Advertisement

સુપ્રિમ કોર્ટે અરજી ફગાવતા વોડાફોન-આઈડિયાને કમરતોડ ફટકો

નવી દિલ્હી તા. ર૪ઃ સુપ્રિમ કોર્ટે એજીઆર મામલે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દેતા વોડાફોન-આઈડિયાને ફટકો પડ્યો છે, અને અસ્તિત્વ ટકાવી રાખવા ફાંફા પડી ગયા છે. તમામ દરવાજાઓ બંધ થઈ ગયા હોવાથી આ કંપનીઓ ફડચામાં જાય તેમ જણાય છે, જો કે બીજી કંપનીઓને પણ માઠી અસર થવાની છે.

સુપ્રિમ કોર્ટે ગઈકાલે વોડાફોન આઈડિયા, ભારતીય એરટેલ સહિતની ટેલિકોમ કંપનીઓ દ્વારા સરકારને ચૂકવવાના થતા એજીઆર પેટેના બાકી લેણાની ગણતરીમાં કથિત ભૂલો થઈ હોવાનો આરોપ મૂકતી અરજીઓ ફગાવી દેતા આ કંપનીઓને માઠી અસર થઈ છે. વોડાફોન આઈડિયાએ પ૮,૭પ૪ કરોડ, એરટેલે ૪૩,૯૮૦ કરોડ, આરકોમે ર૪,૧૯૪ કરોડ, ટાટા ટેલિકોમે ૧ર,૬૦૧ કરોડ અને એરસેલે ૧ર,૩૮૯ કરોડ ચૂકવવાના થાય છે. સુપ્રિમ કોર્ટે એજીઆર મામલે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દેતા ભારે દેવામાં ડૂબેલ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાની મુશ્કેલી વધતી જાય છે.

કોર્ટે અરજી ફગાવી દેતા વોડાફોન આઈડિયાની ફંડ મેળવવાના પ્રયાસોને અસર થઈ શકે છે. વોડાફોન આઈડિયા પાસે હવે કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી, તેમ નિષ્ણાતો માને છે. તેઓના અભિપ્રાય મુજબ ટેલિકોમ માર્કેટમાં જારી સ્પર્ધાને જોતા કંપની હાલ ટેરીફ વધારવાની સ્થિતિમાં નથી. એવામાં જો સરકાર તરફથી કોઈ મોટું રાહત પેકેજ નહિં મળે તો આવતા વર્ષે એપ્રિલ પછી આ કંપનીએ પોતાનું વજુદ ટકાવવાનું મુશ્કેલ બનશે.

અમેરિકાની રિસર્ચ ફર્મ વિલિયમ ઓનિલ એન્ડ કંપનીની ભારતીય યુનિટમાં રિસર્ચના હેડ મયુરેશ જોષીનું કહેવું છે કે, વોડાફોન આઈડિયા પાસે વિકલ્પ ઝડપથી ઘટી રહ્યા છે. એજીઆર પર સુપ્રિમ કોર્ટના ફેંસલાથી કંપનીની ફંડ મેળવવાની તૈયારીને અસર થઈ શકે છે. તેમ એક અંગ્રેજી અખબારનો અહેવાલ જણાવે છે.

કંપનીએ આવતા વર્ષે એપ્રિલ સુધીમાં ર૪,૦૦૦ કરોડ ચૂકવવાના છે અને ફંડીંગ વગર તે પૂરા કરવાનું મુશ્કેલ છે. જો કંપની પાસે બધા વિકલ્પો બંધ થઈ જાય તો પછી ટેલિકોમ સેક્ટરમાં માત્ર બે જ કંપનીઓ એટલે કે રિલાયન્સ જીયો અને એરટેલ બચી જશે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે વોડાફોન અને એરટેલની અરજી ફગાવી દીધી હતી. આ કંપનીઓએ ટેલિકોમ વિભાગ દ્વારા એજીઆર ગણતરીમાં સુધારા માટે અરજી દાખલ કરી હતી, તેવો અભિપ્રાય અપાયો છે.

એક ગ્લોબલ બ્રેકરેજના વિશ્લેષકનું કહેવું છે કે, વોડાફોન આઈડિયા ટૂંક સમયમાં જ ફડચામાં જાય એટલે કે દેવાળુ ફૂંકવા તરફ આગળ વધી શકે છે, કારણ કે એજીઆર પેન્ડીંગના મામલામાં તેની પાસે વિકલ્પો પૂરા થઈ ગયા છે. કોર્ટના ફેંસલા પછી સંભવિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ પણ ફંડીંગ આપવાનું વચન પરત લઈ લે તેવી શક્યતા છે. કંપની ઉપર ૧.૮૦ લાખ કરોડ રૃપિયાનું દેવું છે, જ્યારે માત્ર ૩પ૦ કરોડ રૃપિયાની જ કેશ બેલેન્સ છે.

કંપની છેલ્લા ૧૦ મહિનાથી રપ,૦૦૦ કરોડ રૃપિયા મેળવવાના પ્રયાસમાં છે, પરંતુ પ્રયાસ સફળ થયો નથી. કંપનીએ ફંડ માટે ઓકહીલના નેતુત્વવાળા કન્સોર્ટીયમ અને અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટિ ફર્મ કેકેઆર અને એપોલો ગ્લોબલ સાથે પણ વાત કરી હતી. કંપની ઉપર પ૮,રપ૪ કરોડ રૃપિયાનું એજીઆરનું દેવું છે. કંપનીએ ૭૮પ૪ કરોડ રૃપિયા ચૂકવ્યા છે. બાકીની રકમ તેણે ર૦૩૧ સુધીમાં ૧૦ હપ્તામાં ચૂકવવાની છે. વોડાફોને ચોથા ત્રિમાસિક પરિણામની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે, તેણે સુપ્રિમ કોર્ટથી રાહત મળવાની શક્યતા છે. આનાથી તેનું એજીઆર અડધું થઈ જશે. ગઈકાલે સુપ્રિમના આદેશ પછી વોડાફોન આઈડિયાના શેરના ભાવ પણ ઘટી ગયા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit