વકીલની ઓફિસમાં તસ્કરનો હાથફેરોઃ અડધા લાખની મત્તા ગઈ

જામનગર તા. ૧૫ઃ જામનગરના જામવણથલી ગામમાં સોનીની એક દુકાનમાં ત્રાટકેલા તસ્કરે ચાંદીના દાગીના વિગેરેની ચોરી કરી છે જ્યારે રવિવારે રાત્રે વકીલની ઓફિસમાંથી બે લેપટોપ અને રોકડ સહિતની મત્તા ચોરાઈ ગઈ છે.

જામનગર તાલુકાના જામવથલી ગામમાં રહેતા અને ત્યાં જ સોની કામની દુકાન ધરાવતા સુરેશભાઈ વલ્લભભાઈ પાલા ગઈ તા. ૯ના દિને બહારગામ ગયા હતાં તે દરમ્યાન સવારના દસ વાગ્યાથી બીજા દિવસની સવાર સુધીમાં તેઓની દુકાનમાં ચોરી થઈ હતી.

દુકાનનું શટર તોડી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ અંદર ખાંખાખોળા કરી ટેબલના ખાનામાંથી ચાંદીના છતર, સિક્કો, સડા, માદરડી તેમજ ગ્રહોના નંગ મળી કુલ રૃા. ૧૨,૪૫૦ની મત્તા ચોરી કરી લીધી હતી. જેની સુરેશભાઈએ સોમવારે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના લાલબંગલા સર્કલમાં આવેલા રણજીત ટાવરમાં ઓફિસ ધરાવતા એડવોકેટ હેમાંશુભાઈ કિશોરભાઈ સોલંકીની ઓફિસમાં રવિવારે સાંજે ચાર વાગ્યાથી સોમવારે સવારે સાડા નવ વાગ્યા દરમ્યાન કોઈ તસ્કર મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘૂસી ગયો હતો. તસ્કરે તે ઓફિસમાંથી રૃા. ૨૦,૦૦૦ની કિંમતનું એક, રૃા. ૧૦,૦૦૦ની કિંમતનું બીજુ લેપટોપ અને રૃા. ૧૯,૦૦૦ની રોકડ રકમ તફડાવી લીધી હતી. જેની સોમવારે જાણ થતા વકીલે હેમાંશુભાઈએ ફરિયાદ નોંધાવી છે.

 

close
Ank Bandh
close
PPE Kit