અમદાવાદમાં કર્ફયુના કડક અમલના કારણે સન્નાટોઃ માર્ગો સુમસામઃ સતત પોલીસ પેટ્રોલીંગ

ગઈકાલે રાતથી પ૭ કલાક સુધી સંચારબંધીઃ

અમદાવાદ તા. ર૧ઃ અમદાવાદમાં ગઈકાલની રાતથી કર્ફયુનો કડક અમલ શરૃ થતા આજે મહાનગર સુમસામ છે અને બજારો-માર્ગો પર સન્નાટો છવાયો છે. પબ્લિક પરિવહન પણ બંધ છે અને સતત પોલીસ પેટ્રોલીંગ ચાલુ છે.

અમદાવાદમાં ગઈકાલ રાતથી કર્યુનો અમલ શરૃ થઈ ગયો છે. લોકો પોતાના જરૃરી કામ પતાવીને સમયસર ઘરભેગા થઈ ગયા હતાં, અને નવ વાગ્યા સુધીમાં તો શહેર આખું ય સુમસામ થઈ ગયું હતું અને રસ્તા પર પોલીસ અને એકલદોકલ વાહનોને બાદ કરતા ભાગ્યે જ કોઈ જોવા મળતું હતું.

શહેરમાં આ જ સ્થિતિ સોમવારે સવારે છ વાગ્યા સુધી રહેવાની છે. શુક્રવારે આખો દિવસ અમદાવાદ શહેર પોલીસની વાનો વિવિધ વિસ્તારોમાં ફરી હતી, અને લાઉડ સ્પિકર દ્વારા લોકોને કર્ફયુની જાણકારી આપીને ઘરની અંદર જ રહેવા માટે જણાવાયું હતું. શહેરના ધમધમતા માર્ગો ખાલી જણાય રહ્યા છે. બજારો-ઓફિસો સજ્જડ બંધ છે. વાહનોની ઘરઘરાટી પણ સંભળાતી નથી. પોલીસનું કડક પેટ્રોલીંગ ચાલું છે. કર્ફયુના દિવસોમાં ટ્રેનો અને ફ્લાઈટ્સના સમયમાં કોઈ ફેરફાર નથી કરાયો.

જો કે, રિક્ષા કે ટેક્સી મેળવવામાં લોકોને તકલીફ થાય તેવી શક્યતા હોવાથી તેના માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. જે લોકો શનિ-રવિના દિવસોમાં એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ઉતરવાના છે તેમના માટે એએમટીએસ-બીઆરટીએસની સ્પેશ્યલ બસો તૈયાર કરવામાં આવશે. ફ્લાઈટ કે ટ્રેન આવવાના હોય ત્યારે આ બસો રેલવે કે એરપોર્ટ પરથી ઉપડી અમદાવાદના વિવિધ સ્થળો પર જવા રવાના થશે. આ સિવાય રેગ્યુલર રીતે ચાલતી એએમટીએસ અને બીઆરટીએસની સુવિધા બંધ રહેવાની છે.

અચાનક લાદવામાં આવેલા બે દિવસના કર્ફયુને કારણે અમદાવાદમાં રીતસરનો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સીએ સહિતના કેટલાક સ્ટુડન્ટ્સની પરીક્ષા પણ આ બે દિવસમાં યોજાવાની છે. શહેરમાં ૧૬૦૦ જેટલા લગ્નપ્રસંગો પણ છે, જો કે સરકારે તેમાં થોડી છૂટ આપી છે. સ્ટુડન્ટ્સ આઈકાર્ડ, હોલ ટિકિટ કે પરીક્ષાની રિસિપ્ટ બતાવી સેન્ટર પર પહોંચી શકશે. લગ્નપ્રસંગમાં થોડાક મહેમાનોને છૂટ અપાઈ છે, પરંતુ તેમને કંકોત્રી સાથે રાખવાની રહેશે. મરણપ્રસંગમાં પણ ર૦ લોકો ભેગા થઈ શકશે. આજે અને કાલે શાકમાર્કેટ, મોલ્સ, કરિયાણા સહિતની બધી જ દુકાનો અને સ્ટોર્સ બંધ રહેવાના છે.

જો કે, દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. ગઈકાલે લોકોએ કર્ફયુ પહેલા કરિયાણું અને શાકભાજી ખરીદવા માટે રીતસરની પડાપડી કરી હતી, જેના કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો બટાકા-ડુંગળી સો રૃપિયે કિલોના ભાવે વેંચાયા હતાં. ઘણી દૂધની દુકાનોમાં સવાર-સવારમાં જ સ્ટોક ખતમ થઈ ગયો હતો. કર્ફયુ માત્ર બે દિવસનો હોવા છતાંય લોકો લોકડાઉન આવી જશે તેવા ડરે ખરીદી કરવા ઉટી પડ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit