કૂવામાં ખાબકી ગયેલી તરૃણીને બચાવવા યુવાન કૂદયોઃ બન્નેના મૃત્યુ

જામનગર તા. ૧૪ઃ કાલાવડના નવાગામમાં આવેલા એક ખેતરમાં ગઈકાલે માતા-પિતા સાથે મજુરીકામે ગયેલી એક તરૃણી અકસ્માતે કૂવામાં ખાબક્યા પછી તેણીને બચાવવા અન્ય આદિવાસી યુવાન કૂવામાં કૂદી ગયો હતો. બન્ને વ્યક્તિના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે આ બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.

કાલાવડ તાલુકાના નવાગામમાં ખેતર ધરાવતા જમનભાઈ રાઘવજીભાઈ સાવલીયાના ખેતરમાં પ્રવિણભાઈ બરજોડ તથા તેમના પત્ની મજુરીકામે જતા હતાં. આદિવાસી શ્રમિક દંપતી સાથે ગઈકાલે તેમની ૧૫ વર્ષની પુત્રી કાજલ પણ ખેતરે ગઈ હતી. તે દરમ્યાન ગઈકાલે બપોરે એકાદ વાગ્યે અકસ્માતે કાજલ ખેતરમાં જ આવેલા કૂવામાં પડી જતા આ વેળાએ તે ખેતરમાં મજુરીકામ કરતો નિલેશ મુકેશભાઈ ચારેલ (ઉ.વ. ૨૧) નામનો યુવાન તેણીને બચાવવા માટે કૂવામાં ખાબક્યો હતો.

ઉપરોક્ત યુવક તથા કિશોરી કૂવાના પાણીમાં ગરક થયા પછી લાંબા સમય સુધી બહાર ન નીકળતા ખેતરમાં હાજર લોકોએ બૂમાબુમ કરી મૂકી હતી. જેના પગલે નવાગામમાંથી અન્ય વ્યક્તિઓ પણ દોડી આવ્યા હતાં. બધાએ લાંબી જહેમતના અંતે કૂવામાંથી કાજલ તથા નિલેશને બહાર કાઢ્યા હતાં. તે વેળાએ બન્ને વ્યક્તિ વધુ પડતું પાણી પી જવાના કારણે બેશુદ્ધ બની ગયા હોય ખાનગી વાહનમાં કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમ્યાન કાજલ તથા નિલેશના મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે.

ઉપરોક્ત બનાવ અંગે મુકેશભાઈ રંગજીભાઈ ચારેલે પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસના જમાદાર વી.ડી. ઝાપડીયાએ બન્ને મૃતદેહને પીએમ માટે ખસેડી મુકેશભાઈનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે નાનકડા એવા નવાગામમાં ચર્ચા જગાવી છે.

close
Ank Bandh
close
PPE Kit