'મેગા-રિયુનિયન-૨૦૨૦'ઃ ડોક્ટરોના સેવાદાનને બિરદાવતા હકુભા

જામનગર તા. ૧પઃ જામનગરમાં એમ.પી. શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના મેગા-રિયુનિયન-ર૦ર૦ ના ત્રિ-દિવસીય સમારોહના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડોક્ટરોના સેવાદાનને બિરદાવ્યા હતાં. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે મેડિકલ કોલેજના ડીન અને આયોજન કમિટીના સભ્યોને મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડોક્ટરોને સંબોધન કરતા કહ્યું હતું કે, ભગવાનના મંદિર પછી માણસ માટે બીજો ભગવાન ડોક્ટર જ છે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમ ખૂબ જ સરાહનિય રીતે પૂર્ણ થયો તે માટે સંપૂર્ણ કમિટી અભિનંદનની પાત્ર છે. રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓને સુલભ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તે શક્ય બને તથા જામનગર જિલ્લાના લોકો કોઈપણ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ બજેટમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવા માટે ગ્રાન્ટ ફાળવણી કરાઈ છે. સાથે જ જી.જી. હોસ્પિટલમાં વિવિધ વિભાગના નિષ્ણાતો કાર્યરત થાય અને તેમની સેવા લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, પરંતુ સાથે જ નિષ્ણાત ડોક્ટરોના સહકારની પણ અપેક્ષા કરી, રાજ્યમંત્રીએ નિષ્ણાતોને આ સેવાદાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

મેગા-રિયુનિયન ઈવેન્ટને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રક્તદાન, શ્રમદાન અને સેવાદનના મંત્રથી સતત કાર્યરત રહેતા ડોક્ટરોને બિરદાવ્યા હતાં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. વાઈસ ચાન્સેલર વિજયભાઈ દેસાણીએ 'પથકા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન ચઢતે જાના, સબ સમાજ કો સાથ મેં લીયે આગે બઢતે' જાના પંક્તિઓનો વિશેષ ઉલ્લેખ કરીને દરેક સમાજની સેવા કરતા આ વ્યવસાયમાં જોડાયેલા ડોક્ટરોને સમાજના ઋણ ચૂકવવાની ભાવના કેળવવા માટેની અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ ૫ૂર્ણાહુતિ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટસ વિભાગના ડીન નિદત્ત બારોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર હરદેવસિંહ જાડેજા, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, ઓર્ગેનાઈઝીંગ કમિટીના ચેરપર્સન ડો. વિજયભાઈ પોપટ, ડો. જે.જે. ઓઝા તથા કમિટીના અન્ય સભ્યો, ફેકલ્ટીઓ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit