લાખાબાવળના બેઠા પુલ પરથી બે ભાઈ તણાયા પછી એકનો બચાવઃ અન્ય એકનો મળ્યો મૃતદેહ

હજુ એક યુવાન છે લાપત્તાઃ ગઈકાલ સાંજથી ચાલી રહી છે શોધખોળઃ પરિજનો શોકમગ્નઃ

જામનગર તા.૧૬ઃ જામનગરના લાખાબાવળમાં રહેતા બે સગાભાઈ ગઈકાલે સાંજે દરેડ જીઆઈડીસીમાં કારખાનામાંથી છુટી ઘર તરફ જતા હતા ત્યારે લાખાબાવળ નજીકના બેઠા પુલ પરથી ધસમસતા વરસાદી પાણીમાં તણાયા હતાં. સદ્દનશીબે એક ભાઈ કાંઠા સુધી પહોંચી જતાં બચી ગયા છે જયારે બીજો ભાઈ અને તેને બચાવવા વહેણમાં કુદેલા અન્ય એક યુવાન પાણીમાં લાપત્તા બની ગયા છે. ગઈકાલ સાંજથી તેઓને શોધવાની શરૃ કરાયેલી કામગીરી આજે પણ પુર્વવત રહી છે જેમાં આજે બપોરે એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. ફાયરબ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓએ બેડના બેઠા પુલથી માંડી તેનું વહેણ જયાં સુધી પહોંચે છે તે બેડની નદી સુધી શોધખોળ યથાવત રાખી છે. તરવૈયાઓ સાથે આજે સાંજે વધુ એક ટુકડી કામગીરીમાં જોડાશે.

જામનગર નજીકના દરેડમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં એક કારખાનામાં મજુરીકામ કરતા અને જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામમાં રહેતા અબ્બાસ વલીમામદભાઈ તથા તેમના સગાભાઈ ઓસમાણ વલીમામદભાઈ ગઈકાલે સાંજે કામ પરથી છૂટ્યા પરથી સાયકલ પર લાખાબાવળ જતા હતાં.

ઉપરોક્ત બન્ને ભાઈઓ જ્યારે લાખાબાવળ નજીકના બેઠા પુલ પરથી પસાર થયા ત્યારે તેઓની સાયકલ પુલ પર જામેલી સેવાળમાં સ્લીપ થતા તેઓ સાયકલ પરથી ઉતર્યા હતાં. ત્યારે જ પુલ પરથી પાણીનો પ્રવાહ અત્યંત વધી જતા બન્ને ભાઈઓ પુલ પરથી પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતાં.

ઉપરોક્ત દૃશ્ય ત્યાંથી પસાર થતા હાજી હુસેનભાઈ (ઉ.વ. ૩૦) નામના યુવાને નિહાળતા તેણે તણાઈ રહેલા બન્ને ભાઈઓને બચાવવા માટે વહેણમાં ઝંપલાવી દીધું હતું. તે દરમ્યાન ઓસમાણભાઈ તરીને એક કાંઠા તરફ પહોંચી જતા તેઓ બચી ગયા હતાં જ્યારે હાજી હુસેનભાઈ અને અબ્બાસભાઈ વહેણમાં ગુમ થઈ ગયા હતાં.

મોતના મુખમાંથી બચી ગયેલા ઓસમાણભાઈએ ઉપરોકત બનાવની અન્ય લોકોને જાણ કરતાં લાખાબાવળ તેમજ કનસુમરા ગામના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને જામનગરથી ફાયર બ્રિગેડની ટુકડી પણ ધસી ગઈ હતી. તરવૈયાઓએ વહેણમાં ઝંપલાવી ગુમ થયેલા બન્ને યુવાનોને શોધી કાઢવા જહેમત શરૃ કરી હતી. તે દરમ્યાન રાત્રી થઈ જતાં શોધ અટકાવવામાં આવ્યા પછી ગ્રામજનોએ શોધખોળ યથાવત રાખી હતી અને આજે સવારથી ફાયર બ્રિગેડના ચીફ કે.કે. બિશ્નોઈના વડપણ હેઠળ ફાયરના જવાનો ફરીથી શોધખોળમાં જોતરાઈ ગયા હતાં.

ગઈકાલે ચેલા,ચંગા સહિતના ઉપરવાસના ગામોમાં પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી વહી નીકળ્યા હતા અને લાખાબાવળના બેઠા પુલ પરથી તે પાણી બેડની નદી તરફ જતા હતા તેથી આજે સવારે ફાયરબ્રિગેડના જવાનોએ બેડની નદી સુધી તપાસ લંબાવી હતી. તેમ છતાં આજે બપોરે એક વાગ્યા સુધી બન્ને યુવાનોનો પત્તો મળ્યો ન હતો તે પછી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતાં જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલતાફ ખફી પણ દોડી આવ્યા હતાં.

ગઈકાલ સાંજથી પાણીના પ્રવાહમાં લાપત્તા બનેલા બન્ને યુવાનોના પરિવારજનો પણ લાખાબાવળથી બેડની નદી વચ્ચે ચાલતા શોધખોળના કાર્યમાં દોડાદોડી કરતા જોવા મળ્યા હતાં. આજે સાંજે ફાયરબ્રિગેડની ટુકડી સાથે તરવૈયાઓની એક વિશેષ ટુકડી પણ જોડાશે. તે દરમ્યાન આજે બપોરે બેડની નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit