ગેંગરેપ-હત્યાની ઘટનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જામનગર વાલ્મિકી સમાજની માંગણી

જામનગર તા. ૧પઃ મોડાસા પંથકની અનુ.જાતિની દીકરી ઉપર ગેંગરેપ કર્યા પછી તેની હત્યા નિપજાવાઈ હતી. આ ઘટના અંગે જામનગર જિલ્લા વાલ્મિકી મધ્યસ્થ પંચાયત દ્વારા રાજ્યપાલને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું અને જેમાં આરોપીઓને ફાંસીના માચડે ચડાવવા માગણી કરવામાં આવી હતી.

મોડાસા નજીકના સાપરા ગામની અનુ.જાતિની દીકરી પર નરાધમોએ ગેંગરેપ કર્યા પછી તેણીની નિર્દય રીતે હત્યા કરી હતી. આવો જઘન્ય અપરાધ છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતાં. મોડાસાના પી.આઈ. એન.કે. રબારીએ યોગ્ય પગલાં લીધા ન હતાં અને એસ.પી.એ પણ નિરસ્તા દાખવી હતી. આખરે અનુ.જાતિમાં રોષ ફેલાયો હતો. આખરે પોલીસે ફરિયાદ નોંધી હતી. તેમ જણાવી આજે પાઠવાયેલા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે, અને તેમને ફાંસીને માચડે ચઢાવવામાં આવે, આ માટે ખાસ સરકારી વકીલની નિમણૂક કરવી, ફોજદારને સસ્પેન્ડ કરવામાં આવે, અને તેની સામે એટ્રોસિટી કલમ મુજબ ગુન્હો નોંધવામાં આવે અને તેની તપાસ માટે નિષ્ઠાવાન પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે, એસ.પી. મયુર પાટીલ સામે પણ કાયદેસર પગલાં લેવામાં આવે. આ આવેદનપત્ર વેળાએ જામનગર જિલ્લા વાલ્મિકી મધ્યસ્થ પંચાયતના પ્રમુખ અમિત પરમાર, યુવા પાંખના પ્રમુખ મહેશ બાબરિયા અને અખિલ ભારતીય સફાઈ મજદુર કોંગ્રેસ યુનિયનના પ્રમુખ હરિશ ચૌહાણ તથા જ્ઞાતિજનો જોડાયા હતાં.

(તસ્વીરઃ પરેશ ફલિયા)

 

close
Ank Bandh
close
PPE Kit