Advertisement
Author: નોબત સમાચાર

દિવાળી ચાર દિ'માં હોવા છતાં ફટાકડા બજારની તૈયારી ધીમીઃ નગરમાં ૩૮ વિતરકોને પરવાનો

લાયસન્સ માટે ૧૧૦ અરજીઓ આવી છે, અન્યની પ્રક્રિયા ચાલુ છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: દિવાળીને ચાર દિવસ બાકી છતાં જામનગરમાં ફટાકડા બજારની તૈયારીઓ ધીમી ગતિએ ચાલી રહી છે. રંગમતીના પટમાં મહાનગરપાલિકાના ફટાકડા બજારને મંદ પ્રતિસાદ મળી રહ્યા છે. ૪૦ પ્લોટ સામે માત્ર ૧૨ વેપારીઓએ રસ દાખવ્યો છે. બીજી તરફ જામનગર શહેરમાં ફટાકડા વેચાણના લાયસન્સ માટે વહીવટી તંત્રને મળેલી કુલ ૧૧૦ અરજીઓ પૈકી ૩૮ને લાયસન્સની મંજૂરી અપાઈ છે. અન્યની પ્રક્રિયા ચાલુ છે.

દિવાળીના પર્વને હવે ગણતરીના ચાર દિવસ બાકી રહૃાા છે ત્યારે જામનગરમાં ફટાકડા બજાર શરૂ કરવાની તૈયારીઓ હજુ જોઈએ તેવી ગતિ પકડી શકી નથી. એક તરફ ફટાકડાના વેચાણ માટે વેપારીઓ દ્વારા લાયસન્સ મેળવવાની દોડધામ ચાલી રહી છે, તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં ફટાકડા બજાર ઊભું કરવાની કરવામાં આવેલી જાહેરાતને વેપારીઓ તરફથી મંદ પ્રતિસાદ સાંપડ્યો છે. મહાનગરપાલિકા દ્વારા ૪૦ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર ૧૨ જેટલા વેપારીઓએ જ સ્ટોલ ઊભા કરવામાં રસ દાખવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના અભિગમ સાથે રંગમતી નદીના પટમાં અલગ ફટાકડા બજાર ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે નદીના પટમાં સ્થળ નક્કી કરીને અંદાજે ૪૦ જેટલા પ્લોટનું માર્કિંગ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવાર દરમિયાન એક જ સ્થળે ફટાકડાનું બજાર ઉપલબ્ધ બને અને લોકોને ખરીદીમાં સુવિધા રહે તેવા હેતુથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

જોકે, વેપારીઓ તરફથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી અને અત્યાર સુધીમાં માત્ર ૧૨ જેટલા વેપારીઓએ જ પ્લોટ મેળવવા માટે રસ દાખવ્યો હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ કરવા માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. શહેરમાં કાયમી તેમજ હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા માટે આશરે ૧૧૦ જેટલી અરજીઓ રજૂ કરવામાં આવી છે. આ પૈકી ૩૮ અરજીઓને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે, જ્યારે બાકીની અરજીઓની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા હજુ બાકી છે.

દિવાળીને ગણતરીના દિવસો બાકી હોવાથી લાયસન્સ મેળવવા માટે વેપારીઓમાં પણ દોડધામ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા રંગમતીના પટમાં તૈયાર કરવામાં આવેલા પ્લોટ બહારગામથી આવતા ફટાકડાના વેપારીઓ માટે પણ ફાળવવાનું આયોજન છે. વેપારીઓએ નિયત રકમ મહાનગરપાલિકામાં જમા કરાવ્યા બાદ ડ્રો મારફતે પ્લોટની ફાળવણી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જો કે, પ્લોટ ફાળવણી અને ફટાકડાના વેચાણ માટે જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અલગ હોવાથી વેપારીઓએ બંને પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બની છે.

દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાની ખરીદી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમાટ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે દિવાળીના ચાર દિવસ પૂર્વે પણ ફટાકડા બજારની તૈયારીઓ અને લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી.

એક તરફ ૪૦ પ્લોટ સામે માત્ર ૧૨ વેપારીઓનો રસ અને બીજી તરફ ૧૧૦ અરજીઓ સામે માત્ર ૩૮ને મંજૂરી મળતાં ફટાકડા બજારની શરૂઆત અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હવે બાકી રહેલી અરજીઓની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે તથા ફટાકડાના સ્ટોલ ક્યારથી ધમધમતા થાય છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર મંડાયેલી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh