Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે રાજ્ય સરકારે જીઆઈડીસી એમ્નેસ્ટી સ્કીમ લાગુ કરવાની અંતિમ પરવાનગી આપી દીધા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વિપક્ષો રાજ્ય સરકારની નિયત અને ટાઈમીંગને લઈને સવાલો ઊઠાવી રહ્યા છે, તો જીઆઈડીસી ક્ષેત્રમાંથી આ જાહેરાતને મહત્તમ આવકાર મળી રહ્યો હોવા છતાં કેટલોક કચવાટ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
જીઆઈડીસી એમ્નેસ્ટી સ્કીમ હેઠળ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ના જુના ઔદ્યોગિક શેડ અને પ્લોટના ટ્રાન્સફરના કિસ્સાઓમાં બાકી સ્ટેમ્પ ડ્યુટીના ૮૦ ટકા જેટલી રાહત આપવાની જાહેરાત કરી છે. સરકારે કરેલા દાવા મુજબ આ યોજનાનો ઉદ્દેશ્ય જુની લેવડદેવડ અને સંપત્તિ હસ્તાંતરો સાથે જોડાયેલા પેન્ડીંગ કેસોમાં ભારે દંડના બોઝમાંથી ઉદ્યમીઓને રાહત પૂરી પાડવાનો છે. જીઆઈડીસી એસોસિએશન અને એમએસએમઈના ઉદ્યોગ સાહસિકોને જુના નિયમો તથા દંડના કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાજ્ય કક્ષાએથી જીઆઈડીસીના વર્તુળોએે સરકારનો આ ફેંસલો વિવિધ સંગઠનોના લાંબા સમયની રજૂઆતો પછી આવ્યો હોવાથી તેને આવકારવાની સાથે સાથે વિલંબ થયો હોવાની ટકોર પણ કરી છે. કેટલાક મંડળોએ આ નિર્ણયો ઐતિહાસિક, દૂરગામી અને પ્રો-ટ્રેડીંગ એટલે કે વ્યાપાર માટે પ્રોત્સાહક પણ ગણાવ્યો છે. ઉદ્યોગપતિઓના વિવિધ અભિપ્રાયો મુજબ જુના સ્ટેમ્પ વિવાદો અને પેનલ્ટીના કારણે ઘણી ફેક્ટરીઓમાં સંપત્તિ ટ્રાન્સફર, બેંકો સાથેના વ્યવહારો, લોન, નવા પ્રોજેક્ટ્સની પ્રક્રિયા વગેરે અટવાઈ ગયેલા વ્યવહારો પુનઃ ધમધમતા થશે અને ૮૦ ટકા જેટલી રાહત મળતા રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે અને જુના દસ્તાવેજી વિવાદો ખતમ થશે. લોન બ્લોકેજમાં તત્કાળ અસર થશે અને બેંકો તરફથી ઝડપથી ધિરાણો મળવાનું શરૂ થશે, જે પ્લોટ્સ 'લીગલ હોલ્ડ' પર હતાં, તે હવે મુક્ત થશે.
ભારતીય જનતા પાર્ટી તો સ્વાભાવિક રીતે જ પોતાની સરકારની વાહવાહી કરે, ભાજપે આ નિર્ણયને એમએસએમઈ સેક્ટર પરનો બોજ તરત હટાવનારો તથા સરળ વ્યપારની તકોને વધારવાનો બતાવ્યો છે.
જો કે, એમએસએમઈ તથા વ્યાપાપારી વર્ગોમાં હજુ પણ કેટલીક નારાજગી છે. આ યોજનાનો લાભ માત્ર માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવનારાઓને જ મળનાર હોવાથી જે નાના કારખાનેદારો પાસે આ સર્ટિફિકેટ નહીં હોય, તેવા કારખાનેદારો તરફથી આ યોજનાને વધુ સરળ બનાવવાની માંગણી પણ ગઈકાલથી જ પડઘાવા લાગી હતી, કારણ કે આ યોજનાનો લાભ ૩૦ મી જૂન-ર૦રપ સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેરટ્રાન્સફર ભાડાપટ્ટા અને પેટાભાડા પટ્ટા તથા મિલકતની તબદિલી સંબંધિત વ્યવહારોને જ મળવાપાત્ર હોવાથી કેટલાક નાના ઉદ્યમકારો આ યોજનાથી વંચિત રહી જાય તેમ છે.
આ યોજનાનો લાભ લેનારા વર્તમાન ફાળવાણીદારે રાહત મુજબની ડ્યુટી અને પેનલ્ટી ચૂકવીને મિલકતની કાયદેસર રજિસ્ટર્ડ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. અપીલ હેઠળના કેટલાક નિયમો મુજબ લાભ મેળવવાની જોગવાઈ છે, જ્યારે કોર્ટમાં પિટિશન દાખલ થયેલા કેસોમાં પિટિશન પરત ખેંચવાની શરતે જ આ યોજના લાગુ થઈ શકશે, વગેરે જોગવાઈઓ ચર્ચાના ચાકડે ચડી છે અને તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત સરકારે કરેલી આ જાહેરાતથી જુના બાકી વ્યવહારોના કારણે ઊભી થયેલી સમસ્યાઓનો અંત આવતા લાંબા સમયથી બાકી રહેલી સ્ટેમપ ડ્યુટીની વસૂલાત પણ ઝડપી બનશે. મિલકતોના વ્યવહારોની કાયદેસરની નોંધણી થવાથી પારદર્શિતા અને નિયમિતતા વધશે, જેથી રાજ્યમાં નવા ઉદ્યોગો સ્થાપવા તથા વર્તમાન ઉદ્યોગોના વિસ્તૃતિકરણ અને વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થશે. ભ્રષ્ટાચારમાં અંકુશ આવવાનો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે.
જીઆઈડીસી હેઠળ અત્યારે ર૩૯ જેટલી ઔદ્યોગિક વસાહતોનું સંચાલન છે, અને ઔદ્યોગિક વિકાસ માટે નોડલ સંસ્થા તરીકે કાર્યરત છે. ખાસ વાત એ છે કે પહેલી જાન્યુઆરી-ર૦૧૮ પહેલા થયેલી કેટલીક તબદિલીઓ માટે પણ વિશેષ રાહતનો પ્રત્સાવ છે, જેમાં માર્કેટ વેલ્યુના આધારે થતી સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦ ટકા રાહત અને ર૦ ટકા ડ્યુટી તથા પેનલ્ટી વસૂલ કરવાની દરખાસ્ત છે. પહેલી જાન્યુઆરી-ર૦૧૮ કે તે પછી થયેલી માત્ર તબદિલીઓ માટે પણ આ જ પ્રકારની જોગવાઈ હોય તો જુના-નવા બન્ને પ્રકારના વ્યવહારોને આવરી લેવાનો પ્રયાસ કહી શકાય.
જામનગરમાં પણ જીઆઈડીસીઝ છે અને તેના વર્તુળોમાંથી પણ આ જાહેરાતને લઈને પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. તે ઉપરાંત હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રત્યાઘાતો પણ પડઘાઈ રહ્યા છે. કેટલાક જીઆઈડીસીમાં ચાર-પાંચ દાયકાથી ઘણાં એવા પ્લોટ હશે, જે યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ચૂકવ્યા વિના અનેક વખત હસ્તાંતર થયા હશે, જેથી ૮૦ ટકા રાહત મળતા આ તમામ જુના વિવાદોનો અંત આવશે. ગ્લોબલ આધુનિકરણ માટે બેંક લોનનો માર્ગ પણ મોકળો થશે. જામનગરમાં તો મંદી અને કાનૂની અડચણો સામે લડી રહેલા નાના-નાના બ્રાસ યુનિટોને આર્થિક સહાય આપીને પુનર્જિવિત કરવાનો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
જો કે, વિરોધ પક્ષોએ વિધાનસભાનું સત્ર ૯ મી ઓગસ્ટથી શરૂ થવાનું છે, તે પહેલા થયેલી આ જાહેરાતના ટાઈમીંગ સામે સવાલો ઊઠાવ્યા છે. કોંગ્રેસે આ પ્રકારની રાહતોને સરકારની નીતિગત નિષ્ફળતાઓને ઢાકવાનો પ્રયાસ પહેલેથી જ ગણાવતી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી એ પ્રકારની જાહેરાતો માત્ર કાગળ પર રહી જતી હોવાનો આક્ષેપ કરીને આ યોજનાના લાભો કોઈપણ ભ્રષ્ટાચાર વિના સરકારી તંત્રોના હસ્તક્ષેપ વિના સીધો ઉદ્યોગકારોને મળે, તેવી ટકોર કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓના તર્ક મુજબ વર્ષો સુધી રાજ્યના નાના વેેપારીઓ અને એમએસએમઈઝ પેનલ્ટીના ભારે બોજ હેઠળ દબાતા રહ્યા અને મંદી તથા સરકારી તંત્રોની મનસૂફીનો બેવડો માર સહન કરતા હતાં, પરંતુ હવે ચૂંટણી નજીક આવતા સરકારને તેઓની યાદ આવી ગઈ, પરંતુ હજુ પણ તેનો વાસ્તવિક લાભ મળે ત્યારે ખરો...
ટૂંકમાં, રાજ્ય સરકારની આ જાહેરાતને એકંદરે આવકાર મળી રહ્યો છે, પરંતુ તેના અમલીકરણ તથા ટ્રાન્સપરન્ટ (પારદર્શક) પ્રક્રિયાને ઊભી થઈ રહેલી આશંકાઓનું રાજ્ય સરકારે નિવારણ કરવું જોઈએ અને તદ્વિષયક હજુ પણ કેટલાક મુદ્દે નાના વ્યાપારીઓ તથા એમએસએમઈઝનો એક વર્ગ નારાજ હોય કે વધુ રાહત કે સરળતા માંગતો હોય, તો તે સ્વીકારી લઈને રાજ્ય સરકારે એ પૂરવાર કરવું જોઈએ કે આ નિર્ણય હકીકતે વર્ષો જુની તમામ સમસ્યાઓ ઉકેલીને એમએસએમઈઝ તથા પબ્લિકના જાહેર હિતમાં જ લેવાયો છે, અને તેની પાછળ કોઈ પ્રકારની રાજનીતિ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial