Advertisement
Author: નોબત સમાચાર

સાધનાકોલોનીમાં ગુજરીબજારમાં વેપારી પર હુમલા પછી અફડાતફડીઃ બંધ પળાયો

હિન્દુ સેના તથા વેપારીઓની ગુજરીબજાર બંધ કરાવવા માંગણીઃ સામસામી ફરિયાદ થઈઃ

જામનગર તા.૧૧: જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં ભરાતી મંગળવારી ગુજરી બજારમાં ગઈકાલે બપોરે એક વેપારી પર ત્રણ શખ્સે હુમલો કર્યા પછી ત્યાંના વેપારીઓએ એસપીને આવેદન પાઠવી ગુજરીબજાર કાયમી ધોરણે બંધ કરાવવા માંગણી કરી ત્યાં ચોક્કસ બિરાદરીના લોકોની લુખ્ખાગીરી અંગે ઉગ્ર રજૂઆત કરી છે. સામાપક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ કરી છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગેઈટ નં.ર પાસે ભરાતી મંગળવારી ગુજરી બજારમાં ગઈકાલે બપોરે બઘડાટી બોલી હતી. જેમાં મહેશભાઈ પરમાણંદ ગોપલાણી નામના યુવાન પર ત્રણ શખ્સે હુમલો કરી ઈજા પહોંચાડતા વાતાવરણ ગરમાયું હતું.

આ યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગુજરી બજારમાં સ્ટ્રોબેરીની રેંકડી રાખતા મહંમદહુસેન અબ્દુલ ઘાણીવાલા તથા ગરમ ટોપીની રેંકડી રાખતા યુસુબ હુસેન મહેતાજી નામના શખ્સો પાસે વસ્તુ લેવા જતાં મહેશભાઈ પર બોલાચાલી પછી આ બંને શખ્સો તથા એક અજાણ્યા શખ્સે હલ્લો કર્યાે હતો. મહંમદે કાન પાસે બચકું ભરી લીધુ હતું તે પછી યુસુબ તથા અજાણ્યા શખ્સે ઢીકાપાટુ મારી મહેશભાઈને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ વેપારીને સારવારમાં ખસેડાયા તે દરમિયાન ગુજરીબજારમાં આવી રીતે ચોક્કસ બિરાદરીના લોકો અવાર નવાર વરવી દાદાગીરીનું પ્રદર્શન કરતા હોય ત્યાંના વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દઈ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યાે હતો.

બનાવની જાણ થતાં જામનગર હિન્દુ સેનાના અગ્રણીઓ તેમજ આ વિસ્તારના નગરસેવક દોડી આવ્યા હતા. તેઓએ આવારા તત્ત્વોના ત્રાસમાંથી વેપારીઓને બચાવવા રજૂઆત કરી છે. હિન્દુ સેનાના સૈનિકોએ પણ મંગળવારી ગુજરીબજાર બંધ કરી દેવા તેમજ આવા લુખ્ખાઓને સબક શીખડાવવાની માંગણી કરી છે અને જો તેમ કરવામાં ન આવે તો હિન્દુ સેનાએ ગંભીર પગલાં ભરવાની ચીમકી પણ આપી છે.

હુમલાનો ભોગ બનનાર વેપારી મહેશભાઈએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષના મહંમદહુસેન અબ્દુલ સફર ઘાણીવાલાએ વળતી ફરિયાદ કરી છે. તેણે જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે તેની ફળની રેંકડીએ આવેલા મહેશ પરમાણંદે ભાવ બાબતે બોલાચાલી કર્યા પછી મહેશ તથા બે અજાણ્યા શખ્સે બરફ કાપવાના સુયા તથા ધોકા વડે હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.

ત્યારપછી ગઈકાલે સાંજે સાધના કોલોની વેપારી મંડળે જિલ્લા પોલીસવડાને આવેદન આપી જણાવ્યું છે કે, વેપારી મહેશભાઈ પરમાણંદ પર થયેલા હુમલામાં સંડોવાયેલા શખ્સોને તાત્કાલિક પકડી પાડી સાધનાકોલોનીમાં વધેલા અસામાજિક તત્ત્વોના ત્રાસને નિવારવાની માંગણી કરી છે. તે ઉપરાંત સાધનાકોલોનીમાં ભરાતી ગુજરી બજારના કારણે ટ્રાફિકજામ તેમજ ચોરીના બનાવો વધવા ઉપરાંત વેપારીઓ સાથે માથાકૂટના બનાવો પણ બન્યા છે તેથી મંડળના પ્રમુખ અશોકભાઈ ચાંદ્રા તથા અન્ય હોદ્દેદારોએ ગુજરીબજાર બંધ કરાવવા તથા હુમલાખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh