Advertisement

સરકારી હોસ્પિટલમાં ૯ હજાર લીટર ઓક્સિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ

આર.એસ.પી.એલ. કંપનીના સહયોગથી ખંભાળીયામાં

ખંભાળીયા તા. ૪ઃ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં આરએસપીએલ (ઘડી) કંપનીના સહયોગથી નવ હજાર લીટર ઓક્સિજનાની ક્ષમતાવાળી ટેન્કનું લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરોનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ - ખંભાળીયામાં પ૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ૯ હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ રિબીન કાપીને કરવામાં આવ્યું હતું.

ઓક્સિજન ટેન્કના લોકાર્પણ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, ખંભાળીયા સિવિલ હોસ્પિટલમાં અત્યારે ૧૧૦ બેડ ઓક્સિજનના ઉપલબ્ધ છે તેમાં કેટલાક વેન્ટીલેટર પરના દર્દીઓને ઓક્સિજનની વધુ જરૃરિયાત હતી અને કેટલાક દર્દીઓને ઓક્સિજનના અભાવે દાખલ કરી શકતા ન હતાં, પરંતુ રાજય સરકારના સતત પ્રયત્નો રહ્યાં છે કે, ખંભાળીયાની હોસ્પિટલને ઓક્સિજન ટેન્ક મળે. આર.એસ.પી.એલ. કંપની કુરંગા દ્વારા પ૦ લાખના ખર્ચે ૯ હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવી છે.

તેમણે વધુમં કહ્યું હતું કે, ભારત દેશમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત આપના જિલ્લાના લોકો બન્ને ડોઝ લઈ આપની સુરક્ષા આરક્ષિત કરીએ તેમજ વધુમાં તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને અપીલ કરીને ગામડાના લોકોને કોરોના વાયરસનું સંક્રમણ દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈ કોઈ ડર રાખ્યા વગર જરૃરી ટેસ્ટ કરાવી ઘરમાં જ સારવાર લઈએ અથવા નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ થઈ સારવાર લેવા અપીલ કરી હતી.

અત્રે નોંધનીય છે કે, ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૯ હજાર ઓક્સિજનની કેપેસિટી હતી. તેમાં આજે ૯ હજારનો વધારો થયો છે. આ ૯ હજાર ઓક્સિજનની ટેન્ક ફક્ત ૭ દિવસમાં ઊભી કરવામાં આવી અને તમામ ખર્ચ કુરંગાની કંપની આર.એસ.પી.એલ. કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ ઓક્સિજન ટેન્કનો વધારો થતા પ૦ બેડ ઓક્સિજન પણ વધી જશે અને દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી શકશે. અત્યારે હોસ્પિટલમાં સરેરાશ પ થી ૭ હજાર લીટરનો ઓક્સિજનો પ્રતિદિનનો વપરાશ છે. કોવિડ સેન્ટરમાં ૧૬ ડોક્ટરોનો સ્ટાફ સતત દર્દીઓની સેવા કરી રહ્યાં છે.

આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, પ્રાંત અધિકારી ગુરવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુતરીયા, મામલતદાર લુકા, આર.એસ.પી.એલ. કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ખંભાળીયામાં ઓક્સિજન ટેન્કના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક અગ્રણીઓની બાદબાકી...!!

ખંભાળીયા તા. ૪ઃ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં આર.એસ.પી.એલ. કંપનીના સહયોગથી પ૦ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના વડા મથકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, ન.પા. પ્રમુખ વિગેરેને આમંત્રણ આપવામાં આવ્યા ન હતાં. જિલ્લા તંત્ર દ્વારા અગ્રણીઓની બાદબાકીની ભૂલ અંગે ભારે ચર્ચા જાગી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit