કતારનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ બતાવી દસ લાખની કરાઈ છેતરપિંડી

જામનગર તા. ૧૫ઃ જામનગરના કારખાનેદારને કતાર સરકારનો માલસામાન સપ્લાયનો કોન્ટ્રાક્ટ અપાવી દેવાનું કહી ત્રણ શખ્સોએ ચાર બેંક એકાઉન્ટમાં રૃા. દસ લાખની રકમ ફીના પેટે જમા કરાવ્યા પછી અંગુઠો બતાવી દેતા તે આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારમાં આવેલા રાજપેલેસ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા અને કારખાનુ ચલાવતા કિશોરભાઈ મોહનભાઈ સાવલીયાને ગયા જુલાઈ મહિનામાં એક ઈમેલ આવ્યો હતો. જેમાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે કતારમાં સરકારને માલ સામાન સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવાનો છે. તે કોન્ટ્રાક્ટની ચીજવસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ હોય તમો ટેન્ડર ભરી શકો છો.

ઉપરોક્ત મેલમાં જણાવવામાં આવ્યા મુજબ કિશોરભાઈએ વિગતો ભર્યા પછી તેઓની પાસેથી અલગ અલગ ફીના નામે પૈસા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. તેથી કિશોરભાઈએ પોતાને વિદેશમાં માલ સપ્લાય કરવાનો અને તેના કારણે વ્યવસાયના વિસ્તરણનો મોકો મળતો હોય વાત આગળ વધારતા સ્કંદકુમાર નામના શખ્સે ફોન કરી પોતાની માયાજાળ વિસ્તારી હતી. તેના કહેવા મુજબ કિશોરભાઈએ જુદા જુદા ચાર બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતાં.

દસ દિવસના સમયગાળામાં કિશોરભાઈએ કુલ રૃા. ૧૦,૨૯,૫૦૦ની રકમ જમા કરાવ્યા પછી પણ ખાતાધારક સ્કંદકુમાર, મોહીતકુમાર અને પ્રેમપાલ નામના ત્રણ શખ્સે કોન્ટ્રાક્ટ નહીં અપાવતા પોતે છેતરાઈ ગયાનું જાણી કિશોરભાઈએ ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Ank Bandh
close
PPE Kit