. હાથમાં નાખવાની પ્લેટ અમદાવાદથી લાવવામાં આવે છે, તેને મંગાવી તુરત જ ઓપરેશનની તારીખ નક્કી કરવામાં આવી.

ઓપરેશન બાદ હાલ અમીનાબેનની આ તકલીફ દૂર છે. ત્યારે અમીનાબેન કહે છે કે, કોરોના મહામારીમાં પણ ડોક્ટરોએ તાત્કાલિક મારી સારવાર કરી, મારી તકલીફને દૂર કરી એ માટે ડોક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું.

તો અમીનાબેનની પુત્રી રુકસાનાએ આ મહામારીના સમયમાં પણ સરકારની સેવાઓ નાગરિકોને તાત્કાલિક મળી રહે છે તે માટે સરકારનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે, મારી માતાના હાથમાં હાડકું ભાંગી ગયું હતું. ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે ના પાડી ત્યારે જી.જી.હોસ્પિટલમાં આવી અને ડોક્ટરે તપાસ કરાવતાં હાથમાં પ્લેટ નાખવાની આવશ્યકતા વિશે જણાવ્યું અને અમદાવાદથી લાવવાની પ્લેટ પણ તાત્કાલિક મંગાવી. આ હોસ્પિટલમાં મારી માતાને ખૂબ સારી સારવાર મળી. કોરોનાના સમયમાં જ્યારે બધા ડોક્ટરોનું ધ્યાન માત્ર તેના તરફ છે ત્યારે મારી માતા જેવા અનેક દર્દીઓ કે જેઓને બીજી તકલીફો છે. તેઓને પણ સરકારી હોસ્પિટલની સુવિધાઓ સારી રીતે મળી રહી છે તે માટે  ડોક્ટરોનો અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી હાલ સુધીમાં કોરોનાના કપરા કાળમાં પણ ૩૫૭૮ મેજર સર્જરીઓ અને ૧૨,૫૧૪ માઇનોર સર્જરીઓ મળી કુલ ૧૬,૦૯૨ નોન-કોવિડ ઓર્થોપેડિક સર્જરીઓ કરાઇ છે. ત્યારે દિવસ-રાત દર્દી નારાયણની સેવામાં રત રહેતા ડોક્ટરોને સો- સો સલામ.

close
Ank Bandh
close
PPE Kit