Advertisement

ધ્રોલના વાંકીયા પાસે ટ્રકમાંથી ઝડપાયો ગાંજાનો ગંજાવર જથ્થો

૩૭ કિલો જેટલો ગાંજો મળી આવ્યોઃ ટ્રક-મોટર સાથે ચારની કરાઈ અટકાયતઃ

જામનગર તા. ૨૧ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીકના વાંકીયા ગામ પાસેથી ટ્રકમાં જામનગર તરફ લાવવામાં આવતો ૩૬ કિલો, ૯૦૦ ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો એસઓજીએ પકડી પાડયો છે. તે ટ્રક તેમજ આગળ પાયલોટીંગ કરતી અલ્ટો મોટર કબ્જે કરી પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી  છે. આ શખ્સોએ જોગવડ, જામનગર તથા ઓરિસ્સાના અન્ય ત્રણના નામ ઓકી નાખ્યા છે. કુલ રૃા. ચોવીસેક લાખનો મુદામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે. ટ્રકમાં પ્લાયવૂડના જથ્થા પાછળ ગાંજો સંતાડીને રાખવામાં આવ્યો હતો.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક એક ટ્રકમાં ગાંજાનો ગંજાવર જથ્થો જામનગર તરફ લાવવામાં આવી રહયો હોવાની બાતમી જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હિતેષભાઈ ચાવડા, મયુદીન સૈયદ, દોલતસિંહ જાડેજાને મળતાં તે બાતમીથી પીઆઈ એસ એસ નિનામાને વાકેફ કરાયા પછી એસપી દીપન ભદ્રનની સૂચના અને ગ્રામ્ય ડીવાયએસપી કે આઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા ધ્રોલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

તે દરમ્યાન ત્યાંથી પસાર થતાં જીજે-૧૦-ટીવી-૯૮૬૭ નંબરના ટ્રક તથા તેની આગળ પાઈલોટીંગ કરતાં જીજે-૧૮-એએમ-૮૨૨ નંબરની અલ્ટો મોટરને એસઓજી સ્ટાફે શકના આધારે રોકાવ્યા હતા.

ટ્રકની તલાસી લેવા માટે એસઓજી સ્ટાફે ટ્રકનું ઠાઠુ ખોલાવતાં તેમાં પ્લાયવૂડનો જથ્થો ભરેલો જોવા મળ્યો હતો. પરંતુ બાતમી પાકી હોય એસઓજીએ પ્લાય વૂડનો જથ્થો ખસેડાવી પાછળ ચકાસણી કરતાં ત્યાં કોથળામાં ભરીને રાખવામાં આવેલો ગાંજાનો જથ્થો જોવા મળ્યો હતો. તે કોથળાઓ નીચે ઉતારાવી ખોલાવ્યા પછી તેમાં જોવામાં આવતાં તેમાંં ૩૬ કિલો, ૯૦૦ ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીના પીએસઆઈ આર. વી. વીછીએ રૃા. ૩,૬૯,૦૦૦ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ ટ્રક અને મોટર મળી કુલ રૃા. ૨૩,૮૦,૦૦૦નો મુદામાલ ઝબ્બે લીધો છે.

આ જથ્થા સાથે જોડીયાના દલના વાસમાં વસવાટ કરતાં અનિરૃદ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા, જામનગરના મચ્છરનગરમાં હાઉસિંગ બોર્ડની કોલોનીમાં વસવાટ કરતાં મૂળ તામિલનાડુ રાજ્યના સિદ્ધમભગમ જિલ્લાના શ્રીપુતુ ગામના વતની જેમ્સ જેકબ ક્રિશ્ચિયન, ધ્રોલની રઝવી સોસાયટીમાં વસવાટ કરતાં અને ચોગ્લે કંપનીમાં સુપરવાઈઝરની નોકરી કરતાં શાહરૃખ સફીભાઈ હાસમાણી ઉર્ફે ભૂરો મેમણ તથા ધ્રોલના ગાયત્રીનગર પાસે રહેતાં રિક્ષા ડ્રાઈવર જાવિદ કાસમ જામ નામના ચાર શખ્સની અટકાયત કરાઈ છે.

ઉપરોકત ચારેય શખ્સોની હાથ ધરાયેલી પૂછપરછમાં તેઓએ પોતાના ત્રણ સાગરીતના નામ ઓકી નાખ્યા છે. જોગવડના અજય જાડેજા, જામનગરના નવાબ તથા ઓરિસ્સાના એક અજાણ્યા શખ્સના મોબાઈલ નંબર ચારેય આરોપીઓએ આપતાં પીએસઆઈ એમ. એન. જાડેજા તથા રાઈટર લાખાભાઈ સોઢીયાએ આરોપીઓ સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ધ્રોલ પોલીસે ગાંજો, બન્ને વાહન તેમજ ટ્રકમાં ભરીને લઈ જવાતા રૃા. ૩,૫૫,૨૮૧ની કિંંમતનો પ્લાયવૂડનો જથ્થો, રૃા. ૨૩,૨૦૦ રોકડા, ચારેય આરોપીના ચાર મોબાઈલ, વજનકાંટો સહિતનો રૃા. ૨૩,૮૭,૯૮૧નો મુદામાલ ઝબ્બે લીધો છે. આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit