| | |

જામનગરમાં અવનવા રંગબેરંગી રોશનીથી ઝળહળતા તાજીયાનું ભવ્ય ઝુલુસ

જામનગર તા. ૧૧ઃ મોહર્રમ નિમિત્તે ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓની શહાદતની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ ગત્ સરઘસની રાત્રિએ અને આસુરાના દિવસે ભવ્ય અને કલાત્મક તાજીયાઓના ઝુલુસ કાઢી, શાંતિ-સદ્ભાવ, એકતા અને ભાઈચારાના માહોલમાં ખૂબ જ અદબ અને એહતરામની સાથે મોહર્રમના પર્વની ઉજવણી કરી હતી.

કરબલાના આ મહાન શહીદોની યાદમાં જામનગર શહેર ઉપરાંત ખંભાળીયા, સલાયા, ધ્રોલ, કાલાવડ, અલીયાબાડા, લાલપુર, મસીતીયા, વાડીનાર, સિક્કા, દ્વારકા - જવાહરનગર નં. ૧/ર અને જોડિયા સહિત જિલ્લાભરમાં કલાત્મક બેનમૂન અને રોશનીથી ઝળહળતા તાજીયાઓના ઝુલુસ નીકળ્યા હતાં. જેને નિહાળવા હજ્જારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમો ઉમટી પડ્યા હતાં.

જામનગર શહેરમાં એક દુલદુલ અને એક સેજ સહિત પરવાના ધરાવતા ર૯ તાજીયા મધ્યરાત્રિએ (સરઘસની રાત્રે) શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૃપે ફર્યા હતાં અને વ્હેલી સવારે માતમમાં આવ્યા હતાં અને તા. ૧૦-૯-ર૦૧૯ આસુરાના ઐતિહાસિક ચાંદીના તાજીયાની આગેવાની હેઠળ આ ભવ્ય અને કલાત્મક તાજીયાઓ નક્કી કરેલા રૃટ મુજબ શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૃપે કતારબદ્ધ રીતે ફર્યા હતાં.

ચાંદીનો તાજીયો

ઝુલુસમાં પ્રથમ નંબર ધરાવતો આ ઐતિહાસિક ચાંદીના તાજીયાના દિદાર કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોની ભારેભીડ જામી હતી. હંમેશાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા આ ચાંદીના તાજીયાને નિહાળવા દૂર-દૂરથી લોકો આવ્યા હતાં.

મેમણ જમાતનો તાજીયો

આ તાજીયો ઝુલુસમાં ર૪ માં ક્રમે ચાલે છે. એક જમાનામાં ફૂલોની ડોલી તરીકે ઓળખાતા તાજીયાને ૧૦,૦૦૦ હજાર બલ્બો વડે શણગારવામાં આવેલ આ તાજીયાને બનાવવામાં એફ.એન.સી. કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

કુરૈશ કસાઈ જમાતનો તાજીયો

આ તાજીયાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તાજીયા કમિટીની બે માસની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતી બારીગર   જમાતનો તાજીયો

આ તાજીયાનો નંબર ઝુલુસમાં બીજો છે. આ તાજીયાને પ થી ૭ હજાર બલ્બોથી શણગારવામાં આવ્યો હતો. તેને ઝુલુસ લોકો તેને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.

મકરાણી જમાતનો તાજીયો

આ તાજીયો ઝુલુસમાં ર૬મા ક્રમે આવે છે. મીરા દાંતાર દરગાહ શરીફના ખાદીમના માર્ગદર્શન હેઠળ અદ્ભૂત નકશીકામ દ્વારા તૈયાર કરાયેલા આ તાજીયાને ૭૦૦૦ જેટલા બલ્બો વડે શણગારવામાં આવ્યો હતો. કમિટીના સર્વે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અમી ધૂળધોયાનો તાજીયો

આ તાજીયાનો નંબર ઝુલુસમાં રપમો છે. દર વર્ષે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા આ તાજીયાને ૯૦૦૦ જેટલા બલ્બો વડે સુશોભિત કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, આ તાજીયાને માતમમાંથી લંઘાવાડનો ઢાળિયો ચઢાવતી વખતે હજારોની મેદની એકત્ર થાય છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે, એ વેળાએ દુઆ કબુલ થાય છે. આ તાજીયો હિન્દુ-મુસ્લિમનું પ્રતીક છે.

અરબ જમાતનો તાજીયો

ઝુલુસમાં ૧૭ મા ક્રમે આવતા આ તાજીયાને ૬૦૦૦ બલ્બોથી સુશોભિત કરાયો હતો.

પિંજારા જમાતનો તાજીયો

ઝુલુસમાં ર૭મા ક્રમે આવતા આ તાજીયાને પ૦૦૦ હજાર બલ્બથી સુશોભિત કરવામાં આવ્યો હતો. આ તાજીયાને બનાવવામાં કમિટીના સર્વે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ગૌરી જમાતનો તાજીયો ઝુલુસમાં ૧પમા ક્રમે આવતો આ તાજીયાને ર૦૦૦ જેટલા બલ્બોથી સુશોભિત કરવામાં આવેલ તેમને બનાવવામાં બે માસ સુધી જહેમત ઉઠાવી હતી.

પઠાણ જમાતનો તાજીયો

ઝુલુસમાં રરમો ક્રમ ધરાવનાર આ તાજીયાને નિહાળવા લોકોની ભારે ભીડ જામી હતી. પોતાની અનેક વિશિષ્ટતાઓને લીધે આ તાજીયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કમિટીના સભ્યોએ આ તાજીયાનું નિર્માણ કરવામાં બે માસની મહેનત કરી હતી.

પટણી જમાતનો તાજીયો

ઝુલુસમાં ત્રીજા ક્રમે આવતા આ તાજીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લાઈટીંગ કામમાં આગવું સ્થાન ધરાવતા તાજીયાને ર૦ હજાર બલ્બો વડે ઝળહળતો કરાયો હતો. સર્વે કાર્યકરોએ તાજીયાને તૈયાર કરવામાં બે માસની મહેનત કરી હતી.

ગોવાળ જમાતનો તાજીયો

ઝુલુસમાં આ તાજીયાનો ક્રમ ૧૮ મો છે. થર્મોકોલની સીટ ઉપર બારીક કોતરકામની કમાલ હતી. ૬૦૦૦ બલ્બો દ્વારા રોશનીથી ઝળહળતા કરાયેલા આ આખાય તાજીયાને મોરકલર, ક્રીમ કલરના રંગથી કરાયેલી સજાવટ અદ્ભુત હતી. તાજીયા કમિટીના કાર્યકરોએ બે માસની મહેનત કરી હતી.

મોટા દાવલશાહનો તાજીયો

આ તાજીયો ઝુલુસમાં રરમો ક્રમ છે. સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતા શહેરના ભવ્ય અને કલાત્મક તાજીયાઓ, સુન્ની સાટી જમાતનો તાજીયો, મણીયાર જમાતનો તાજીયો, સાકારશાનો તાજીયો, ટીંટાફળી ગરાણા જમાતનો તાજીયો આ ઉપરાંત જુદી-જુદી કમિટીઓ દ્વારા બનાવાયેલા પરવાના વિનાના નાના-મોટા તાજીયાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. આ ઉપરાંત બુલંદી કમિટી હૈદર કમિટી, નિગાહે કરમ કમિટી, આંશિક હુસેન કમિટી સહિત અન્ય કમિટી દ્વારા નિર્માણ કરાયેલા રોઝાઓ પણ આકર્ષક રહ્યાં હતાં. આ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં અને તાજીયાના ઝુલુસ દરમિયાન શહેરની જુદી-જુદી જમાતો અને કમિટીઓ દ્વારા બી-બટેટા, સમોસા, વડાપાઉં, ભાજીકોન, હલીમ, ચણા-બટેટા, ચા, કોફી, સરબત, ફાલુદા અને કોલ્ડ્રીંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડી.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit