એરંડો વાઢી રહેલા ખેડૂતને છંછેડાયેલી મધમાખીઓએ માર્યા અસંખ્ય ડંખઃ સારવાર મળે તે પહેલા થયું મૃત્યુ

જામનગર તા. ર૬ઃ કાલાવડના ગોલણીયા ગામમાં ગઈકાલે પોતાના ખેતરે એરંડો વાઢી રહેલા ખેડૂતને મધપુડામાંથી વછુટેલી છંછેડાયેલી મધમાખીઓએ અસંખ્ય ડંખ દેતા ઝેરી અસર થઈ જવાના કારણે ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ તાલુકાના ગોલણીયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા શીવાભાઈ વાલજીભાઈ વસોયા નામના ૭૫ વર્ષના ૭૫ વૃદ્ધ ગઈકાલે સવારે પોતાના ગામની સીમમાં આવેલા ખેતરે એરંડો વાઢવા માટે ઘરેથી નીકળ્યા પછી તેઓએ વાડીમાં કામ શરૃ કર્યુ હતું.

તે દરમ્યાન એરંડો વાઢી રહેલા શીવાભાઈને નજીકમાં આવેલા મધપુડામાંથી ઉડેલી કેટલીક મધમાખીઓ વળગી હતી. છંછેડાયેલી મધમાખીઓએ આ વૃદ્ધને જાણે કે કરડીને વીંધી નાખ્યા હતાં. મધમાખીઓના ડંખથી બેભાન બની ગયેલા શીવાભાઈને સારવાર માટે ખસેડવાની વાડીમાં હાજર રહેલા લોકોએ તજવીજ કરી હતી.

આ વૃદ્ધાને કાલાવડના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે શીવાભાઈને મૃત્યુ પામેલા જાહેર કરતા પુત્ર ભરતભાઈ વસોયાએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. રાઠોડે મૃતદેહને પીએમ માટે ખસેડી કાર્યવાહી કરી છે.

close
Nobat Subscription