વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયેલા નગરના આસામીએ ઝેર ગટગટાવ્યુ

જામનગર તા. ૧૫ઃ જામનગરના એક આસામીએ બે શખ્સ પાસેથી રૃા. દોઢ લાખ ઉપરાંતની રકમ વ્યાજે લીધા પછી દોઢ વર્ષ સુધી વ્યાજ ભરી મુદ્દલ પણ પરત કરી દીધું હોવા છતાં તે આસામીને વ્યાજ બાબતે ધમકીઓ અપાતા આ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી છે. પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરની નંદનવન સોસાયટીમાં ગજાનન કોલોનીમાં રહેતા ભરતભાઈ ડાહ્યાભાઈ મકવાણાએ પોતાની આર્થિક જરૃરિયાત માટે થોડા વખત પહેલાં ગોકુલનગરવાળા મેરાભાઈ આહિર પાસેથી રૃા. ૫૦,૦૦૦ અને શિવુભા ઝાલા પાસેથી રૃા. ૧,૧૦,૦૦૦ વ્યાજે લીધા હતાં. આ રકમનું દોઢેક વર્ષ સુધી વ્યાજ ભર્યા પછી ભરતભાઈએ મુડી પણ પરત કરી દીધી હતી.

આમ છતાં અવારનવાર વ્યાજની માંગણી કરી મેરાભાઈ તથા શિવુભાએ ગાળો ભાંડી હતી. વિષચક્રમાં ફસાઈ ગયેલા ભરતભાઈએ વ્યાજ તથા મુદ્દલ બન્ને ચૂકવાઈ ગયા હોવાનું કહેવા છતાં પઠાણી ઉઘરાણી કરી બન્ને શખ્સો ફોન પર કે રૃબરૃ મળી પૈસા માગી ગાળો ભાંડતા હતાં.

અનુસુચિત જાતિના ભરતભાઈને ઉપરોક્ત ત્રાસથી કંટાળો આવી જતા તેઓએ સોમવારે સાંજે મયુર ગ્રીન સોસાયટી પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવારમાં ખસેડાયેલા ભરતભાઈનું પોલીસે નિવેદન નોંધ્યા પછી મેરાભાઈ તથા શિવુભા સામે એટ્રોસિટી એક્ટ, આઈપીસી તેમજ નાણાધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit