| | |

મેઘપરમાં ધોરણ દસમાં નાપાસ થવાથી વિદ્યાર્થીનીની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર તા. ૧૦ઃ મેઘપરમાં રહેતા એક ગરાસીયા વિદ્યાર્થીનીએ ધો. ૧૦માં નાપાસ થવાના કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મંગળવારે બી.એસસી.ની એક વિદ્યાર્થીનીએ જામનગરમાં આપઘાત કર્યા પછી ગઈકાલે આવી જ રીતે બીજી વિદ્યાર્થીનીએ જીવતર ટુંકાવ્યાનો બનાવ બહાર આવ્યો છે.

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલી સગા કોલોનીમાં રહેતા મિરલબા હેમતસિંહ પીંગળ (ઉ.વ. ૧૭) નામના તરૃણીએ ચાલુ વર્ષે ધો. ૧૦ની પરીક્ષા આપી હતી. જેમાં તેઓ નાપાસ થયા હતાં. પરિણામ જાહેર થયા પછી આ વિદ્યાર્થીની નાસી પાસ થઈ ગયા હતાં.

થોડા દિવસોથી ઉદાસ રહેતા મિરલબા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેઓએ મરી જવાનો કઠોર નિર્ણય કરી છતમાં રહેલા પંખામાં સાડી વડે ગાળીયો બનાવી તેઓએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની અંદાજે પોણી કલાક પછી તેમના માતા રંજનબાને જાણ થઈ હતી. તેઓએ રડારોળ કરતા પરિવારજનો દોડી આવ્યા હતાં. પોલીસને પણ વાકેફ કરાતા મેઘપરના જમાદાર વી.બી. રાઠોડ ધસી ગયા હતાં. તેઓએ મિરલબાને નીચે ઉતારી ચકાસતા આ તરૃણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી માતા રંજનબા હેમતસિંહનું નિવેદન નોંધ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જામનગરના સ્વામીનારાયણ વિસ્તારમાં ધ્રોલમાં રહી બી.એસસી.નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ભણતરના ભાર નીચે કચડાઈ આત્મહત્યા વહોર્યા પછી ગઈકાલે જામનગર જિલ્લામાં વિદ્યાર્થીનીનો આત્મહત્યાનો બીજો બનાવ પોલીસ દફ્તરે નોંધાયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit