કાલાવડના ખંઢેરામાં બાળકી પર દુષ્કૃત્ય ગુજારનાર નરાધમને આજીવન કેદની સજા

જામનગર તા. ૧૯ઃ કાલાવડના ખંઢેરામાં સવા વર્ષ પહેલાં નવ વર્ષની એક બાળકી પર બે વખત પાશવી દુષ્કર્મ ગુજારનાર નરાધમને અદાલતે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસેથી નાગપુર જવાના માર્ગ પર વસવાટ કરતા અને મજુરી કામ કરતા મુન્ના નાથાભાઈ ખીમલાણી (ઉ.વ. ૩૫) નામના શખ્સે ગઈ તા. ૨૪-૦૮-૨૦૧૮ના દિને ગામમાં જ રહેતા એક પરિવારની નવ વર્ષની માસુમ બાળકીને લલચાવી-ફોસલાવી પોતાની સાથે લઈ ગયા પછી તેણી પર નિર્મમ દુષ્કૃત્ય ગુર્જાયુ હતું. ત્યારપછી તા. ૨૫ની સાંજે પણ આ બાળકીને બીજા સ્થળે લઈ જઈ દુષ્કર્મનો ભોગ બનાવી હતી.

આ બાબતની તે બાળકીએ પોતાના પરિવારને જાણ કરતા જે-તે વખતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૭૬ (જે) (એન), પોક્સો એક્ટની કલમ ૪, ૬ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી તેની તથા ભોગ બનનાર બાળાની તબીબી ચકાસણી કરાવ્યા પછી આરોપી સામેનું ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા બન્ને પક્ષો તરફથી રજુ થયેલી દલીલો તેમજ ફરિયાદ પક્ષ તરફથી રજુ કરાયેલી પંદર સાહેદોની જુબાની અને અઢાર દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી મુન્ના નાથા ખીમલાણીને તકસીરવાન ઠરાવ્યો હતો. આ આરોપીને અદાલતે આઈપીસી ૩૭૬ના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૃા. ૨૫,૦૦૦નો દંડ, પોકસો એક્ટની કલમ ૪ના ગુન્હા બદલ સાત વર્ષની સખ્ત કેદની સજા, રૃા. ૧૦,૦૦૦નો દંડ તથા પોકસો એક્ટ હેઠળ ૬ના ગુન્હામાં દસ વર્ષની સખ્ત કેદની સજા તથા રૃા. ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. તમામ સજા આરોપીએ એકસાથે ભોગવવાની રહેશે. સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit