જામનગરની ખાનગી હોસ્પિટલોમાં સ્વચ્છતા અને સાવચેતીનો અભાવ

કોરાના વધી રહ્યો છે ત્યારે....

જામનગર તા. ૪ઃ જામનગર શહેરમાં છેલ્લા આઠ-દસ દિવસથી કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે. દરરોજના ૧૦-૧ર કે તેથી વધુ નવા પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે જામનગરની ખાનગી હોસ્પિટલમાં અન્ય બીમારીઓના નિદાન-સારવાર સમયે કોરોના મહામારી સંદર્ભમાં જે સ્વચ્છતા, સાવચેતી રાખવાની જરૃર છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે દર્દીઓ માટેના વેઈટીંગ એરીયામાં સોશ્યલ ડીસ્ટન્શીંગનો અભાવ તથા દર્દીને નિદાન માટે ખુરશી-ટેબલ કે બેડ પર રાખવામાં આવે તો તે દર્દી પછી જ્યારે બીજા દર્દી આવે ત્યારે ખુરશી-ટેબલ કે બેડને સેનેટાઈઝ કરવાની દરકાર લેવામાં આવતી નથી. ખરેખર તો દરેક દર્દી વખતે બેડશીટ બદલાવવા અને સેનેટાઈઝ કરવું જરૃરી છે.

આ રીતે કોઈ દર્દીને સરાવર કે ઈન્જેકશન માટે જે એપ્રન આપવામાં આવે છે તે પણ સેનેટાઈઝ કર્યા વગર એક ના એક જ એપ્રન પહેરાવી દેવામાં આવે છે. ખરેખર તો દરેક દર્દીને અલગ અને સેનેટાઈઝ કરેલા એપ્રન જ આપવા જોઈએ.

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના નિદાન-સારવાર વગેરે માટે તગડી ફી વસુલવામાં આવે છે, તેમ છતાં કોરોના મહામારીના સમયમાં ઉપર દર્શાવેલી છે તેવી અનેક બાબતોમાં બેદરકારી જોવા મળે છે. ખરેખર તો આવી ખાનગી હોસ્પિટલોમાં તો સૌથી વધુ સારી રીતે નિયમોનું પાલન થવું જોઈએ અને દર્દીઓને સંતોષ થાય તેવા સ્વચ્છતા-સાવચેતીના તમામ પગલાં લેવા જોઈએ.

જામનગરમાં ખાનગી હોસ્પિટલોના ખ્યાતનામ ડોકટરો જ જો તેમની હોસ્પિટલોમાં આવી બેદરકારી રાખતા હોય તો પછી અન્ય સામાન્ય જનતા કે વ્યવસાયકારો કે ધંધાર્થીઓ પાસેથી શું આશા રાખી શકાય...? ડોકટરોએ તો સમાજમાં તેમની હોસ્પિટલમાં કડક પણે તમામ નિયમોનું પાલન કરીને દાખલો બેસાડવો જોઈએ અને અન્યને પણ પ્રેરણા આપવી જોઈએ તેના બદલે જામનગરમાં ઉંચી ફી લેવી છે પણ તેમાંથી એક રાતી પાઈનો વધારાનો ખર્ચ કરવો નથી...!! પણ આ સ્થિતિના કારણે કોરોના સંક્રમણની દહેશત રહે છે અને અત્યારે જ્યારે લોકલ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખુદ ડોકટર દ્વારા જ થઈ રહેલી બેદરકારી જોખમી બની શકે છે. અહીં અન્ય બીમારીના ઈલાજ માટે આવનાર દર્દી કદાચ કોરોના ગ્રસ્ત થઈને બહાર આવે તો નવાઈ નહીં...!!

જિલ્લા આરોગ્ય તંત્રએ દરેક ખાનગી હોસ્પિટલોમાં નિયમિત ચેકીંગ કરી આવી ગફલત કે બેદરકારી સામે કડક પગલાં ભરવાની તાતી જરૃર છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit