રાજ્યમાં દારૃ-જુગારની બદી સામે તૂટી પડવા અઠવાડિયાની સ્પે. ડ્રાઈવના છૂટ્યા આદેશો

અમદાવાદ તા. ૧૦ઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ પછી તંત્રોમાં હડકંપ મચી જતા પોલીસ તંત્ર દ્વારા અઠવાડિયા માટે દારૃ-જુગારની બદી સામે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ રહી હોવાના અહેવાલો સૂત્રોના હવાલાથી આવી રહ્યાં છે. બીજી તરફ દારૃબંધીના મુદ્દે આંદોલનો કરનાર અલ્પેશ ઠાકોર ભાજપમાં ગયા પછી ચૂક કેમ છે...? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

ગુજરાત પોલીસ દારૃ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા એક અઠવાડિયા સુધી સ્પેશ્યલ ડ્રાઈવ કરવાની છે, આ વખતે જ્યાં પોલીસ અને બૂટલેગરોની સાંઠગાંઠ હોય ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલને પણ દરોડા પાડવાની સત્તા અપાઈ હોવાના અહેવાલો વહેતા થયા છે.

ગુજરાતમં દારૃબંધીના મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ધ પછી પોલીસ દ્વારા સ્પે. ડ્રાઈવના આદેશોએ રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે. બે મુખ્યમંત્રીઓ વચ્ચેનું આ ધમાસણ હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો  છે અને ગુજરાતમાં પેટા ચૂંટણી સમયે જ આ ધમાચકડી લોકોને મનોરંજક પણ લાગી રહી છે. કોંગ્રેસને પ્રચાર માટેનો એક "સોલીડ" મુદ્દો મળી ગયો છે, અને ઢીલી-પોલી દારૃબંધીને લઈને રૃપાણી સરકાર જાણે બેકફૂટ આવી ગઈ હોય તેવા નિવેદનો આવી રહ્યાં છે.

અશોક ગેહલોતના નિવેદનોથી ગુજરાતની જનતાનું અ૫માન થયું હોવાની જણાવીને ભાજપના નેતાઓ આને ગુજરાતની અસ્મિતા સાથે જોડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ તથા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અશોક ગેહલોતના નિવેદનોને વાસ્તવિકતા ગણાવીને ગાંધીજીના ગુજરાતમાં દારૃબંધીના અમલમાં રૃપાણી સરકાર તદૃન નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કરી રહ્યા છે. વિધાનસભાની  પેટા ચૂંટણીઓમાં આ મુદ્દો હવે ચૂંટણી પ્રચારનો મુખ્ય વિષય બન્યો છે.

બીજી તરફ અલ્પેશ ઠાકોરને લઈને પણ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહેલા યુવા નેતા અલ્પેશ ઠાકોરે પણ ગુજરાતમાં દારૃબંધીની પોકળતાના જ વિષય પર પોતાની રાજનીતિ ચમકાવી છે. તેમણે ઠાકોર સેનાના માધ્યમથી પહેલા નિષ્પક્ષ રીતે દારૃબંધીના મુદ્દે રેલીઓ કાઢી હતી. આંદોલનો કર્યા હતા અને ભૂતકાળમાં જનતા રેડ કરીને ભાજપ સરકારના નાકે દમ લાવી દીધો હતો. તે પછી લોકપ્રિયતા હાંસલ કરીને વર્ષ-૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભળી ગયા હતા.

કોંગ્રેસમાં કેટલાક મહત્વાકાંક્ષાઓ પૂરી નહીં થતા રાજ્યસભાની ચૂંટણી સમયે પલટી મારીને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. અને રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપને મદદ કરી હતી.

તે પછી કેટલાક સમય પ્રતિક્ષા કરીને તેઓ ભાજપમાં ભળી ગયા હતા, અને હવે વિધાન સભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે.

વિશ્લેષકોમાં થતી ચર્ચા મુજબ અલ્પેશ ઠાકોર જ્યારે ગુજરાત સરકાર સામે દારૃબંધીના મુદ્દે આંદોલન ચલાવી રહ્યા હતા, તે સમયના તેના નિવેદનો તે સરખાવવામાં આવે તો તે નિવેદનો અને હાલના રાજસ્થાનના મુખ્યમંત્રીના નિવેદનોમાં ઘણી સમાનતા છે. તેમ છતાં ભાજપના નેતા બન્યા હોવાથી તેઓ અત્યારે ચૂપ છે, જેથી તેમનું ભૂતકાળનું દારૃબંધી સામેનું આંદોલન માત્ર પોતાની રાજનીતિ ચમકાવવાનું અને મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટેનું નાટક જ હતું, તે પુરવાર થઈ ગયું હોવાની ટીકા થઈ રહી છે.

મીડિયા અહેવાલો મુજબ પોલીસ દ્વારા રાજ્યકક્ષાએથી તમામ જિલ્લાના એસ.પી. અને કમિશ્નરોને દારૃ-જુગારના અડ્ડાઓ પર તૂટી પડવાના આદેશો છુટ્યા છે. આ આદેશો તમામ અધિકારીઓને ફેક્સ દ્વારા પહોંચાડી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. એક અઠવાડીયા સુધી દારૃ અને જુગારના અડ્ડાઓ પર પોલીસ તૂટી પડશે. આ સ્પેશ્યલ ડ્રાઈવનું રોજેરોજ રિપોર્ટીંગ કરવાના આદેશો પણ અપાયા છે.

એવું કહેવાય છે કે આ આદેશોમાં સ્પે.ડ્રાઈવ દરમિયાન અસરકારક રીતે ચલાવાય, અને માત્ર કાગળ પરની કાર્યવાહી બની રહે નહીં તેવા આદેશો પણ અપાયા છે. આ સ્પે. ડ્રાઈવ દરમિયાન જ્યાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે સાંઠગાંઠની આશંકા હોય ત્યાં મોનીટરીંગ સેલનો દરોડો પાડવાની સૂચનાઓ આપવામાં આવી છે.

લોકોના પ્રત્યાઘાતો મુજબ આવા આદેશો થયા હોય તો તેમાંથી જ પૂરવાર થાય છે કે રાજ્યમાં દારૃબંધી અંગે પોલંપોલ ચાલી રહી છે, અને કેટલીક કાર્યવાહી માત્ર કાગળ પર જ થાય છે. દારૃબંધીનો અમલ અસરકારક રીતે થઈ રહ્યો નથી અને લોલંલોલ ચાલે છે. પોલીસ અને બૂટલેગરો વચ્ચે સાંઠગાંઠ ચાલી રહી છે અને આ બાબત ઉચ્ચ પોલીસ સત્તાધીશો તથા સરકારના ધ્યાનમાં જ છે. અત્યાર સુધી સ્ટેટ મોનીટરીંગ સેલ પણ આ પ્રકારની લોલંલોલ અને પોલંપોલ છતાં આંખો બંધ કરીને બેઠું હતું. અને હવે બૂટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોય ત્યાં દરોડા પાડશે!

એવા કટાક્ષો થઈ રહ્યા છે કે, જો આ પ્રકારના શબ્દપ્રયોગો સાથે જ આદેશો થયા હોય તો કદાચ આખા રાજ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જ દરોડા પાડવા પડશે, કારણકે પોલીસ અને બૂટલેગરો વચ્ચે સાંઠગાંઠ ન હોય, તેવું સ્થળ દીવો લઈને શોધવું પડે તેમ છે અને આ અંગે એવો કોઈ માપદંડ નથી કે ક્યા સ્થળે દારૃબંધીનો ચૂસ્ત અમલ થઈ રહ્યો છે, તેવું માની શકાય.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit