કોંગ્રેસમાં ઉકળતા ચરૃની સ્થિતિ નિવારવા કવાયતઃ શિસ્તભંગના તોળાતા પગલાં

સોનિયા ગાંધીએ ચાર અસંતુષ્ટોને ત્રણ સમિતિમાં સમાવ્યા જેથી આંતરકલહ ઠંડો પડેઃ

નવી દિલ્હી તા. ર૧ઃ કોંગ્રેસમાં હાલમાં ઉકળતા ચરૃ જેવી સ્થિતિ અસંતષ્ટોએ ઊભી કરી દીધી છે. દિલ્હીમાં વધી રહેલું પ્રદૂષણ અને તેને લઈને કેજરીવાલ સરકારને પડેલી ફટકાર વચ્ચે સોનિયા ગાંધી એકાદ અઠવાડિયું ગોવાના પ્રવાસ જઈ રહ્યા હોવાની ચર્ચા દેશની રાજધાનીમાં થઈ રહી છે. દિલ્હીની સાથે સાથે કોંગ્રેસમાં પણ 'પ્રદૂષણ' વધી ગયું છે અને તેની 'સાફસૂફી' જરૃરી છે, તેવા કટાક્ષો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીની ક્ષમતા સામે સવાલો ઊઠાવનાર એક દિગ્ગજ કોંગી નેતાને શો-કોઝ નોટીસ આપ્યા પછી સોનિયા ગાંધીએ એક અનપેક્ષિત કદમ ઊઠાવ્યું છે અને ચાર અસંતુષ્ટ નેતાઓને કોંગ્રેસની ત્રણ સમિતિઓમાં સમાવાયા છે.

કોંગ્રેસના પતન અંગેની કપિલ સિબ્બલની કથિત ટિપ્પણીઓ પછી કોંગ્રેસમાં વફાદાર અને ગદ્દાર નેતાઓની વાતો થવા લાગી અને અસંતુષ્ટ નેતાઓને પ્રદૂષણ સાથે સરખાવીને તેને પાર્ટીમાંથી દૂર કરવાની જરૃર જણાવાઈ રહી હતી, ત્યારે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ ચાર અસંતુષ્ટ નેતાઓને પાર્ટીમાં મહત્ત્વ આપતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદની વાતો પર હવે પૂર્ણવિરામ પણ મૂકાઈ શકે છે.

જો કે, આ ચારેય અસંતુષ્ટ નેતાઓના હવે પછીના વલણો પર બધો આધાર રહેશે, કારણ કે આ પ્રકારે મહત્ત્વ આપવા છતાં જો અસંતુષ્ટ નેતા પોતાનું વલણ નહીં બદલે અને રાહુલ ગાંધીનો વિરોધ તથા કોંગ્રેસ હાઈકમાન્ડની ટીકા કરવાનું ચાલુ રાખશે, તો શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે તેવું જાણકારો માને છે.

કપિલ સિબ્બલે કોંગ્રેસની આંતરિક વાતો જાહેરમાં કરતા કેટલાક પીઢ કોંગ્રેસી નેતાઓએ તેની ટીકા કરી હતી. હવે સોનિયા ગાંધીએ કોંગ્રેસની આર્થિક મામલાઓની સમિતિમાં પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ્નો સમાવેશ કર્યો છે, જ્યારે વિદેશી બાબતોની સમિતિમાં આનંદ શર્મા અને શશિ થરૃરને સ્થાન મળ્યું છે. ગુલામનબી આઝાદ અને વીરપ્પા મોઈલીને રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો માટે રચાયેલી કોંગ્રેસની સમિતિમાં સમાવી લેવામાં આવ્યા છે.

આ કદમ ઊઠાવતા પહેલા સોનિયા ગાંધીએ પાર્ટીના એક દિગ્ગજ નેતા સહિતના કેટલાક આલોચકો સામે લાલઆંખ પણ કરી હતી. આ કારણે અસંતુષ્ટોમાં પણ વિભાજન થઈ શકે છે અને કપિલ સિબ્બલ એકલા-અટુલા પડી જાય, તે પછી તેની સામે પણ શિસ્તભંગના પગલાં લેવાઈ શકે તેવા તારણો નીકળી રહ્યા છે.

બીજી તરફ નવા કોંગ્રેસ પ્રમુખની વર્ચ્યુઅલ ચૂંટણી માટેની હિલચાલ પણ શરૃ થઈ ગઈ છે. નવા કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે રાહુલ ગાંધી ફીટ છે અને તેમની ઉમેદવારી લગભગ નક્કી મનાય છે, પરંતુ રાહુલ ગાંધી સ્વયં આ માટે તૈયાર થાય છે કે નહીં તે જોવાનું રહે છે. બીજો વિકલ્પ પ્રિયંકા ગાંધી પણ છે.

આ વખતે ગાંધી પરિવારના ઉમેદવાર સામે અસંતુષ્ટ જૂથમાંથી કોઈ નેતા ફોર્મ ભરે અને પાછું ન ખેંચે તો ચૂંટણી યોજવી પડે તેમ હોવાથી તે અંગેની ટેકનિકલ અને પ્રક્રિયાત્મક બાબતો પણ ચર્ચાઈ રહી છે, જો કે કોંગ્રેસ તરફથી આવી કોઈ સ્પષ્ટ જાહેરાત કે ચૂંટણી કાર્યક્રમ હજુ જાહેર થયો નહીં હોવાથી આ પ્રકારની માત્ર અટકળો વ્યાપક બની રહી છે, અને મીડિયામાં ચર્ચાસ્પદ બની છે.

રાજધાનીમાં પ્રદૂષણ હોવાથી સોનિયા ગાંધી ગોવા ગયા છે. તેની સાથે રાહુલ ગાંધી પણ જોડાય તેવી શક્યતા દર્શાવાઈ રહી હતી, પરંતુ તેમના ગોવામાં અઠવાડિયા સુધીના રોકાણની હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.

જો કે, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો યથાવત્ રાખ્યા છે. તેમણે હવે મોંઘવારીનો મુદ્દો ઊઠાવ્યો છે. મોંઘવારીનો દર ખાદ્યપદાર્થો માટે ૧૧ ટકાને વટાવી ગયો છે, ત્યારે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ પણ વધારવું જોઈએ, તેમ જણાવી રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે ખાદ્યપદાર્થોમાં ફૂગાવાનો દર ૧૧ ટકાને વટાવી ગયો છે, ત્યારે મોદી સરકાર કેન્દ્રિય જાહેર સાહસો એટલે કે પીએમયુના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવાના બદલે સ્થગિત કરી રહી છે, જ્યારે તેના (મોદીના) પૂંજીપતિ મિત્રો નફો કમાવવામાં વ્યસ્ત છે!

close
Ank Bandh
close
PPE Kit