| | |

ચીનનો પાકિસ્તાનને જબરો ઝટકોઃ કાશ્મીર મુદ્દાને ગણાવ્યો દ્વિપક્ષિય

નવી દિલ્હી તા. ૯ઃ ચીને પાકિસ્તાનને જબરો ઝટકો આપ્યો છે. ઈમરાનખાન ચીનની મુલાકાતે ગયા છે, ત્યારે જ ચીને યૂ-ટર્ન લઈને કાશ્મીર મુદ્દાને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષિય મુદ્દો ગણાવ્યો છે.

એપીજીના નેગેટિવ રિપોર્ટ પછી એક તરફ પાકિસ્તાન પર એફએટીએફ દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકવાની તલવાર લટકી રહી છે, ત્યારે બીજી તરફ ચીને કાશ્મીર મુદ્દે પલટી મારતા આ મુદ્દે વૈશ્વિક કક્ષાએ જે એક દેશ જાહેરમાં પાક.નું સમર્થન કરતો હતો, તે પણ ખસી ગયો છે, તેથી કહી શકાય કે ચીનની ચબરાકીના કારણે પાક.ને બેસવાની એક માત્ર ડાળ પણ હાલપૂરતી તૂટી ગઈ છે.

એવા અહેવાલો આવ્યા છે કે ચીને કાશ્મીર મુદ્દે પોતાનું વલણ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષિય રીતે ઉકેલ લાવવો જોઈએ. આ પહેલા ચીને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ આ મુદ્દો ઉકેલવાની વાત કરી હતી. હવે આ મુદ્દો દ્વિપક્ષિય હોવાના ભારતના વલણ સાથે સહમત થઈને ચીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આમ પાકિસ્તાનની માઠી દશા ચાલી રહી હોય તેમ જણાય છે. ચીનનું વલણ બદલ્યું તેની પાછળ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારતની સંભવિત મુલાકાત હોઈ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ દરમિયાન જો કે જિનપિંગના પ્રવાસ અંગે કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ ચીનના સત્તાવાર સૂત્રો મુજબ આજે બપોરે દિલ્હી અને બેઈજીંગમાં એક સાથે જાહેરાત થઈ શકે છે.

પત્રકાર પરિષદમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુસાંગે કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચે સંવાદની પ્રથા હંમેશાં રહી છે. બન્ને વિકાસશીલ દેશો વચ્ચે ગત્ વર્ષે વુહાનમાં થયેલી અનૌપચારિક વાતચીત પછી સંબંધોને નવી ગતિ મળી છે, અને મતભેદો ઉકેલવા માટે દ્વિપક્ષિય સહયોગ વધી રહ્યો છે. ઈમરાન ખાન ત્રણ દિવસ પહેલા ચીનના પ્રવાસે ગયા છે, તે પહેલા સોમવારે પાક. સેનાના વડા કમર જાવેદ બાજવા પણ ચીનમાં હતાં. આ વર્ષે ઈમરાન ખાન ત્રીજી વખત ચીન ગયા છે. ઈમરાન ખાન એફએટીએફ દ્વારા બ્લેકલિસ્ટમાં મૂકવા સામે ચીન પાસે કાકલૂદી કરવા ગયા છે. તેવા સમયે જ કાશ્મીર મુદ્દે પલી મારી, તે ઘણું સૂચક છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit