નગરમાં ર૪ કલાકમાં કોરોનાથી ૧૦ના મૃત્યુઃ ૭૪ નવા કેસ

કોરોનાથી કુલ મૃતાંક ૭૬૦ પણ સરકારી ચોપડે માત્ર ૩પ!

જામનગર તા. ૧૭ઃ જામનગર શહેર-જિલ્લામાં કોરોનાથી છેલ્લા ર૪ કલાકમાં દસ દર્દીઓના મૃત્યુ થયા છે, અને ગઈકાલે નવા ૭૪ કેસ નોંધાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત્ રહ્યો છે, અને કોરોનાના કારણે મૃત્યુના દરમાં સતત ત્રિજા દિવસે પણ ખૂબ જ વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે રાત્રે ફરીથી કાળનો પંજો પડ્યો હતો. ગઈકાલ બપોર પછીથી આજે બપોર સુધીમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને વધુ ૧૦ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જો કે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૦૦ થી ૯૦ ની વચ્ચે રહેતો હતો, જેમાં આજે વધારે ઘટાડો નોંધાયો છે.

જામનગર શહેરમાં ગઈકાલે શુક્રવારે પ૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જામનગર ગ્રામ્યના ર૩ સહિત કુલ ૭૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સદી નોંધાયા પછી ફરી ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ૯૧ દર્દીઓને રજા અપાઈ છે.

જામનગર શહેરના ૭૦ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે. તે જ રીતે ગ્રામ્યના ર૧ દર્દીઓને રજા મળી છે. જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકો ૬,૦૭૧ નો થયો છે, જ્યારે જામનગર ગ્રામ્યના દર્દીઓનો આંકડો ૧,૩૬૪ સહિત કુલ ૭,૪૩પ દર્દીઓ સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત થયા છે. જામનગર જિલ્લામાં સરકારી ચોપડે છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ ૩પ દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર કરાઈ રહ્યું છે, જો કે સરકારી જી.જી. હોસ્પિટલમાં કોવિડ અને નોન-કોવિડ સહિત ૭૬૦ થી વધુ દર્દીઓના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર જિલ્લામાં કુલ ૧,૮૧,૭૬૧ લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જેમાં જામનગર શહેરના ૮પ,૯૮૪ જ્યારે ગ્રામ્યના ૯પ,૭૭૭ લોકોનું પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં આજની તારીખે જામનગર શહેરના રર૧ અને ગ્રામ્યના ૩પ મળી કુલ ર૩પ એક્ટિવ કેસ છે.

close
Ank Bandh
close
PPE Kit